Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સંગીતના એક સદાબહાર યુગનો અંત, ક્યારેય નહીં ભૂલાય લતા દીદી

07:36 PM Apr 17, 2023 | Vipul Pandya

અલવિદા લતાજી
લતા મંગેશકર સૂર-સામ્રાજ્ઞી, કોકિલ કંઠથી કામણ પાથરી બોલિવૂડ જગતની સાથે-સાથે દેશ-વિદેશનાં લોકોનાં હૃદયમાં દીદી તરીકે પોતાનું સ્થાન પ્રસ્થાપિત કર્યું. દીદીનું નામ સાંભળતાની સાથે જ દીદીના સૂરોની સરગમ લોકોના રોમ-રોમમાં ફરી વળે છે. તેમનો અવાજ તેમની ઓળખ બનીને ઉભરી આવ્યો. હાલનાં સમયમાં ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ હશે જે દીદીથી પરિચિત ન હોય.
હિન્દી પાર્શ્વ ગાયિકા તરીકે ઉભરી આવેલ દીદીનો જન્મ 28 સપ્ટેમ્બર, 1929નાં રોજ મધ્યપ્રદેશનાં ઈંદોરમાં થયો હતો. ત્યારબાદ જ્યારે દીદી 7 વર્ષનાં હતા ત્યારે તેમનો પરિવાર મુંબઈ આવી ગયો અને ત્યારબાદ દીદીનો ઉછેર મુંબઈમાં જ થયો. તેમનાં પિતાનું નામ પંડિત દિનાનાથ મંગેશકર છે, જે ગોવાનાં ગોમાન્તક મરાઠા સમાજ કુટુંબ સાથે સંકળાયેલ છે. દીદીનાં પિતા શાસ્ત્રીય ગાયક અને થિયેટર અભિનેતા હતા. એટલે સંગીત દીદીનાં લોહીમાં છે એમ કહીએ તો પણ બિલકુલ ખોટું નથી. લતા દીદીના માતાનું નામ શેવંતી છે. દીદીનાં કુટુંબની અટક હરદિકર હતી, જે બાદમાં તેમનાં વતન ગોવાના મંગેશી ગામ પરથી મંગેશકર કરવામાં આવી.
તેમની ત્રણ બહેનો મીના, આશા, ઉષા અને ભાઈ હૃદયનાથ છે. ચાર ભાઈ-બહેનોમાં સૌથી મોટી લતાદીદીનું બાળપણનું નામ હેમા હતું.  બાળપણથી જ દીદીની સંગીતની તાલીમ શરૂ કરી દેવામાં આવી હતી. પાંચ વર્ષની વયથી દીદીએ સૂરોનું યુદ્ધ જીતવા તાલીમ શરૂ કરી દીધી હતી. તેમનાં પિતા પાસે જ તમને સંગીતનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. પિતાના અવસાન બાદ મુંબઈ આવેલા લતાજીએ માસ્ટર અને મેન્ટર વિનાયકના માર્ગદર્શન પ્રમાણે આગળ વધવાનું નક્કી કર્યું હતું. 
તેમનાં આધ્યાત્મિક ગુરુ શ્રીકૃષ્ણ શર્મા હતા. સંગીત ક્ષેત્રે દીદીએ ઉસ્તાદ અમાન ખાં ભિંડી બજારવાળા અને પંડિત નરેન્દ્ર શર્માને ગુરુનો દરજ્જો આપ્યો હતો. આ ઉપરાંત કુન્‍દનલાલ શહગલ અને નૂરજહાં તેમના પ્રિય ગાયક-ગાયિકા હતા. શાસ્ત્રીય ગાયક-ગાયિકાઓમાં દીદીને પંડિત રવિશંકર, જસરાજ, ભીમસેન, મોટા ગુલામ અલી ખાન અને અલી અકબર ખાન પણ તેમના પ્રિય હતા. દીદી માટે સંગીત હંમેશા ભક્તિ સમાન રહી છે. દીદીએ હંમેશા સંગીતની પૂજા કરી છે. જ્યારે પણ તેઓ રેકોર્ડિંગ કરે છે ત્યારે હંમેશા ખુલ્લા પગે રહે છે. દીદીએ જ્યારે પહેલી વખત સ્ટેજ પર પોતાની ગાયિકીના સૂર રેલાવ્યા હતા ત્યારે તેમને 25 રૂપિયા ઈનામ રૂપે મળ્યા હતા, જેને તેઓ પોતાની પહેલી કમાણી માનતા હતા. 
