Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મિથેનોલકાંડ : મોટી સંખ્યામાં મોત બાદ જ સરકાર કેમ જાગે છે ?

06:18 PM Dec 01, 2023 | Bankim Patel

14 વર્ષના ગાળામાં ગુજરાત સરકાર (Government of Gujarat) ને હચમચાવતી 4 ઘટના અને 200થી વધુ લોકોના મોત. લઠ્ઠાકાંડ કહો કે કેમિકલકાંડ કે પછી આયુર્વેદિક સિરપકાંડ નામ અલગ-અલગ છે, પરંતુ પ્યાસીઓના મોત માટે જવાબદાર છે મિથેનોલ. સરકારના અનેક ખાતાઓ પૈકી એક નશાબંધી અને આબકારી વિભાગ (Prohibition and Excise Department) પાસે મિથેનોલના લાયસન્સ (Methanol License) અને નિયંત્રણની જવાબદારી છે. જો કે, આજદીન સુધીના કેસોની તપાસમાં નશાબંધી ખાતા સામે એકપણ વખત ઠોસ પગલાં લેવાયા નથી. અત્યારસુધીની ઘટનાઓમાં દરેક વખતે એક માત્ર પોલીસ વિભાગ (Gujarat Police) ને જવાબદાર ઠેરવવામાં આવે છે. આ ઘટના માટે વાસ્તવમાં પોલીસ, આરોગ્ય વિભાગ કે પછી નશાબંધી ખાતું કોણ જવાબદાર છે ? તે આગામી દિવસોમાં જાણી શકાશે કે નહીં તે કહેવું હાલ મુશ્કેલ છે.

દોઢ દસકમાં ચાર મોટી ઘટના : જુલાઈ-2009માં અમદાવાદ શહેર (Ahmedabad City) માં થયેલા લઠ્ઠાકાંડમાં 140થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. સપ્ટેમ્બર-2016માં સુરત શહેર-ગ્રામ્ય (Surat) માં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 18 લોકોના મોત નિપજ્યા હતા. બોટાદ (Botad) અને અમદાવાદ જિલ્લા (Ahmedabad District) માં જુલાઈ-2022માં થયેલા કેમિકલકાંડમાં 40ના મોત અને 90ને અસર. તાજેતરમાં ખેડા જિલ્લા (Kheda District) માં 6 પ્યાસીઓની મોતની ઘટના માટે આયુર્વેદિક સિરપને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. મોતના તાંડવ બાદ શરૂ થતી હલચલમાં દરેક વખતે તંત્ર બચાવની સ્થિતિમાં આવી જાય છે. બોટાદ-અમદાવાદ ગ્રામ્યમાં કેમિકલકાંડ અને હવે ખેડા જિલ્લામાં આયુર્વેદિક સિરપકાંડ એમ જુદાજુદા નામ આપી મામલાની દિશા બદલવાનો પ્રયાસ થાય છે.

પ્રથમ વખત મિથેનોલ સપ્લાયર સામે થઈ કાર્યવાહી : ખેડા જિલ્લામાં થયેલા પ્યાસીઓના મોત માટે મિથેનોલ જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. રાજ્યના DGP વિકાસ સહાયે (Vikas Sahay IPS) મોત માટે મિથેનોલનું તત્વ જવાબદાર હોવાનું કહ્યું છે. ભૂતકાળમાં બનેલી તમામ ઘટનાઓમાં પણ મિથેનોલ એટલું જ જવાબદાર હતું. વર્ષ 2022ના બોટાદ-અમદાવાદ કેમિકલકાંડની તપાસમાં પ્રથમ વખત મિથેનોલના ગેરકાયદે સપ્લાય માટે જવાબદાર એમોસ કંપની (Amos Company) ના સમીર પટેલ (Samir Patel) સહિતના માલિક-ડિરેકટરને આરોપી બનાવાયા છે. કેમિકલકાંડ બાદ સમીર પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) માં લવાયા હતા અને કોઈ કાર્યવાહી વિના જવા દેવાયા હતા. આ ઉપરાંત DGP કક્ષાના અધિકારીએ સમીર પટેલને કાર્યવાહીથી બચાવવા ખૂબ ધમપછાડા પણ કર્યા હતા.

નશાબંધી વિભાગની કોઈ જવાબદારી ખરી ? : ગુજરાત નશાબંધી અને આબકારી વિભાગ ઈથેનોલ (Ethanol) મિથેનોલ (Methanol) તેમજ રસી ગોળ સહિતના પરવાના આપે છે અને તેનો જથ્થો ચકાસવાની જવાબદારી પણ તેમની જ છે. લઠ્ઠાકાંડ હોય કે કેમિકલકાંડ સરકાર પોલીસ પર આકરી થાય છે. બોટાદ-અમદાવાદના કેમિકલકાંડમાં પોલીસને જવાબદાર ઠેરવી સસ્પેન્ડ કરવામાં આવી હતી. અનુક્રમે અમદાવાદ ગ્રામ્ય (Ahmedabad Rural) અને બોટાદ જિલ્લાના SP વિરેન્દ્ર યાદવ (Virendra Yadav IPS) અને કરણરાજ વાઘેલા (Karanraj Vaghela IPS) ને સાઈડ પોસ્ટિંગ આપી દેવાયા હતા. છેલ્લાં 14 વર્ષના ગાળામાં બનેલી લઠ્ઠાકાંડ અને કેમિકલકાંડની ઘટનાઓમાં નશાબંધી અને આબકારી વિભાગ સામે કેમ કાર્યવાહી નથી કરાતી તે એક વેધક સવાલ છે. નશાબંધી વિભાગમાં વિજિલન્સ ડિપાર્ટમેન્ટ પણ છે, પરંતુ તેની કામગીરી પરવાનાધારકો જ જાણે છે.

આરોગ્ય મંત્રીનું નિવેદન અને કાયદો વિરોધાભાસી : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ (Food and Drugs Department) ના આર્શીવાદ અનેક લોકોને મળ્યા છે અને મળતા રહે છે. ખેડા જિલ્લામાં આયુર્વેદિક સિરપકાંડની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. સિરપમાં 11 ટકા સુધી આલ્કોહોલ હોય તો તે કરિયાણાની દુકાન પરથી પણ વેચી શકાય છે. આવી છટકબારી અને નબળા નિયમોના કારણે ગુજરાત નશાનું બંધાણી બન્યું છે. મીડિયામાં લોકોના મોતના સમાચાર અને મોત માટે જવાબદાર મિથેનોલના તત્વનો ઘટસ્ફોટ થતાં ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી (Health Minister of Gujarat) ઋષિકેશ પટેલ (Rushikesh Patel) ને નિવેદન આપવાની ફરજ પડી છે. પટેલે પણ DGP એ આપેલા નિવેદનની જેમ આયુર્વેદની દવા સાથે અન્ય ઝેરી કેમિકલની ભેળસેળ થઈ હોવાની વાત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે, રાજ્યમાં કોઈપણ પ્રકારના કેફી પદાર્થોને વેચવાની પરવાનગી અપાઈ નથી. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર કેફી સિરપનું ઉત્પાદન ગુજરાતમાં આવેલી કેટલીક ફેક્ટરીઓમાં જ થાય છે અને તેમાં મોટા માથાઓની સંડોવણી છે.

આ પણ વાંચો : Gujarat Police : એક IPS અધિકારીએ ઈતિહાસ રચ્યો, શું છે વિગતો જાણો