Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શ્રમ અને રોજગાર મંત્રીઓની G20 બેઠક ઈન્દોરમાં સંપન્ન

06:17 PM Jul 21, 2023 | Vipul Pandya
  • પીએમ મોદીએ વીડિયો સંદેશ દ્વારા G20 પ્રતિનિધિઓને પ્રોત્સાહિત કર્યા
  • બેઠકમાં 24 મંત્રીઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના 165 પ્રતિનિધિઓ સામેલ થયાં
 ભારતની G20 પ્રેસિડેન્સી હેઠળ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠક (LEMM) શુક્રવારે ઈન્દોર(Indore)માં યોજાઈ હતી.આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે કરી હતી. આ બેઠકમાં વીડિયો સંદેશ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી(narendra modi)એ G20 પ્રતિનિધિઓને પ્રોત્સાહિત કર્યા હતા.

વૈશ્વિક સ્તરે રોજગારની સમસ્યાનો સામનો કરવા માટે મહત્વપૂર્ણ ચર્ચા
મંત્રીસ્તરની આ બેઠક પહેલા,19-20 જુલાઈએ રોજગાર કાર્યકારી જૂથની ચોથી બેઠક અહીં યોજાઈ હતી, જેમાં વૈશ્વિક સ્તરે રોજગારની સમસ્યાનો સામનો કરવા માટે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. વર્કિંગ ગ્રૂપની બેઠક બાદ શુક્રવારે અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ શ્રમ અને રોજગાર સંબંધિત વૈશ્વિક મુદ્દાઓ પર તેમના વિચારો રજૂ કર્યા હતા. 24 મંત્રીઓ સહિત 165 પ્રતિનિધિઓએ બેઠકમાં તેમની હાજરી નોંધાવી હતી, જેનો મુખ્ય એજન્ડા આઉટકમ ડોક્યુમેન્ટના મુસદ્દાને અંતિમ સ્વરૂપ આપવાનો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વીડિયો સંદેશમાં કહ્યું કે, “ચોથી ઔદ્યોગિક ક્રાંતિના આ યુગમાં ટેકનોલોજી એ રોજગારનું મુખ્ય પ્રેરક બની છે અને ભવિષ્યમાં પણ રહેશે. ભારત જેવા દેશમાં આ બેઠક યોજાઈ રહી છે, જ્યાં ભૂતકાળમાં આવા ટેક્નોલોજી આધારિત પરિવર્તનો દરમિયાન મોટી સંખ્યામાં ટેક્નોલોજી-સંબંધિત નોકરીઓનું સર્જન કરવાનો અનુભવ છે.” પ્રધાનમંત્રીએ G20 પ્રતિનિધિઓને પ્રોત્સાહન આપતા કહ્યુ કે, “મને ખાતરી છે કે તમે આજે વિશ્વભરના તમામ કામદારોના કલ્યાણ માટે મજબૂત સંદેશો પહોંચાડશો. મને આશા છે કે આ બેઠક ફળદાયી અને સફળ રહેશે.”

ભારતે અસંગઠિત કામદારોના વિશ્વના સૌથી મોટા ડેટાબેઝ પર પ્રેઝન્ટેશન
બીજી તરફ, બે દિવસીય રોજગાર કાર્યકારી જૂથની બેઠકના ઉદ્ઘાટન સત્રમાં શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ અને G20 EWGના અધ્યક્ષ આરતી આહુજાએ પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું અને છેલ્લા ત્રણ EWG દરમિયાન થયેલી ચર્ચાઓ અને સિદ્ધિઓનો સારાંશ આપ્યો હતો. અગાઉની બેઠકોના પરિણામોને આગળ વધારતા પ્રતિનિધિઓ સાથે બેઠકની શરૂઆત થઈ હતી. તેઓએ કાર્યકારી જૂથ હેઠળ આઉટકમ ડોક્યુમેન્ટને અંતિમ સ્વરૂપ આપવા અંગે પણ ચર્ચા કરી. આ દરમીયાન ભારતે અસંગઠિત કામદારોના વિશ્વના સૌથી મોટા ડેટાબેઝ, ઈ-લેબર અને નેશનલ કેરિયર સર્વિસ (NCS) પોર્ટલ પર પ્રેઝન્ટેશન આપ્યુ હતુ. બેઠકોમાં યોજાયેલી મહત્વની ચર્ચાઓ ઉપરાંત, પ્રતિનિધિઓ માટે યોગ સત્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદેશી મહેમાનોને ઐતિહાસિક માંડુ કિલ્લાની મુલાકાતે પણ લઈ જવામાં આવ્યા. G20ના આ કાર્યકારી જૂથની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક વૈશ્વિક સ્તરે કૌશલ્ય (સ્કિલ)માં પ્રવર્તતા અંતરને ઘટાડવાની છે, જેથી કરીને બધાને વધુ સારી રોજગારીની તકો ઉપલબ્ધ થઈ શકે.