પાંચ વર્ષથી સંગીતની તાલીમ શરૂ કરનાર દીદીએ ઇ. સ. 1942થી 13 વર્ષની વયે સંગીત ક્ષેત્રે હિંદી ફિલ્મજગતમાં ઝંપલાવ્યું. ગુલામ હૈદરે લતાજીને પ્રથમ બ્રેક આપ્યો હતો. તે સમયે નૂરજહાં, શમશાદ બેગમ અને સુરૈયા ખૂબ પ્રખ્યાત હતા. તેમની વચ્ચે લતાજીએ પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરી હતી. 1942થી શરૂ કરેલી સંગીતયાત્રા દરમિયાન 2015 સુધીમાં દીદીએ 36 જેટલી ભારતીય ભાષાઓમાં 50 હજાર જેટલા સોલો તેમજ યુગલગીતોને કંઠ આપીને એ ગીતોમાં જાન ફૂંકી. તેમાંથી 700થી વધારે ગીત તો ગીતકાર આંનદ બક્ષી દ્વારા લખવામાં આવ્યા હતા. દીદીએ પોતાના સૂરોથી ગીતોને સદાકાળ સુધી અમર બનાવી દીધા.
93 વર્ષના ભારતના સ્વર સામ્રાજ્ઞી લત્તા મંગેશકર પોતાના ગીતો દ્વારા 2થી 3 પેઢીઓને મધુર અવાજથી મંત્રમુગ્ધ કર્યા છે. સવારને કે પછી રાતને યાદગાર બનાવવી હોય, લતાજીના કંઠે ગવાયેલા ગીતો લાંબા સફરને પણ સરળ બનાવી દે છે.
ગુજરાત સાથેનો સબંધ 
લતા મંગેશકરનો ગુજરાત સાથે પણ સબંધ રહ્યો છે. લતા દીદીએ ગુજરાતી ભાષામાં પણ ગીતોને પોતાનો કંઠ આપ્યો છે. દીદીએ પોતાના કોકિલ કંઠથી કામણ પાથરી લોકોને મંત્રમુગ્ધ કર્યા છે. ગુજરાતીમાં ગાયેલા તેમના અનેક સુપરહિટ ગીતોમાં “દીકરી તો પારકી થાપણ કહેવાય” ગીત ગુજરાતી ભાષામાં દીદીએ ગાયેલા ગીતોનું હાર્દ છે. દીદીએ એટલા મોહક રીતે ગીતો ગાયા છે કે શ્રોતાઓ દીદીનાં ગીતો સાંભળીને એ ગીતોમાં લાગણીવશ ખોવાય જાય છે. એ ગીતોમાં વર્ણવવામાં આવેલ શબ્દે-શબ્દનો મર્મ, લાગણી, ગીતોમાં રહેલી વેદના, પીડા, ભાવ શ્રોતાનાં હૃદયને સ્પર્શી જાય એ રીતે દીદીએ ગીતોને જીવંત બનાવ્યા છે.
દીદીની ગુજરાતી ભાષા સાથેની સફરનું વર્ણન કરતા હરીશ ભીમાણીએ તેમના પુસ્તક ‘In Search of Lata Mangeshkar’માં લતા મંગેશકરના ગુજરાત સાથેના સબંધનો ઉલ્લેખ કર્યો છે. લતાજીના પિતા દીનાનાથ મંગેશકરે બે ગુજરાતી બહેનો સાથે લગ્ન કર્યા હતા અને લતા પોતાની નાની પાસેથી માતાજીના ગરબા શીખ્યા હતા. આ ઉપરાંત લતા મંગેશકરે ઘણા બધા ગુજરાતી ફિલ્મી ગીતોને પણ પોતાનો અવાજ આપ્યો છે.
36 પ્રાદેશિક ભાષામાં સ્વરથી કર્યા મંત્રમુગ્ધ
સ્વરાંજલી લતા મંગેશકરજી 36 પ્રાદેશિક ભાષાઓમાં ઇ.સ. 1948થી 1987 દરમિયાન 30 હજારથી વધુ ગીતો ગાવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં તેમનું નામ સુવર્ણ અક્ષરે કંડારવામાં આવ્યું છે. સંગીત ક્ષેત્રે તેમની કારર્કિદી દરમિયાન તેમણે 50 હજારથી વધુ ગીતોને તેમનો કંઠ આપ્યો છે. જેમાં, વર્ષ 1951માં તેમણે સર્વાધિક 225 ગીતોને કંઠ આપ્યો હતો. હા, એ વાત થોડી વિચિત્ર લાગે એવી છે કે હિટ ગીત ‘આયેગા આને વાલા’ ગીત માટે તેમણે 22 રીટેક આપવા પડ્યા હતા. લતા દીદીનો અવાજ જ તેમની ઓળખ છે, તેમના અવાજની દુનિયા પણ દિવાની છે. સંગીત ક્ષેત્રમાં આગળ વધવા માંગતા દરેક વ્યક્તિ માટે લતા મંગેશકર માત્ર આદર્શ જ નહીં પરંતુ પૂજનીય છે. આથી જે લતા દીદીને તેઓ “વોઇસ ઓફ ધ નેશન” અને “ડૉટર ઓફ નેશન” તરીકે ઓળખવામાં આવે છે.
ભારત ચીન યુદ્ધ
ઇ.સ. 1962 દરમિયાન થયેલા ભારત-ચીન યુદ્ધ પછી જ્યારે એક કાર્યક્રમમાં લતા દીદીએ પંડિત પ્રદીપ દ્વારા લખાયેલ ગીત ‘ એ મેરે વતન કે લોગો’ ગાયું હતું. ત્યારે તત્‍કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુની આંખોમાં આંસુ આવી ગયા હતા. એક રીતે એ કહેવું બિલકુલ ખોટું નથી કે ગાયિકીનું બીજું નામ જ લતા મંગેશકર છે. 
