Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મહારાની : ગૂંગી ગુડિયા’ બોલવા લાગે ત્યારે…

01:32 PM Mar 13, 2024 | Kanu Jani

વાર્તા તો ટ્રેલર પરથી જ સર્વવિદિત છે કે બિહારના મુખ્યમંત્રી ભીમા ભારતી આકસ્મિક સંજોગોમાં લાલુપ્રસાદ યાદવની તર્જ પર પોતાની જગ્યાએ પોતાની અભણ અને સાવ જ દેશી પત્નીને મુખ્યમંત્રી બનાવી દે છે અને રાજકીય જગતમાં ઘમાસાણ મચી જાય છે.

સિરિઝના રાઈટર-ક્રિએટર છે ‘ફંસ ગયે રે ઓબામા’ અને ‘જોલી એલ.એલ.બી.’ જેવી ફિલ્મો બનાવનારા સુભાષ કપૂર અને ડિરેક્ટ કરી છે રિચા ચઢ્ઢા સ્ટારર ‘મેડમ ચીફ મિનિસ્ટર’માં એમને આસિસ્ટ કરનારા કરન શર્માએ.

સિરિઝનું રાઈટિંગ અને ડિરેક્શન બંન્ને મજબૂત છે. બિહારનું રાજકારણ જાતિવાદ પર આધારિત હોવાના કારણે સ્વાભાવિકપણે જ વાર્તામાં એક અંડરટોન હળહળતા જાતિવાદનો પણ રહેવાનો. મેકર્સે ક્યાંય પણ જાતિઓના નામ લીધા વિના એટલું સ્માર્ટલી એનું ચિત્રણ કર્યું છે કે જે કહેવાનું છે એ કહેવાઈ પણ જાય, દર્શકોને સમજાઈ પણ જાય અને કોઈ ખાસ વિવાદ કે કેસ પણ ન થાય. રાજકીય આટા-પાટા, કૌભાંડોનું ડિટેલિંગ, રાજકારણ પર સવાર જાતિવાદ, વિધાનસભાની અંદર-બહારની રમતો વગેરેનું ચિત્રણ શાનદાર છે. ‘ઔચક નિરીક્ષણ’ (સરપ્રાઈઝ ઈન્સપેક્શન) સહિતના બિહારી શબ્દ પ્રયોગો અને કેટલાક શ્લિલ-અશ્લિલ રૂઢિપ્રયોગોનો ઉપયોગ પણ ધારદાર રીતે કરવામાં આવ્યો છે. થોડો નાટ્યાત્મક લાગતો ક્લાઈમેક્સ તો સિરિઝને એક અલગ જ સ્તર પર મુકી આપે છે.

હુમા કુરેશીને પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાની તક આ સિરિઝમાં મળી છે એમ કહી શકાય. રાની ભારતીનું કેરેક્ટર એટલું સ્ટ્રોંગ છે કે કોઈપણ સશક્ત એક્ટ્રેસ માટે આ પાત્ર ડ્રિમ રોલની કેટેગરીમાં આવી શકે. પતિ પર હકથી ગુસ્સો કરીને બિહારના મુખ્યમંત્રી પાસે ગાયો પણ દોહવડાવી શકે તેવી પતિવ્રતા નારીથી માંડીને મુખ્યમંત્રી પદ સંભાળતી મહિલા સુધીના રાની ભારતીના પાત્રના લેયર્સને હુમાએ બહુ જ સારી રીતે ન્યાય આપ્યો છે. કારની સીટમાં પણ ઘુંટણથી એક પગવાળીને સીટની ઉપર ચડાવીને બેસવાની અસ્સલ બિહારણ દેહાતી ઔરતની બોડી લેંગ્વેજ એણે સારી આત્મસાત કરી છે.

તુમ્બાડ’ ફેમ સોહમ સાહે ભીમા ભારતીનું પાત્ર ભજવ્યું છે. એમના રાજકીય સલાહકાર મિશ્રાજીના પાત્રમાં પ્રમોદ પાઠક જામે છે. કાવેરી શ્રીધરનના પાત્રમાં કની પણ સંતુલિત લાગે છે. પરવેઝ આલમના પાત્રમાં ઈનામ ઉલ હકે બંગાળી છાંટ ઠીકઠાક પકડી છે. ગવર્નરના પાત્રમાં અતુલ તિવારી પરફેક્ટ લાગે છે. શરદ જોશીના લખાણ આધારિત સિરિયલ ‘લાપતાગંજ’નું મારું ફેવરિટ કેરેક્ટર ‘કછુઆ ચાચા’ હતું. એ જેમણે ભજવેલું એ વિનિત કુમારે અહીં પણ ગૌરીશંકર પાંડેના પાત્રમાં જમાવટ કરી છે. આ ઉપરાંત મોહંમદ આશિક હુસૈન, કન્નન અરુણાચલમ અને હરીશ ખન્ના જેવા એક્ટર્સે પણ પોતપોતાના પાત્રને સારો ન્યાય આપ્યો છે.

