Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ક્યા સવાલનો જવાબ આપવાનો અંબાલાલ પટેલે ઇન્કાર કરી દીધો..? વાંચો વિગતવાર…

11:15 PM Jun 25, 2023 | Vipul Pandya
અંબાલાલ પટેલ…આ નામ હવે દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે અજાણ્યું નથી.  ખાસ કરીને ચોમાસા અને વાવાઝોડા દરમિયાન સોશિયલ મીડિયાથી માંડીને તમામ પ્રસાર માધ્યમોમાં છવાયેલા રહેતા અંબાલાલ પટેલની આગાહી લગભગ સચોટ માનવામાં આવે છે અને લોકો પણ તેમની આગાહી પર વિશ્વાસ અને ભરોસો કરી રહ્યા છે. અંબાલાલ પટેલ સાથે ગુજરાત ફર્સ્ટે ખાસ વાતચીત કરીને તેમના જીવનની ઘણી વાતો જાણવાની કોશિશ કરી હતી પણ એક સવાલનો જવાબ આપવાનો તેમણે ઇન્કાર કરી દીધો હતો….
પહેલી આગાહી 1980માં કરી
ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં અંબાલાલ પટેલે કહ્યું કે  મે મારી પહેલી આગાહી 1980માં કરી હતી. નોકરીની સાથે સાથે હું આગાહી કરતો હતો.  તે વરસાદની આગાહી હતી. અમદાવાદના બપોરના અખબારમાં મે તે વરસાદની આગાહી કરી હતી અને  તે સાચી સાબિત થયા બાદ અવાર નવાર હું અખબારોમાં સતત મારી આગાહી કરતો હતો.

રોજ  પરંપરાગત જ્ઞાનનો અભ્યાસ
તેમણે કહ્યું કે  હું રોજ મારા પરંપરાગત જ્ઞાનનો અભ્યાસ કરું છું. રોજ જ્યારે પણ સમય મળે ત્યારે  પરંપરાગત જ્ઞાન અને નક્ષત્રોનો અભ્યાસ કરતો રહું છું અને ચોમાસાને લગતાં પુસ્તકો પણ વાંચું છું. પુસ્તકોનો સતત અભ્યાસ કરતો રહું છું…અત્યારે સવારથી જ મીડિયા મારા ઘેર આવી જાય છે તેથી જ્યારે ટાઇમ મળે ત્યારે અભ્યાસ કરતો રહું છું.
સવાલનો જવાબ આપતાં અંબાલાલ પટેલ થોડો સમય ચૂપ થઇ ગયા
એવી કઇ આગાહી છે કે તમને રાતોરાત પ્રસિદ્ધી મળી..? તેવા સવાલનો જવાબ આપતાં અંબાલાલ પટેલ થોડો સમય ચૂપ થઇ ગયા હતા..અને લંબાણપૂર્વક જવાબ આપવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે એવી કોઇ આગાહી અંગે તો મારે કંઇ કહેવું નથી. કારણ કે મુશ્કેલી થઇ જાય…ભૂકંપની જે આગાહી હતી તેનાથી ભય ફેલાતો હતો. તેથી તેની મારે અહીં ચર્ચા કરવી નથી. મારા પર કેસ થયા બાદ તે કેસ હું જીતી પણ ગયો હતો.

લોકોના સતત ફોન આવે છે
લોકોના મારા પર સતત ફોન આવતાં રહે છે. અમારે ઘેર લગ્નનો પ્રસંગ કરવો છે તો વરસાદ પડશે કે કેમ, કોઇ ફંકશન રાખ્યું હોય તો વરસાદ આવશે કે કેમ તેવી પૂછપરછ લોકો કરતાં રહે છે. મારી પર ખેડૂતોના ફોન પણ સતત આવતાં રહે છે તો  મીઠાના અગારીયા અને ખારવાના પણ ફોન આવતા હોય છે.
સરકારને પણ સલાહ આપતાં 
શરુઆતમાં હું સરકારી સર્વિસમાં હતો ત્યારે મારે અનઅધિકૃત રીતે સરકારને ચોમાસા બાબતે સલાહ આપવી પડતી હતી તેવા એક સવાલના જવાબમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું.

