Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કાલાતીત પ્રતિભા-વહીદા રહેમાન

04:50 PM Nov 16, 2023 | Kanu Jani

આ વર્ષે દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત વહીદા રહેમાન ૮૫ વર્ષની થઈ ગયાં છે અને આજે પણ તે એટલાં જ સુંદર અને આકર્ષક લાગે છે. શાલીનતા અને પ્રતિભાનો પર્યાય બની ચુકેલી વહીદા રહેમાને ભારતીય સિનેમાના ઈતિહાસ પર એક અમિટ છાપ છોડી છે. ગુરુ દત્તના માર્ગદર્શન હેઠળ એક યુવા પ્રતિભાથી પોતાની રીતે એક આઇકોન બનવા સુધીની તેમની દાયકાઓ સુધી ચાલેલી સફર શાલીન લાવણ્ય અને કલાત્મક શ્રેષ્ઠતાની કહાની છે.

પ્રારંભિક દિવસો અને ગુરુદત્તની તાલીમ

વહીદા રહેમાનની ફિલ્મી સફર ત્યારે શરૂ થઈ જ્યારે વિખ્યાત ફિલ્મ સર્જક ગુરુદત્ત તેને હૈદરાબાદમાં મળ્યા. વહીદા અગાઉ તેલુગુ ફિલ્મોમાં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરી ચુકી હતી, પણ ગુરુદત્તે તેની ક્ષમતા ઓળખી અને પોતાના પ્રોડક્શન ‘સીઆઈડી’ (૧૯૫૬)માં તેને મહત્વની ભૂમિકા આપી. તેના પરફોર્મન્સથી ગુરુદત્ત એટલા તો પ્રભાવિત થયા કે તેની ક્લાસીક ફિલ્મ ‘પ્યાસા’ (૧૯૫૭)માં તેને મુખ્ય ભૂમિકા નિભાવવાની તક આપી.

‘પ્યાસા’માં વહીદાએ ગુરુ દત્ત દ્વારા નિભાવાયેલા ભાવનાત્મક રીતે ત્રસ્ત કવિને સાંત્વના આપનાર રસ્તે રખડતી મોહક ચહેરાવાળી ગુલાબની ભૂમિકા ભજવી હતી. તેના ચિત્રણમાં સૌથી લાગણીશીલ દ્રશ્યોમાં પણ સંયમિત મધુર અવાજ અને અસરકારક ભાવ પ્રદર્શન કરવાની વિશિષ્ટતા હતી. ગુરુદત્ત સાથેનો આ સહયોગ તેની કારકિર્દીનો પાયો બની ગયો જેણે તેને ૧૯૬૦ના દાયકાની ફેશનેબલ હેરસ્ટાઈલ રાખતી અને અતિશય નાટકીય પરફોર્મન્સ આપતી અભિનેત્રીઓથી નોખી પાડી હતી.

વર્સેટાઈલ અભિનેત્રી

વહીદા રહેમાન એક જ પ્રકારની શૈલી અથવા એક્ટીંગ સ્ટાઈલમાં મર્યાદિત નહોતાં રહ્યાં. તેણે ‘પાલખી’, ‘દિલ દિયા દર્દ લિયા’ અને ‘આદમી’ જેવી મેલોડ્રામાટિક ફિલ્મોમાં પણ પોતાની વિશિષ્ટતા જાળવી રાખી અને ગ્લીસરીન અને નાટકીયતાથી દૂર જ રહ્યાં. જટિલ ભાવનાઓને સુક્ષ્મ તેમજ ઝીણવટભરી રીતે વ્યક્ત કરવાની તેની ક્ષમતાએ તેને લાઉડ એક્ટીંગ માટે જાણીતા ઉદ્યોગથી અલગ કરી દીધી.

ફિલ્મ ઉદ્યોગમાં જિનિયસ ગણાતા ગુરુદત્ત હેઠળ તેની પ્રારંભિક તાલીમે નિસંદેહ તેની અભિનય પ્રતિભા વિકસાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. ગુરુ દત્તના માર્ગદર્શને માત્ર તેની કલા પ્રતિભા નહોતી નિખારી પણ સાથે તેને પડકારજનક ભૂમિકા સ્વીકારવાનો આત્મવિશ્વાસ પણ અપાવ્યો હતો.

આઈકોનિક જોડી

ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી ઉલ્લેખનીય જોડી ગુરુ દત્ત અને વહીદા રહેમાનની રચાઈ, જેના પરિણામે ૧૯૫૯ની ક્લાસીક ફિલ્મ ‘કાગઝ કે ફૂલ’  બની હતી. આ ફિલ્મને દર્શકોએ શરૂઆતમાં તો જાકારો આપી દીધો હતો, પણ પછી તે સ્ટારડમની ચંચળ પ્રકૃત્તિનું પ્રતીક બની ગઈ. તેના ક્લાસીક ગીતો આજે પણ એટલા જ લોકપ્રિય છે.