આમ છતાં એક્ટિંગના ક્ષેત્રે આ સિરિઝના મેન ઓફ ધ મેચ નિશંકપણે નવિન કુમારનું પાત્ર ભજવનારા અમિત સિયાલ છે. એમણે એક તબક્કે તો એક્ટિંગમાં કરિયર જામતું ન હોવાથી બ્રેક લેવાના વિચારો પણ કરી લીધેલા. પછી ‘ઈનસાઈડ એજ’માં કરપ્ટ ક્રિકેટર દેવેન્દ્ર મિશ્રાનું પાત્ર મળ્યું. ત્યાંથી એમણે કાઠું કાઢવાનું શરૂ કર્યું અનેપછી તો પાછું વળીને ન જોયું.અમિત સિયાલ અહીં પણ કેટલાક દૃશ્યોમાં રીતસર હુમા કુરેશી પર ભારે પડે છે. સિરિઝમાં તેઓ જ્યારે જ્યારે વિધાનસભામાં ભાષણ આપે એ દૃશ્યો ખાસ નોંધજો. એક છટાદાર રાજનેતાને છાજે એવા આરોહ-અવરોહ જોવા મળશે. બોડી લેંગ્વેજ પણ જોરદાર.

સિરિઝનું અન્ય એક દમદાર પાસુ એના સંવાદો છે. સંવાદોની ભાષા તેજતર્રાર છે. સિરિઝની ભાષાની મજબૂતીની છાંટ દરેક એપીસોડ્સના ટાઈટલમાં પણ જોવા મળે છે. જેમ કે – ‘જાત ન પૂછો સાધુ કી’, ‘કૌન ઠગવા નગરિયા લૂટલ હો’, ‘માયા મહા ઠગની હમ જાની’, ‘ચાહ ગઈ ચિંતા મીટી, મનુઆ બેપરવાહ’, ‘જો ઘર ફૂંકે આપનુ, ચલે હમારે સાથ’. ટાઈટલમાં સચોટ રૂઢીપ્રયોગ કે કહેવતના માધ્યમથી એપીસોડનો સાર આવી જાય છે.

સંવાદોમાં ચોટ કરી જાય એવી રાજકીય કે જીવનની ફિલોસોફી જોવા મળે છે. જેમ કે – ‘મેડમ, યે હો હી નહી શકતા હૈ કી આપ અચ્છા કિજીયે ઓર કિસીકો બુરા ના લગે.’, ‘બિહાર ઈઝ નોટ  સ્ટેટ રાની, ઈટ્સ અ સ્ટેટ ઓફ માઈન્ડ.’, ‘ગાંધીજી કે તિન બંદર થે હમ ભીમાબાબુ કે ઈકલૌંતે હૈ.’, ‘વિભિષન બનના હૈ તો અચ્છે સે બનો… બતાઓ કી રાવન કી નાભિ કહાં હૈ?’, ‘આપકી નઝર સે બહુત દુનિયા દેખે હૈ, થોડા અપની નઝર સે દેખને કી કૌશિશ કર રહે હૈ. બહુત અલગ દુનિયા નઝર આ રહી હૈ…’, ‘ક્યા હુઆ કી હમ ઉનકો સ્વર્ગ નહીં દે પાયે… કમ સે કમ સ્વર્ગ તો દિયે.’, યે પટના હંમેશા સે હમારી સૌતન રહા હૈ કભી રાસ નહીં આયા…’

સિરિઝનો બેકગ્રાઉન્ડ સ્કોર પણ એના થ્રીલને વધારવામાં મદદરૂપ થાય છે. ઓવરઓલ, પોલિટિકલ થ્રીલરના રસિયા ન હોય એમને પણ મજા પડી જાય એવી દસ એપીસોડ્સની આ સિરિઝ અચુક જોવા જેવી છે.