Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Monsoon 2024 : દિલ્હીથી મુંબઈ સુધી ભારે વરસાદ

12:06 PM Jul 25, 2024 | Vipul Pandya

Monsoon 2024 : સમગ્ર દેશમાં ચોમાસા (Monsoon 2024 )ની અસર જોવા મળી રહી છે. દિલ્હીથી મુંબઈ સુધી ભારે વરસાદ પડી રહ્યો છે. દિલ્હીમાં ગુરુવારે વરસાદે ગરમીથી રાહત આપી છે. દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે, જ્યારે કેટલીક જગ્યાએ હળવો વરસાદ જોવા મળ્યો છે. આવી જ સ્થિતિ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં બની છે, જ્યાં ભારે વરસાદના કારણે લોકોને રાહતની સાથે પાણી ભરાઈ જવાનો સામનો કરવો પડ્યો છે.

પુણેની 15 જેટલી હાઉસિંગ સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા

મહારાષ્ટ્રના પુણેમાં પણ વરસાદથી રાહત મળી છે, પરંતુ તેના કારણે શહેરમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. વરસાદ એટલો ભારે છે કે પુણેની 15 જેટલી હાઉસિંગ સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. પુણે શહેરમાં ચાર અલગ-અલગ સ્થળોએ 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. પ્રશાસને પુણે પિંપરી ચિંચવડ શહેરની શાળાઓમાં રજા જાહેર કરી છે. ગુરુવારે પાલઘરમાં શાળા અને કોલેજો પણ બંધ રાખવામાં આવી છે. કર્ણાટકના બેલાગવીમાં વરસાદને કારણે શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે.

દિલ્હીમાં વરસાદને લઈને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું

ગુરુવારે સવારે દિલ્હીમાં હળવો વરસાદ જોવા મળ્યો હતો, જેણે લોકોને ભેજથી રાહત આપી હતી. લાજપત નગર અને ITO તરફ જતા લોકો વરસાદમાં ભીંજાતા જોવા મળ્યા હતા. દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયું હતું. દિલ્હીમાં મહત્તમ તાપમાન 34 અને લઘુત્તમ 26 ડિગ્રી રહેશે. હવામાન વિભાગે દિલ્હીમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે.

વરસાદે મુંબઈના શ્વાસ અધ્ધર કરી દીધા

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં હાલ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જેના કારણે લાંબો ટ્રાફિક જામ થયો છે, જ્યારે અનેક વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા છે. BMCએ જણાવ્યું છે કે સમગ્ર મુંબઈ ક્ષેત્રને પાણી પુરૂ પાડતા સાત તળાવોમાંથી એક વિહાર તળાવ આજે સવારે 3.50 વાગ્યાની આસપાસ ઓવરફ્લો થવા લાગ્યું હતું. સતત વરસાદ વચ્ચે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક ગીચ અને ધીમી ગતિએ વાહનોની અવરજવર જોવા મળી હતી.

સવારે ઓફિસ જવા નીકળેલા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

મઝગાંવ, ચેમ્બુર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે વહેલી સવારે ઓફિસ જવા નીકળેલા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ચેમ્બુરમાં ઘણી જગ્યાએ પાણી ભરાયા છે. મુંબઈમાં સતત પડી રહેલા ભારે વરસાદ વચ્ચે મીઠી નદીમાં ઉછાળો આવ્યો છે. એવું નથી કે આ સ્થિતિ માત્ર મુંબઈમાં જ છે. આવું જ કંઈક નવી મુંબઈમાં પણ જોવા મળ્યું છે. સતત વરસાદને કારણે નવી મુંબઈમાં મેફકો માર્કેટ પાસે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે.

પુણેમાં ઘરોમાં પાણી ઘુસી ગયા

પુણેમાં ભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. પુણેના એકતા નગર અને વિઠ્ઠલ નગરની સ્થિતિ એવી છે કે રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. વરસાદ અને પાણી ભરાવાને કારણે લોકો તેમના ઘરોમાં કેદ થઈ ગયા હતા, ત્યારબાદ પુણે ફાયર વિભાગને બોટ લાવવી પડી હતી. લોકોને તેમના ઘરોમાંથી બોટમાં બેસાડી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. પુણેમાં જ મૂલા મુથા નદી ખતરાના સ્તરથી ઉપર વહી રહી છે, જેના કારણે લોકો ભીડે પુલ પાર કરતા ડરી રહ્યા છે.

હવામાન વિભાગે પણ વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું

શહેરમાં સતત પડી રહેલા વરસાદને જોતા કલેક્ટર સુહાસ દીવસના આદેશ બાદ પુણે શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે શાળાઓ બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગે પણ વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. પુણે શહેર ઉપરાંત પિંપરી ચિંચવાડ, ભોર, વેલ્હે, માવલ મૂળશી અને ખડકવાસલામાં પણ શાળાઓ બંધ કરવાનો આદેશ લાગુ કરવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે ખડકવાસલા ડેમમાંથી પાણીનો પ્રવાહ વધ્યો હતો.

પુણેમાં વીજ કરંટ લાગતા ત્રણ લોકોના મોત

પુણેમાં ગુરુવારે વહેલી સવારે, ભારે વરસાદને કારણે પાણીમાં ડૂબી ગયેલી એક રેંકડીને બહાર કાઢવાનો પ્રયાસ કરતી વખતે વીજ કરંટ લાગવાથી ત્રણ લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે આ ઘટના ડેક્કન જીમખાના વિસ્તારમાં બની હતી. આ ત્રણેય બાબા ભીડે બ્રિજ પાસે રસ્તાની એક રેંકડી પર ઈંડામાંથી બનાવેલી ખાદ્ય સામગ્રી વેચતા હતા. ભારે વરસાદને કારણે જ્યારે તેમની રેંકડી પાણીમાં ડૂબી ગઈ, ત્યારે તેમણે તેને સલામત સ્થળે લઈ જવાનો પ્રયાસ કર્યો, તે દરમિયાન ત્રણેય વીજ કરંટ લાગ્યો હતો.

આ પણ વાંચો—-INS બ્રહ્મપુત્રાના ગુમ થયેલા નાવિકનો મળ્યો મૃતદેહ, નેવીએ આપી જાણકારી…