ભારત રત્નથી સન્માનિત
વોઇસ ઓફ નેશન લતા મંગેશકરને વર્ષ 2001માં ભારત સરકારે ‘ભારત રત્ન’થી સન્માનિત કર્યા હતાં. આ ઉપરાંત લતા મંગેશકરને દાદાસાહેબ ફાળકે, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, મહારાષ્ટ્રભૂષણ, નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર સહિતના અનેક મહત્વના સમ્માન પ્રતીક પ્રાપ્ત થયાં હતા.લતા મંગેશકરે 7 દાયકાઓ સુધી ભારતીય સિનેમામાં તેમનું યોગદાન આપ્યું હતું. દેશના વડાપ્રધાન મોદી લતા મંગેશકરના ખૂબ જ મોટા પ્રશંસક છે. 1969 ‘આપ મુઝે અચ્છે લગને લગે’ મુવી હતી ‘જીને કી રાહ’, માટે ફિલ્મે ફેર પુરસ્કાર જીત્યા પછી દીદીએ પુરસ્કાર સ્વીકારવાનું બંધ કરી દીધું કારણ કે તેમના મત પ્રમાણે નવી ગાયિકાઓને તક મળવી જોઈએ.
લતા મંગેશકરે કેમ ન કર્યા લગ્ન?
પિતાના અવસાન બાદ પોતાના ઘરની તમામ જવાબદારી લતા મંગેશકર પર આવી પડી હતી. એક ઈન્ટર્વ્યૂમાં લતાજીએ કહ્યું હતું કે, ‘ઘરના બધા સભ્યોની જવાબદારી મારા પર હતી. એવામાં અનેક વખત લગ્ન કરવાનો વિચાર આવતો હતો, છતાં તેના પર અમલ કરી શકતી ન હતી. હું ખૂબ જ નાની ઉંમરમાં કામ કરવા લાગી હતી. વિચાર્યું હતું કે, પહેલા બધા ભાઈ-બહેનોને વ્યવસ્થિત સેટ કરી દઉ, પછી તો બહેનના લગ્ન થઈ ગયા અને તેના બાળકો થયા. જે બાદ એમના બાળકોને સંભાળવાની જવાબદારી આવી ગઈ. આમને આમ સમય પસાર થતો ગયો.’
અંગત જીવન
રાજસ્થાન સ્થિત ડુંગરપુરનાં મહારાજા તેમજ ક્રિકેટર અને BCCIના અધ્યક્ષ એવા રાજસિંહ ડુંગરપુર લતા દીદીના ખાસ મિત્ર હતા. લતા દીદીનાં સૌથી નિકટનાં વ્યક્તિઓમાંનાં એક હતા. બન્નેની મિત્રતા અવાર-નવાર ચર્ચા રહેતી હતી. આમ પણ રમતમાં દીદીને ક્રિકેટ પ્રત્યે ખૂબ લગાવ હતો. મેચનાં દિવસે તેઓ બધાં કામ પડતા મૂકીને મેચ પ્રાધાન્ય આપતા હતા. આ ઉપરાંત તેમણે ફોટોગ્રાફીનો પણ ખૂબ જ શોખ હતો. વિદેશમાં તેમની ફોટોગ્રાફીનું પ્રદર્શન યોજાયું હતું. વિવિધ ભાષામાં ગીતોને અવાજ આપવાની સાથે દીદી વિવિધ ભાષામાં વાતો પણ કરી શકતા હતા. તેમના ભાષાકીય જ્ઞાનની વાત કરીએ તો તેઓ મરાઠી ભાષી હોવા છતાં પણ હિન્‍દી, બાંગલા, તમિલ, સંસ્કૃત, ગુજરાતી અને પંજાબી ભાષામાં વાતચીત કરવાનું કૌશલ્ય ધરાવતા હતા. 
70 દાયકાથી વધુ સમય સુધી સંગીત ક્ષેત્રે પોતાના સૂરીલા અવાજથી ગીતોમાં જાન ફૂંકનાર દીદી હવે આપણી વચ્ચે હયાત નથી. દીદીનાં કંઠમાં સાક્ષાત્ સરસ્વતી બિરાજમાન હતા. સંગીત ક્ષેત્રે સૂરોની દેવીની પદવી મેળવનાર દીદી તેમણે ગાયેલા ગીતોમાં, તેમનાં સૂરીલા અવાજથી સદૈવ તેઓ જીવંત રહેશે. તેમની કારકિર્દી દરમિયાન તેમણે એટલી સિદ્ધિ પ્રાપ્ત કરી છે કે તેમના નિર્વાણ બાદ તેમની સિદ્ધિ તેમની હયાતીનું પ્રમાણ બનીને રહેશે અને સદાકાળ સુધી તેમના સૂરોની સુગંધ ફેલાયેલી રહેશે.