Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

26/11 : આજે પણ મને મોકો મળે તો ફરી યુનિફોર્મ પહેરી આતંકીઓ સામે લડવા જઇશ

10:05 PM Nov 25, 2023 | Vipul Pandya

26/11ના અનસંગ હીરો પ્રવિણ તેવટીયા શનિવારે ગુજરાત ફર્સ્ટના મહેમાન બન્યા હતા. ગુજરાત ફર્સ્ટના જનમંચમાં તેમણે અનેક મહત્વની વાતો કરી હતી. તેમની વાતો સાંભળીને સ્ટુડીયોમાં હાજર દરેક વ્યક્તિના રુવાંટા ઉભા થઇ ગયા હતા. પ્રવિણ તેવટીયાએ જાનના જોખમે તાજ હોટલમાંથી 150થી વધુ લોકોને બચાવ્યા હતા. વાંચો…તેમનો અક્ષરસહ : ઇન્ટરવ્યું

મને આવો મોકો જો ફરી મળશે તો હું ફરી ડ્રેસ પહેરી આતંકીઓ સાથે લડવા જઇશ

ગુજરાત ફર્સ્ટે મને આમંત્રણ આપ્યું તે બદલ ગુજરાતવાસીઓનો ખુબ ખુબ આભાર હું વ્યક્ત કરું છું. મે ઘણા ઓપરેશનમાં ભાગ લીધો હતો પણ તે દિવસની વાત કરું તો મને આવો મોકો જો ફરી મળશે તો હું ફરી ડ્રેસ પહેરી આતંકીઓ સાથે લડવા જઇશ. આ દેશ અમારો છે અને અમે વેલ ટ્રેન્ડ કમાન્ડો છીએ..અમારા માટે નેશન ફર્સ્ટ છે. પરિવાર પછી….જો હું શહીદ થઇશ તો પણ હું ધન્ય અનુભવીશ. હું દેશના કામમાં આવ્યો તે જ મારા માટે ગર્વની વાત છે.

પાવન માટીમાં મારો જન્મ

હું ભારતમાતાનો આભારી કે પાવન માટીમાં મારો જન્મ થયો. મારા ગામની વિરાસત મને મળી છે. મારા ગામે દેશને ચૌધરી ચરણસિંહને વડાપ્રધાન તરીકે આપ્યા હતા. મારા ગામમાં 39 શહીદ છે અને 8 સ્વાતંત્ર્ય સેનાની છે. મારા પરિવારમાં બધા આર્મીમાં છે. આવી માટી સાથે હું જોડાયેલો છું. 15 વર્ષની દેશની સેવા કરી મે નિર્ણય કર્યો કે અન્ય ક્ષેત્રમાં દેશની સેવા કરું. હાલ લોકોને હેલ્થ અને દેશ પ્રતિ જાગૃત કરું છું. તેમની દેશભક્તિ જગાડવાનો પ્રયાસ કરું છું

હોટલમાં કોઇનું પણ હ્રદય કાંપી ઉઠે તેવા ત્યાં દ્રષ્યો હતા

તાજ હોટલમાં સૌથી પહેલી એન્ટ્રી મે કરી હતી. મે ટીમ લીડ કરી હતી. મે જોયું કે મુંબઇ પોલીસના જવાનો અલગ અલગ લોકેશન પર હતા. તેમના ચહેરા પર જોવા મળ્યું કે ત્યાં કેટલું ભયાનક છે. અમારી પહેલી ટીમ ઇજાગ્રસ્તોને કાઢતી હતી. ઇજાગ્રસ્તો લોહીલુહાણ હતા. તમે સૈનિક તરીકે જ્યારે આવું જુઓ ત્યારે આક્રોષ થાય કે આ તો નિર્દોષ લોકો છે અને આ પ્રકારનું જે કાર્ય થયું છે તે ખોટું છે. ટેરરિસ્ટ ગૃપે સેનાને ચેલેન્જ કરવું પડે તો જ ખબર પડશે કે તમે કેટલા તાકાતવર છો. સામાન્ય લોકોને કેમ ટાર્ગેટ કરો છો. હમાસ જેવો જ આ હુમલો હતો. અમે ઝડપથી હોટલ ખાલી કરાવી હતી. હોટલમાં કોઇનું પણ હ્રદય કાંપી ઉઠે તેવા ત્યાં દ્રષ્યો હતા. ત્યાં લાશો પડી હતી. ઇજાગ્રસ્તો હતા.

