Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જાહેર કરાયેલ રાજ્યના વર્ષ 2024-25 માટેના બજેટને GCCI એ બિરદાવ્યું

09:01 PM Feb 02, 2024 | Harsh Bhatt
 નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત રાજ્યના વર્ષ 2024-25 ના બજેટની જાહેરાત કરવામાં આવી હતી. આ બજેટને ગુજરાત ચેમ્બર દવારા આવકારવામાં આવ્યું હતું. GCCI ના પ્રમુખ  અજય પટેલે રાજ્યના 2024-25 ના બજેટ અંગે તેઓના પ્રતિભાવમાં બજેટને બિરદાવ્યું હતું અને જણાવ્યું હતું કે આ બજેટ ખરેખર ગુજરાત રાજ્યને ગુણવંતુ, ગરવુ, ગ્લોબલ, ગતિશીલ, તેમજ ગ્રીન (5જી) બનાવશે.
તેઓએ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ વિવિધ જાહેરાતોને પણ આવકારી હતી. તેમણે ઉદ્યોગોને આપવામાં આવતી વેન્ચર કેપિટલના આધારે ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક સાહસોને પ્રોત્સાહન આપવા માટે “ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝ ફંડ” ની રચનાની જાહેરાતને બિરદાવી હતી.

આ બજેટ નિર્ણાયક નીતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે

GCCI ના સીનીઅર વાઇસ પ્રેસિડેન્ટ સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું કે, આ બજેટ નિર્ણાયક નીતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જે થકી રાજ્યના નોંધપાત્ર વિકાસને વેગ પ્રાપ્ત થશે. બજેટ દ્વારા પ્રસ્તુત થતી વ્યાપક વ્યૂહરચના દેશના આર્થિક માર્ગ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય ને વધુ દ્રઢતા પ્રદાન કરે છે જે થકી આર્થિક તેમજ ઔદ્યોગિક સફળતાને પર્યાવરણીય અને સામાજિક-આર્થિક સફળતા સાથે સંલગ્ન કરવામાં આવેલ છે. અને આ બજેટ ભારતના વિકાસ માટે સકારાત્મક દ્રષ્ટિકોણ તરફ નોંધપાત્ર પ્રદાન કરશે તે નિર્વિવાદ છે. જેમાં ‘વિકસિત ભારત’ માટેની આકાંક્ષાને સમાવી લેવામાં આવેલ છે.

GCCI ના પદાધિકારીઓએ રાજ્યના બજેટને આવકાર્યું હતું અને બજેટમાં જાહેર કરાયેલા કેટલાક પ્રગતિશીલ પગલાં પર પ્રકાશ પાડ્યો

1. વર્ષ 2024-25ના બજેટમાં પાછલા વર્ષના અંદાજની સરખામણીમાં 31,444 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વર્ષ માટેનું બજેટ રૂ. 3.32 લાખ કરોડ છે.
2. રાજ્યમાં માથાદીઠ આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. તે આવકારદાયક પગલું છે.
3. GCCI દ્વારા ટાયર-2 શહેરો જેવા કે ગાંધીધામ, મોરબી વગેરેના વિકાસ માટે પ્રતિનિધિત્વ કરવામાં આવેલ છે. આનંદ ની બાબત છે કે બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર-વઢવાણ વગેરે મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો આપવામાં આવશે, જે આ શહેરો ની પ્રગતિને વેગ આપશે અને શાસનને સરળ બનાવશે.
4. 112 નંબરો માટે સેન્ટ્રલાઈઝ સિસ્ટમ, પોલીસ, ફાયર બ્રિગેડ અને અન્ય ઇમરજન્સી સેવાઓ માટે એક નંબર તેમજ આ માટેની જન રક્ષક યોજનામાં 1100 જન રક્ષક વાહનો હશે તે બાબત પ્રસંશનીય છે. શહેરી વિસ્તારોમાં 10 મિનિટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ સેવાઓ ઉપલબ્ધ થશે. આ પરત્વે નાગરિકો તરફ આ મૈત્રીપૂર્ણ પહેલ ઇનબાઉન્ડ ટુરિઝમને વેગ આપવામાં પણ મદદ કરશે.
5. મોરબી અને કચ્છમાં નવી કૃષિ યુનિવર્સિટી અને ખેડબ્રહ્મામાં નવી એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ યુનિવર્સિટીની જાહેરાત રાજ્યના કૃષિ ક્ષેત્રના વિકાસમાં મદદ કરશે.
આ બજેટને સુંદર, દીર્ઘદ્રષ્ટિપૂર્ણ બજેટ માટે GCCI દવારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ  નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતનું આશાસ્પદ બજેટ ઘડવામાં તેમના અથાક પ્રયાસો માટે બિરદાવ્યા છે.
અહેવાલ – સંજય જોશી