Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gondal: કોંગ્રેસે સમાજના નામે આયોજિત સંમેલનનો વિરોધ કર્યો

07:21 PM Dec 20, 2023 | Maitri makwana

અહેવાલ – રહીમ લાખાણી, રાજકોટ 

આગામી તારીખ 22 ડિસેમ્બર ના રોજ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પતિ જયરાજસિંહ જાડેજા જૂથ દ્વારા રીબડામાં લેવા પાટીદાર સમાજનું મહા સંમેલન યોજવાનું છે. આ મહા સંમેલનને લઈને ગોંડલનો રાજકારણ ગરમાઈ ગયું છે. સંમેલનમાં રાજકીય અગ્રણીઓ, સામાજિક આગેવાનો અને ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. સંમેલનને લઈને હાલમાં તૈયારી શરૂ છે. આમંત્રણ પત્રિકામાં જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશનું નામ લખવામાં આવ્યું છે. અનિરુદ્ધસિંહ જાડેજાના ગઢ રીબડામાં આયોજિત પાટીદાર સમાજના મહા સંમેલનને જયરાજસિંહ જાડેજા જૂથનું પીઠબળ છે. જયરાજસિંહ જૂથે અનિરુદ્ધસિંહના રીબડા જૂથને તેના ગઢમાં ચેલેન્જ આપી છે. બંને સિંહની લડાઈમાં કયું જૂથ વિજેતા થાય તે જોવું રહ્યું.

ગત વિધાનસભા ચૂંટણીમાં બંને પક્ષો વચ્ચે ગોંડલની ટિકીટ મુદ્દે વર્ચસ્વની લડાઈ થઈ હતી.

ગોંડલમાં ગત વિધાનસભા ચૂંટણીમાં જયરાજસિંહ જાડેજા જૂથ અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા જૂથ વચ્ચે ટિકિટને લઈને ખૂબ જ ખેંચતાણ થઈ હતી. બાદમાં ચૂંટણીમાં પણ જયરાજસિંહ જાડેજા ગ્રુપ અને રીબડા ગ્રુપ સામસામે આવી ગયા હતા. ચૂંટણી પ્રચાર અને મતદાનના દિવસે બંને જૂથો વચ્ચે સામસામે આક્ષેપો પ્રતિ આક્ષેપો થયા હતા. પત્ની ગીતાબા જાડેજાના વિજય બાદ જયરાજસિંહ જાડેજાએ અનિરુદ્ધસિંહના રીબડા ગ્રુપને ખતમ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. રીબડા જૂથનું સરનામું ભૂંસી નાખવાની હુંકાર ભરી હતી. બંને પક્ષો વચ્ચે થયેલી ખેંચતાણને કારણે આ મહા સંમેલન પર સમગ્ર ગુજરાતની મીટ મંડાયેલી છે.

22 ડિસેમ્બર ના રિબડા માં યોજાશે સંમેલન

આગામી તારીખ 22 ડિસેમ્બર ના રોજ રિબડા ખાતે લેવા પાટીદાર સમાજનો મહા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબાના પુત્ર ગણેશ ગોંડલ ગ્રુપ અને જય સરદાર યુવા ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમ ઘડાયો છે. કાર્યક્રમને લઈને રીબડામાં તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે.

કોંગ્રેસે સમાજના નામે આયોજિત સંમેલનનો વિરોધ કર્યો

ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડિયાએ જણાવ્યું કે આ સંમેલન લેઉવા પાટીદાર સમાજને અને અન્ય સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે. ભૂતકાળમાં લેઉવા પાટીદાર સમાજના અનેક યુવાનોની રાજકીય હત્યાઓ થઈ છે. હાલમાં લેઉવા પાટીદાર સમાજ ગોંડલમાં શાંતિથી જીવી રહ્યો છે ત્યારે આવા સંમેલનોથી સમાજને ઉશ્કેરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જો સંમેલન યોજવું હોય તો ડુંગળીની નિકાસ ફરીથી શરૂ કરવા માટે સંમેલન યોજવું જોઈએ. કારણ કે ખેડૂતોને પોતાની ઉપજના ભાવ નથી મળી રહ્યા. કેટલાક સામાજિક આગેવાનો ચાપલુસી કરવા અને પોતાની રાજકીય જમીન બચાવવા માટે આવા સંમેલનોને ટેકો આપી રહ્યા છે. સંમેલનથી સામાન્ય પ્રજાને કોઈ લાભ થવાનો નથી.

જયરાજસિંહ પોતાની સુરક્ષા નથી કરી શકતા તે સમાજની કેવી રીતે કરશે?

આશિષ કુંજડીયાએ વધુમાં જણાવ્યું કે જયરાજસિંહ જાડેજા પોતે અનેક બોડીગાડોથી ઘેરાયેલો રહે છે. તે પોતાની સુરક્ષા નથી કરી રહ્યા તો લેઉવા પાટીદાર સમાજની સુરક્ષા કેવી રીતે કરશે? લેઉવા પાટીદાર સમાજના યુવાનો ગંભીર ગુનાઓમાં જેલમાં સબડી રહ્યા છે. તે કોના કારણે જેલમાં છે એ સમગ્ર સમાજ જાણે છે. જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે ચાલી રહેલી વર્ચસ્વની લડાઈમાં પાટીદાર સમાજે હાથો બનવાની જરૂર નથી.

આ પણ વાંચો – Gondal: માર્કેટ યાર્ડમાં NCCF દ્વારા ડુંગળીની ખરીદીનો પ્રારંભ