મે ફોન કરીને પરિવારને જણાવ્યું ન હતું કે હું તાજ હોટલમાં જાઉં છું

અમે ફિલ્ડમાં હોઇએ ત્યારે પરિવારને યાદ કરતા નથી. પરિવારને યાદ કરીને તમે કમજોર પડશો. અમારો પરિવાર તૈયાર હોય છે કંઇ પણ સમાચાર મળે…પણ મને આ બધી ચીજો વિરાસતમાં મળી છે. જે વાતાવરણમાં હું પેદા થયો છું તે ગામમાં તમામ યુદ્ધના યોદ્ધા મારા ગામમાં છે અને તેમની વાર્તાઓ સાંભળી હું મોટો થયો છું. પછી તમે સેનામાં જાવ ત્યારે તમારે દરેક સ્ટેજ પર પ્રૂવ કરવું પડે છે. કમાન્ડોનું ક્ષેત્ર અલગ હોય છે. તે બહું ટફ છે. ત્યાં તમને પ્રોત્સાહન અપાય છે પણ તમારી શારિરીક અને માનસિક ક્ષમતા મજબૂત હોવી જોઇએ. મારી પાસે ફોન હતો પણ મે ફોન કરીને પરિવારને જણાવ્યું ન હતું કે હું તાજ હોટલમાં જાઉં છું.

4 આતંકી રુમમાં હતા

જ્યારે હું રુમમાં પ્રવેશ્યો ત્યારે બાજુના રુમમાં 185 લોકો હતા. આતંકી 1 મિનીટ પહેલા ત્યાં પહોંચ્યા હતા. તેમાં ઉદ્યોગપતિ અદાણી હતા, 4 એમપી હતા. કેટલાક વિદેશી હતા અને લગ્નના મહેમાનો અને મહારાષ્ટ્ર સરકારના અધિકારી હતા. જો તે બંધક થાત તો દેશની ગંભીર સ્થિતી હોત. હું રુમમાં ગયો ત્યારે મને બે એકે 47 સેફ્ટી કેચનો અવાજ આવ્યો. 4 આતંકી રુમમાં હતા. રુમમાં અંધારુ હતું. તેમણે મારી પર ફાયરીંગ કર્યું તો મે પણ ફાયરીંગ કર્યું. પછી શું થયું તેની મને ખબર ન હતી. મને ડાબી બાજુ મને ગરમ લાગ્યું. મે કાર્પેટ પકડી લીધું. મને તે પોઇન્ટ બ્લેન્ક તે મારી શકતા હતા. મને પેઇન હતું પણ હું અવાજ ના કરીને ત્યાં સ્થીર થઇ ગયો. હું ઢસડાઇને બીજી તરફ ગયો. પછી મે ફાયરીંગ કર્યું. મારી પાસે કોમ્યુનિકેશન સેટ ન હતો. પણ હું લોકો અને મારી ટીમને બચાવવા સફળ થયો. મે આતંકીઓને એંગેજ રાખ્યા. ત્યારબાદ મે હાર્ડ ડિસીઝન લીધું કારણ કે હું લોહીલુહાણ હતો. હું વધુ રોકાઇ શકું તેમ ન હતો. મે ગ્રેનેડ કાઢ્યો. મે નક્કી કર્યું કે ભલે હું મરી જાઉં પણ હું ગ્રેનેડ ફેંકીશ. પણ ગ્ર્નેડ ફાટ્યો નહીં. જો ગ્રેનેડ ફાટ્યો હોત તો તાજનું ઓપરેશન તે જ વખતે પુર્ણ થઇ ગયું હોત.

મારા યુનિટના લોકો એક્સરસાઇઝમાં બીઝી હતા

હું 2 દિવસ પહેલાં જ ગુજરાતથી ત્યાં ગયો. આતંકીઓએ તે દિવસ કેમ પસંદ કર્યો તે પણ જાણવા જેવું છે. આ એટેક 3 મહિના પહેલા થયો હોત પણ તે દિવસે ગુજરાત પોલીસ અને આર્મી, કોસ્ટગાર્ડ નેવી એક્સરસાઇજમાં બીઝી હતા. મારા યુનિટના લોકો એક્સરસાઇઝમાં બીઝી હતા .માર્કોસે ઓવરસીઝમાં ખુબ કાર્ય કર્યું છે.

