+

Gondal: માર્કેટ યાર્ડમાં NCCF દ્વારા ડુંગળીની ખરીદીનો પ્રારંભ

અહેવાલ – વિશ્વાસ ભોજાણી, ગોંડલ  સરકારની ડુંગળીની નિકાસ બંધી અને તેમની સામે ખેડૂતોના વિરોધ વચ્ચે ગોંડલ માર્કેટ યાર્ડમાં NCCF દ્વારા ડુંગળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.પરંતું ડુંગળીની ખરીદીમાં સરકારના નિતિ…

અહેવાલ – વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

સરકારની ડુંગળીની નિકાસ બંધી અને તેમની સામે ખેડૂતોના વિરોધ વચ્ચે ગોંડલ માર્કેટ યાર્ડમાં NCCF દ્વારા ડુંગળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.પરંતું ડુંગળીની ખરીદીમાં સરકારના નિતિ નિયમો મુજબ માર્કેટ યાર્ડમાંથી માલ મળવો મુશ્કેલ બન્યો છે.જેમને કારણે યાર્ડમાંથી ડુંગળીની ખરીદી કરતા અધિકારીઓને ડેલીએ હાથ દીધા જેવી સ્થિતિ સર્જાઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે.

સૌરાષ્ટ્ર ગુજરાતમાં મોટા ભાગે ડુંગળીનું ઉત્પાદન નાની સાઈઝમાં જોવા મળ્યું છે.તેમ છતા આ વર્ષે ડુંગળીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો.પરંતુ સરકાર દ્વારા એકાએક ડુંગળીના ભાવને અંકુશમાં લેવા માટે ડુંગળીની નિકાસ બંધી કરવામાં આવતા ડુંગળી બજારમાં કડાકો બોલી જવા પામ્યો હતો.આ સાથે જ ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠવા પામ્યો હતો.

ખેડૂતોના રોષને પગલે સરકાર દ્વારા સૌરાષ્ટ્ર ગુજરાતના માર્કેટ યાર્ડોમાં NCCF દ્વારા ડુંગળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.સરકારના નિયમ મુજબ NCCF દ્વારા ખરીદ કરવામાં આવતી ડુંગળીની સાઈઝ 40mm થી લઈને 60mm સુધીની જોગવાઈ છે.પરંતું સૌરાષ્ટ્રમાં આ વર્ષે ડુંગળીનું મોટા ભાગે ઉત્પાદન 20 mm થી લઈને માંડમાંડ 40 mm સુધીનું જોવા મળ્યું છે.સરકારના નિયમ મુજબ NCCF ને ખુલ્લી બજારમાંથી ડુંગળી મળવી મુશ્કેલ બની છે.

જેમને કારણે માર્કેટ યાર્ડોમાં સરકારના નિયમ મુજબની ડુંગળી ન મળવાની સાથે NCCF ના અધિકારીઓને ડેલીએ હાથ દીધા જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે.આ સાથે માર્કેટ યાર્ડમાં NCCF નું ડુંગળી ખરીદ કેન્દ્ર શોભાના ગાંઠીયા સમાન બનવા પામેલ છે.

માર્કેટ યાર્ડમાં જ NCCF ના અધિકારીઓને નિયમ મુજબની ડુંગળી નહી મળતા સરકારમાં રીપોર્ટ કરવાની ફરજ પડી છે.ત્યારે ખેડૂતોની નિકાસ બંધી હટાવવાની માંગ વચ્ચે ખુલ્લી બજારમાંથી ડુંગળી ખરીદી કરવી પણ શક્ય બની નથી જેમને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધુ એક વધારો થવા પામ્યો છે.ગોંડલ માર્કેટ યાર્ડના સતાધીશો પણ NCCF ના અધિકારીઓ સમક્ષ 20 mmથી 40mm સુધીની ડુંગળીની ખરીદી કરવાની માંગ કરી છે.

હાલમાં સરકારે ડુંગળીની કરેલ નિકાસ બંધીને લઈને ખેડૂતોને ડુંગળીના ભાવમાં મોટી નુકશાની ભોગવવી પડે છે.તો બીજી તરફ ખૂદ સરકારના અધિકારીઓ જ ખુલ્લી બજારમાંથી ડુંગળીનું ઉત્પાદન નાની સાઈઝમાં હોવાથી ડુંગળીની ખરીદી કરી શકતા નથી.પરંતુ ખૂદ સરકારના જ અધિકારીઓને જ ગુજરાતની ડુંગળી એક્સપોર્ટની સાઈઝની હોવાનો એકરાર કરવાની ફરજ પડી છે.જેમને કારણે ડુંગળી મુદે હાલમાં સરકારની હાલત ધોબીના કૂતરા માફક ન ઘરનો કે ન ઘાટનો જેવી થવા પામી છે.

આ પણ વાંચો – વાઇબ્રન્ટ સમીટને લઈને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી

Whatsapp share
facebook twitter