મારા જ્ઞાનનો વિસ્તાર કરવા માગું છું
મારા પરંપરાગત જ્ઞાનને શીખવા ઘણા લોકો આવે છે. ગુજરાતના 5થી 10 યુવકોને રસ પડ્યો છે તે મારી પાસે શીખવા આવે છે. રાજ્યના અલગ અલગ ભાગમાંથી ઘણા લોકો શીખવા આવે છે અને મારી તાકાત હોય ત્યાં સુધી હું શીખવું છું. રસ હોય તો આ વિજ્ઞાન જરુર શીખી શકાય છે.
કોરોનામાં સ્થિતિ ગંભીર થઇ ગઇ હતી
અંબાલાલ પટેલ કોરોનામાં ગંભીર પરિસ્થિતીમાંથી બહાર આવ્યા છે. જો કે દુ:ખની વાત એ છે કે કોરોનામાં તેમના પત્નીનું અવસાન થયું હતું. તેઓ પરંપરાગત જ્ઞાન અને નક્ષત્રોની સ્થિતિ જોઇને ચોમાસુ, ગરમી, ઠંડી અને વાવાઝોડાની આગાહી કરતા રહે છે. ક્યા ગ્રહો એક સાથે આવે ત્યારે વાવાઝોડાની સ્થિતિ થાય તે સહિતનો અભ્યાસ તેઓ સતત કરતા રહે છે.

જીવનનો મોટો આનંદ અને કઠિન ક્ષણ 
ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરતાં અંબાલાલ પટેલ કહે છે કે મારા જીવનનો મોટો આનંદ એ છે કે મારા સંતાનો ભણવામાં હોંશિયાર હતા અને તેઓ ડોક્ટર બન્યા છે. તેઓ જીવનના કઠિન સમય અંગે જણાવતાં કહે છે કે તેમની નોકરીના ગાળામાં પગાર ઓછો હતો અને જવાબદારી વધુ હતી અને તે સમયે તેમ છતાં તેમણે સરકારી નોકરીમાં પણ ભ્રષ્ટાચાર કરવાનો પ્રયાસ કર્યો ન હતો. તેમના સંતાનોને વધુ સગવડ મળે તે માટે તેમણે અનિતીથી પૈસા કમાવાના બદલે જન્મપત્રિકા બનાવવાનું વધુ પસંદ કર્યું હતું અને તેઓ જન્મ કુંડળી બનાવતા હતા.
અંબાલાલ પટેલનું જીવન..
અંબાલાલ પટેલ ઍગ્રિકલ્ચર ગ્રૅજ્યુએટ છે. તેમણે આણંદની કૃષિ યુનિવર્સિટીમાંથી બીએસસી ઍગ્રિકલ્ચરની ડિગ્રી મેળવી છે. અંબાલાલ પટેલનો જન્મ પહેલી સપ્ટેમ્બર, 1947ના અમદાવાદ જિલ્લાના રુદાટલમાં ખેડૂત પરિવાર દામોદરદાસ પટેલને ત્યાં થયો હતો.તેઓ 1972માં ગુજરાત સરકારમાં બીજ પ્રમાણન એજન્સી અમદાવાદ ખાતે બીજ એગ્રીકલ્ચર સુપરવાઈઝર તરીકે જોડાયા હતા. જે બાદમાં ઉત્તરોતર એગ્રીકલ્ચર ઓફિસની બઢતી મેળવી હતી. તેમણે મદદનીશ ખેતી નિયામક તરીકે ફરજ બજાવી છે. બીજ સુપરવાઈઝર ઉપરાંત સેક્ટર 15 ખેતીવાડી લેબોરેટરી ગુણવત્તા નિયંત્રણ કચેરી તેમજ જમીન ચકાસણી જૈવિક નિયંત્રણ કચેરી ખાતે ફરજ બજાવીને તેઓ સપ્ટેમ્બર 2005 માં નિવૃત થયા હતા. તેમણે વરસાદનો વરતારો, મેઘમહોદય ગ્રંથ, વારાહી સંહિતા વગેરે ગ્રંથોમાંથી જ્યોતિષ દ્રષ્ટિએ હવામાન અંગેનું ભવિષ્ય કથન કેમ કરવું તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.અંબાલાલ પટેલના પરિવારમાં પત્ની, બે પુત્ર અને એક પુત્રી છે. તેમનો પુત્ર રાજેન્દ્ર પટેલ ડોકટર છે અને અમેરિકામાં કેન્સર વિભાગમાં સેવા આપી છે અને હાલ રાજેન્દ્ર પટેલ ધ્રાંગધ્રામાં બાળકોની હોસ્પિટલ ધરાવે છે. બીજો દીકરો સતિષ પટેલ આઇટીમાં અભ્યાસ કરીને ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ કરે છે. પુત્રી અલ્કા પટેલ પણ ડૉકટર છે અને તે બારડોલીમાં સરકારી દવાખાનામાં ફરજ બજાવે છે.