આતંકીઓ લોકોને ટ્રેસ કરીને મારતા હતા

ઓપરેશનમાં સમસ્યા એ હતી કે લોકોએ બહું ભુલો કરી હતી. લોકોના ફોન રણકવા લાગ્યા હતા. દરેકે ફોન ચાલું રાખ્યા હતા જેથી આતંકીઓને ખ્યાલ આવી જતો હતો. લોકો છુપાઇને ફોનનો ઉપયોગ કરતા હતા. લીફ્ટથી લોકો ભાગતા હતા જેથી આતંકીઓએ લીફ્ટને ટાર્ગેટ કરતા હતા. તે લોકોને ટ્રેસ કરીને મારતા હતા. કોઇએ આવી ચીજો પર ધ્યાન આપ્યું ન હતું. રુમમાં બેલ વગાડીને ઘુસીને માર્યા. તાજના જનરલ મેનેજરના પરિવારને જીવતું સળગાવી દીધું હતું. આતંકીઓ લાશની પાછળ છુપાયેલા હતા.

મને 6 મોટી સર્જરી કરાઇ છે

મને ડોક્ટરે તમામ વસ્તુ માટે પ્રતિબંધ કરી દીધો છે. સ્વીમીંગ, પેરાજંપીંગ, દોડવાની મનાઇ ફમાવી હતી. ડોક્ટરે કહ્યું કે તમારા આંતરીક અંગો અને ફેફસાં ખરાબ થઇ ગયા છે. મને 6 મોટી સર્જરી કરાઇ છે. મે 4 વર્ષ લગાતાર યોગ કર્યો. હું જીવું છું માત્ર ચમત્કાર થી..ગોળી મારા ફેફસાંને ચીરીને ગઇ હતી. 2012માં મે જોગીંગ કર્યું અને મારુ વજન ઓછું કર્યું, ધીમે ધીમે દોડવાનું શરુ કર્યું. યોગથી મને ખુબ જ ફાયદો થયો અને બચી ગયો. આજે પણ દોઢ કલાક યોગ કરું છું. 2015થી મે ચેલેન્જ લેવાનું શરુ કર્યું. મુંબઇ મેરેથોનમાં બીજાના નામે હાફ મેરેથોનમાં ભાગ લીધો. 21 કિમી મે 1 કલાક 53 મિનીટમાં પુરી કરી અને 2022માં આ અંતર મે 1 કલાક 35 મિનીટમાં પુરી કરી.

તમારી વીકનેસને ઓળખો

તમારી ક્ષમતાને ઓળખો, તમારી શક્તિને ઓળખો અને મહત્વનું છે કે તમારી વીકનેસને ઓળખો. તમારી ખોટી આદતને ઓળખીને બદલો તો ઓટોમેટીક બધું સારુ થશે.

લોકોએ મને દેવદૂત ગણ્યો..

મને દેવદૂત ગણ્યો હતો એ લોકોએ….તમે કોઇનો જાન બચાવો તો દેશ તમારો ઋણી થઇ જાય છે. સૈનિકનું કામ છે કે તે તેનું કામ કરે. જ્યારે લોકોનો જીવ બચાવો ત્યારે તેમના ચહેરા પર સ્માઇલ જુઓ તો તમને પુરતો સંતોષ મળશે અને લાગે છે કે તમે મહત્વનું કામ કર્યું

2006માં મે દરિયામાં દ્વારકા શોધી

2006માં દ્વારકાની શોધ માટે મોકલાયો હતો. આ ટીમમાં હું એકલો ગોતાખોર કમાન્ડો હતો. હું ગોતાખોરી માટે દરિયામાં ગયો અને શોધી કાઢ્યું કે અહીં દ્વારકા હતું. મહાભારતની કથા સત્ય પર આધારિત છે તે વિશ્વને બતાવ્યું. મને પોઝિટીવ ફીલ થતું હતું. હું તે પથ્થરો પર બેસતો ત્યારે લાગતું કે ખુદ શ્રીકૃષ્ણ મારી સાથે વાત કરે છે.

દેશની સેવા માટે હંમેશા તત્પર

હું આ દેશની સેવા માટે હંમેશા તત્પર છું. મને લાગે છે કે ઇશ્વરે મને પસંદ કર્યો છે કે હું દેશની સેવા કરું. હું એટલું જ કહીશ કે રોજ તમે તમારી જાતને તૈયાર કરો. આર્યર્ન મેન મે પૂર્ણ કર્યું ત્યારે હું રડી પડ્યો હતો. હું તે પ્રવિણને યાદ કરતો હતો 2008નો જ્યારે બધાએ મને છોડી દીધો હતો અને આજે હું રેડ કાર્પેટ પર ચાલું છું. એફર્ટ અને એક્સક્યુઝ બંને સાથે ક્યારેય નહી ચાલે તેવો સંદેશો હું યુવા પેઢીને આપવા માગું છું.

આ પણ વાંચો—26/11 : માર્કોસ પ્રવિણ તેવટીયા..આતંકીઓની 4 ગોળી છાતીમાં હોવા છતાં બચાવ્યા 150થી વધુ લોકોના જીવ