Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મધ્ય પ્રદેશમાં ખરગોન હિંસા સંબધિત ટ્વિટ બદલ દિગ્વિજય સિંહ સામે FIR, જાણો ટ્વિટમાં એવું શું હતું?

06:43 PM Apr 22, 2023 | Vipul Pandya

મધ્ય પ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ વિરુદ્ધ આજે FIR નોંધવામાં આવી છે. ભોપાલ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આજે સંવેદનશીલ મુદ્દા પર વિવાદાસ્પદ ટ્વીટ કર્યા બાદ ધાર્મિક ઉન્માદ ફેલાવવા અને અન્ય કલમો અંતર્ગત દિગ્વિજય સિંહ સામે ગુનો નોંધ્યો છે.
શા માટે ગુનો દાખલ કર્યો?
રાજ્યસભાના સાંસદ દિગ્વિજય સિંહે આજે ખરગોન જિલ્લામાં સાંપ્રદાયિક હિંસા સંબંધિત અનેક ટ્વિટ કર્યા હતા. આ દરમિયાન તેમણે એક ફોટો પણ શેર કર્યો હતો. આ ફોટોમાં જોવા મળે છે કે તીક્ષ્ણ હથિયારો અને કેસરી કપડા પહેરેલા કેટલાક લોકો મસ્જિદ પર કેસરી ઝંડો ફરકાવી રહ્યા છે. આ પછી તરત જ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ ટ્વિટ કર્યું અને કહ્યું કે દિગ્વિજય સિંહે ટ્વિટ દ્વારા ખોટી માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે દિગ્વિજય સિંહે જે ટ્વીટ કર્યો છે તે મધ્યપ્રદેશનો નથી. આ સાથે શિવરાજે દિગ્વિજય પર ધાર્મિક ઉન્માદ ફેલાવવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો.

બાદમાં આ ટ્વિટ ડિલિટ કરવામાં આવી
શિવરાજ ચૌહાણે એમ પણ કહ્યું કે રાજ્યને કોમી રમખાણોની આગમાં ધકેલવાનું આ કાવતરું છે. જે સહન નહીં થાય. જો કે દિગ્વિજય સિંહે થોડા સમય બાદ ટ્વીટમાંથી આ ફોટો હટાવી દીધો હતો. ભોપાલના રહેવાસી પ્રકાશ પાંડે નામના વ્યક્તિની ફરિયાદના આધારે હવે પોલીસે દિગ્વિજય સિંહ વિરુદ્ધ IPCની કલમ 58/22, 153A(1), 295A, 465 અને 505(2) હેઠળ કેસ નોંધ્યો છે અને તપાસ શરુ કરી છે.
બિહારનો ફોટો
ફરિયાદીએ દિગ્વિજય સિંહના ટ્વીટના સ્ક્રીનશોટ અને અન્ય દસ્તાવેજો પણ પોલીસને આપ્યા છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે દિગ્વિજય સિંહે ખરગોનની ઘટનાઓના સંદર્ભમાં ટ્વિટ કરીને હિંદુઓની ભાવનાઓ સાથે રમત રમી છે. આ સાથે વિવિધ સંપ્રદાયો અને વર્ગો વચ્ચે દુશ્મનાવટનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે દિગ્વિજય સિંહે જે ફોટો ટ્વીટ કર્યો છે તે મૂળ બિહારના મુઝફ્ફરપુર જિલ્લાનો છે.
કોંગ્રેસના નેતાઓનું મૌન
દિગ્વિજય સિંહના ટ્વીટ બાદ દિવસભર ભાજપના નેતાઓની તીખી પ્રતિક્રિયાઓ આવતી રહી. તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓએ આ મુદ્દે મૌન ધારણ કર્યુ છે. આ પહેલા રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે સરકાર દિગ્વિજયના વિવાદાસ્પદ ટ્વીટ કેસમાં કાયદાકીય કાર્યવાહીને લઈને નિષ્ણાતો પાસેથી અભિપ્રાય લઈ રહી છે. તેમણે કહ્યું કે દિગ્વિજય સિંહ ભ્રમ ફેલાવીને સાંપ્રદાયિક તણાવને વેગ આપવા માંગે છે.