તેમનો પછીનો પ્રોજેક્ટ ‘ચૌદવી કા ચાંદ’ (૧૯૬૦) એક મુસ્લિમ સામાજિક ડ્રામા હતો, પણ બોક્સ ઓફિસ પર તેણે સારી સફળતા મેળવી. ફિલ્મ તેના અવિસ્મરણીય ગીતો દ્વારા કાયમ માટે ચાહકોના સ્મરણમાં સ્થાન પામી. જો કે ૧૯૬૨માં રજૂ થયેલી ‘સાહેબ, બીબી ઔર ગુલામ’ તેમના સહયોગની અંતિમ ફિલ્મ બની રહી. વહીદાને આ ફિલ્મમાં છોટી બહુનો રોલ કરવો હતો, જ્યારે ગુરુદત્તના મતે આ ભૂમિકા માટે તે હજી ઘણી નાની હતી અને તેના સ્થાને તેમણે મીના કુમારીને આ રોલ સોંપ્યો.

મેન્ટર અને તેની શોધ વચ્ચે સફળતા પછી સર્જાયેલી ખાઈના થીમને જ ‘કાગઝ કે ફૂલ’માં કેન્દ્ર સ્થાન આપવામાં આવ્યું હતું જે વહીદા રહેમાન અને ગુરુદત્તના સંબંધોની વાસ્તવિક્તાનું પ્રતિબંબ હતું.

ગાઈડ (૧૯૬૫)

વહીદા રહેમાન ૧૯૬૫માં દેવ આનંદ નિર્મિત અને આર.કે. નારાયણનની ક્લાસિક નવલકથા પર આધારિત આઈકોનિક ફિલ્મ ‘ગાઈડ’થી કારકિર્દીના શિખરે પહોંચી ગયાં હતાં. પોતાનાં સ્વપ્નો સાકાર કરવા માગતી નૃત્યાંગના રોઝીના પાત્રનું તેનું ચિત્રણ અદ્વિતીય હતું. વિજય આનંદ દિગ્દર્શિત આ  ફિલ્મે મહાન સર્જનનો દરજ્જો મેળવ્યો.

‘ગાઈડ’માં ગ્રે શેડ ધરાવતો રોલ સ્વીકારવા સામે વહીદાને ઘણા નિર્માતાઓએ ચેતવી હતી, પણ તેના પરફોર્મન્સે તમામ ટીકાકારોને ચૂપ કરી દીધા. વહીદાની આંખોના ભાવે સિનેરસિકોના હૃદયમાં રોઝીના સંઘર્ષને કાયમ માટે સ્થાન આપી દીધું.

કારકિર્દીનો પાછલો તબક્કો અને અંગત જીવન

ગુરુદત્તનું બેનર છોડયા પછી પણ વહીદા રહેમાન ફિલ્મ ઉદ્યોગમાં સતત ઝળકતાં રહ્યાં. તેણે ‘મુઝે જીને દો’ અને ‘બીસ સાલ બાદ’ જેવી ફિલ્મોમાં વિવેચકોની પ્રશંસા હાંસલ કરી. મહાનાયક દિલીપ કુમાર સાથે ‘દિલ દિયા દર્દ લિયા’, ‘આદમી’ અને ‘રામ ઔર શ્યામ’ સાથે તેણે પોતાની પ્રભાવી ફિલ્મ કારકિર્દીમાં ઉમેરો કર્યો.

રંગીન ચિત્રોનો યુગ શરૂ થવા પછી પણ વહીદાની ‘તીસરી કસમ’ અને ‘ખામોશી’ જેવી બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મો સફળ પણ થઈ અને તેના અભિનયની પ્રશંસા પણ થઈ.

૭૦ના પ્રારંભિક દાયકામાં વહીદાની મોટા બજેટની ‘રેશ્મા ઔર શેરા’ અને ‘પ્રેમ પુજારી’ને ધારી સફળતા ન મળતા તેણે ૧૯૭૪માં અંગત જીવનમાં નવી ભૂમિકા સ્વીકારીને ફિલ્મ ‘શગુન’ના સહ-કલાકાર કમલજીત (ઉર્ફ શશી રેખી) સાથે લગ્ન કરી લીધાં. લગ્ન પછી વહીદાએ અવારનવાર રૂપેરી પડદે દેખા દીધી પણ તેની પ્રાથમિક્તા અંગત જીવન જ રહી.

કાલાતીત પ્રતિભા

સતત બદલાતા ભારતીય સિનેમાના લેન્ડસ્કેપમાં વહીદા રહેમાન સમયથી પર કલાકાર રહી છે. રૂપેરી પડદે તેની પ્રતિભા માણવાનું સૌભાગ્ય મેળવનાર સિનેરસીકોના હૃદયમાં તેની કામગીરી કાયમ માટે અંકિત થઈ ચુકી છે. તીવ્ર દ્રશ્યોમાં પણ તેનો સૌમ્ય અભિનય, કુદરતી શૈલી અને આત્મીય પરફોર્મન્સ ભારતીય સિને જગતમાં એક આઈકન તરીકે તેના સ્ટેટસનો પુરાવો છે.