Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

GONDAL: માર્કેટિંગ યાર્ડમાં કમોસમી વરસાદની આગાહી પૂર્ણ થતા જણસી આવક શરૂ

05:46 PM Nov 28, 2023 | Maitri makwana

અહેવાલ – વિશ્વાસ ભોજાણી, ગોંડલ

સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હવામાન વિભાગ દ્વારા 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે ગોંડલ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા લસણ, ડુંગળી, મરચા, ધાણા સહિતની જણસીની આવક બંધ કરવામાં આવી હતી.  વરસાદની આગાહી પૂર્ણ થતાં તમામ જણસીની આવક રાબેતા મુજબ શરૂ કરવામાં આવતા યાર્ડની બહાર બન્ને બાજુ જણસી ભરેલ વાહનોની લાંબી કતાર લાગી જવા પામી હતી.

કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી

ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે માર્કેટિંગ યાર્ડમાં સિઝન પ્રમાણે વિવિધ જણસીઓની પુષ્કળ આવક થતી હોય છે. સૌરાષ્ટ્ર ભર માંથી ખેડૂતો પોતાની જણસી લઈને અહીં આવતા હોય છે. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી.

ગોંડલ માર્કેટિંગ યાર્ડ જણસીની આવકથી ઉભરાયું

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂતોની જણસી પલળે નહિ તેને ધ્યાનમાં રાખી ડુંગળી, લસણ, ધાણા, મરચા સહિતની જણસી ની આવક બંધ કરવામાં આવી હતી. વરસાદની આગાહી પૂર્ણ થતાં તમામ જણસીની આવક રાબેતા મુજબ ફરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસીની આવક શરૂ કરાતા વિવિધ જણસીની આવકથી ઉભરાયું હતું.

માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવક શરૂ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ વિવિધ જણસી જેવી કે ડુંગળી, મરચા, કપાસ, લસણ, ધાણા, મગફળી સહિતની જણસીની આવક થવા પામી હતી. ડુંગળીની સૌથી વધુ 40 હજાર કટ્ટાની આવક થવા પામી હતી. મગફળીની 20 હજાર ગુણી, લસણની 16 હજાર કટ્ટાની આવક, કપાસની 10 હજાર ભારી, મરચાની ઓનલાઈન રજિસ્ટ્રેશન મુજબ 16 હજાર ભારીની આવક થવા પામી હતી.

જણસીના ખેડૂતોને સારા ભાવ મળતા ખુશખુશાલ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કમોસમી વરસાદની આગાહી પૂર્ણ થતાં તમામ જણસીની આવક સાથે હરાજી શરૂ કરવામાં આવી હતી. જેમાં હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 200 થી 800 રૂપિયા, લસણના 20 કિલોના ભાવ રૂપિયા 2500 થી 5031 રૂપિયા, મરચા ના 20 કિલોના ભાવ રૂપિયા 2500 થી 4500 રૂપિયા, કપાસના 20 કિલોના ભાવ રૂપિયા 1300 થી 1476 રૂપિયા તેમજ મગફળીના 20 કિલોના ભાવ રૂપિયા 900 થી 1500 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી પોતાની જણસી લઈને આવતા ખેડુતો જણસીના હરાજીમાં સારા એવા ભાવ બોલતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો – Panchmahal: ગરીબોના કોળિયોમાં ગેરરીતિ આચરનારાઓ સામે મોટી કાર્યવાહી