Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સતત ઝીણું ઝીણું કાંતતા ભાજપનો કેસરી રંગ આટલો ઘાટો કઈ રીતે થયો?

08:48 AM Apr 26, 2023 | Vipul Pandya

એક સમયે આ પક્ષને ચૂંટણીમાં લડવા માટે ઉમેદવારો નહોતા મળતાં. આજે જેની જીભે જુઓ એના મોઢે આ પક્ષની જ વાતો છે. શૂન્યમાંથી ઊભો થયેલો આ પક્ષ પ્રજાની આંખોમાં કેમ વસી ગયો છે? વર્ષો સુધી ભારત ઉપર રાજ કરનાર કોંગ્રેસ પાર્ટીનો ક્યારેય અસ્ત જ ન થાય એવું મનાતું હતું એ આજે કેમ હાંસિયામાં જતી રહી છે? આખરે આ પક્ષમાં એવો શું જાદુ છે? તરત જ વાંચનારાઓના મોઢે જવાબ આવશે કે, ભાજપ પાસે મોદી છે. મોદી મેજીક, મોદી ફેક્ટર વાત સાચી પણ ભારતીય જનતા પક્ષને વરેલા અને મળેલા નેતાઓએ વર્ષોથી અને વર્ષો સુધી પક્ષ માટે મહેનત કરી છે. 
આજે ઘણાં એનાલિસીસ, અભ્યાસ અને ઈન્ટરવ્યૂમાં ભારતીય જનતા પક્ષ વિશે સવિસ્તર લખાયું છે. આખરે એવું શું છે કે, દરેકની નજરમાં જનસંઘના દીવામાંથી પ્રજ્વલિત થયેલા કમળનો કેસરી રંગ વસી ગયો છે? ભાજપે કૉમનમેનને સત્તા સુધી પહોંચવા માટે સપનું આપ્યું છે. જે પ્રજા સતત ગરીબીમાં અને ખૂણામાં જોવા મળતી હતી એની આંખોમાં આજે અનેક સપનાં છે. સામાન્ય કાર્યકર જો દિલથી મહેનત કરે અને એનામાં જો આવડત હોય તો એ સત્તાના ઉચ્ચસ્થાન સુધી પહોંચી શકે છે. રાજકારણમાં કે સત્તામાં આવવા માટે તમે રાજકારણીના સંતાન  હોવા જરુરી નથી એ વાત લોકોને ભારતીય જનતા પક્ષમાં દેખાય છે.  
ડૉ.શ્યામા પ્રસાદ મુર્ખજીના સ્થાપેલા જનસંઘના દીવામાં ઘણાંને તેજ દેખાયું હતું. 1951માં શરુ થયેલો જનસંઘ એ સમયે કોઈના ધ્યાને પણ ખાસ નહોતો આવ્યો. આઝાદી બાદ ગાંધી પરિવાર અને કોંગ્રેસના રંગે આખો દેશ રંગાયેલો હતો. એક પછી એક નેતાઓ જોડાતા ગયા અને સંઘનું સ્થાન રાજકારણમાં જામવા લાગ્યું. પ્રખર વક્તા અટલ બિહારી વાજપેયીએ  1977ની સાલમાં જનસંઘની રેલીમાં કહેલું કે,  યે કહાની હૈ દિયે કી ઔર તૂફાન કી….  કવિ હ્રદય વાજપેયીએ 1980ની સાલમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના સમયે કહેલું કે, અંધેરા છટેગા, સૂરજ નીકલેગા, કમલ ખીલેગા. પ્રથમ અધ્યક્ષ એવા વાજપેયી એક સમયે પક્ષનો ચહેરો હતા. ઉદાર વિચારસરણી ધરાવતા વાજપેયી અને અડવાણીની જોડીએ પક્ષનો આકાર ઘડ્યો. પક્ષની એક ચોક્ક્સ વિચારધારાને ક્લિયર કરી. અડવાણીની સોમનાથથી અયોધ્યાની રામ રથ યાત્રાના દિવસોમાં લોકજુવાળને યાદ કરો. રામમંદિર, હિન્દુત્વથી માંડીને અનેક મુદ્દાઓ પક્ષને મજબૂત કરવાના પાયામાં છે.  
ગુજરાતમાં કેશુભાઈ પટેલે ભારતીય જનતા પક્ષનો પાયો નાખ્યો ત્યારે પણ ગુજરાતમાં જલદીથી લોકોને ભરોસો નહોતો આવ્યો. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, ભાજપ અને એને વરેલાં રાજકારણીઓને કારણે પ્રજાનો વિશ્વાસ પક્ષમાં બેઠો. ગુજરાતમાં કે કેન્દ્રમાં કોંગ્રેસના આસનને કોઈ હલાવી શકે એમ ન હતું ત્યારે ભારતીય જનતા પક્ષે પોતાના પાયા નાખવાના શરુ કરેલાં. પાયા મજબૂત હોય તો ઈમારત કેટલી બુલંદ બને એનું ઉદાહરણ ભાજપ છે. સૌથી મહત્વની વાત એ છે કે, અહીં કોઈ એક વ્યક્તિની વિચારધારા નથી ચાલતી. થિંક ટેંકની વિચારધારા ચાલે છે. જ્યારે યોગ્ય ન લાગે અને જરુર ન હોય ત્યારે સત્તામાં રહેલા પાયાના પથ્થરને પણ હટાવી દેવામાં આ પક્ષ વિચારતો નથી.  
સેફોલોજિસ્ટ એવું પણ કહે છે કે, અત્યારે વિપક્ષ નબળો છે, આપણી પાસે કોઈ બીજો વિકલ્પ નથી. ચલો માની લઈએ કે આ વાત સાચી હશે. એક સમયે ભાજપની પણ આવી હાલત હતી. બે સીટમાંથી 303 સીટ સુધીનો સ્કોર ભાજપે કર્યો જ છે. લોકોનો ભરોસો કમાવવા માટે વર્ષો વીતી જાય છે. સામીબાજુ સશક્ત નેતૃત્વ ન હોય તો લોકો તમને સત્તા પરથી ઉતારી પણ દે છે એ આપણે જોયું જ છે.  
જનસંઘથી શરુ કરેલી યાત્રા આટલી સફળ સફર કરી શકી એનું કારણ દરેક સમયે ભારતીય જનતા પક્ષને મળેલી નેતાગીરી છે. જે અડવાણીને લોકોએ નતમસ્તક સ્વીકારેલા એ જ અડવાણીને પ્રજાએ પાકિસ્તાનમાં મોહમ્મદ અલી ઝીણાની મઝાર ઉપર ગયા પછી આજ દિન સુધી માફ નથી કર્યાં. વાજપેયી-અડવાણીના યુગ પછી ઉદય થયો મોદી અને શાહના યુગનો. આ બંનેએ દિવસ-રાત મહેનત કરીને સાબિત કરી બતાવ્યું કે, ફુલટાઈમ રાજકારણ કરવાથી પક્ષની સાથોસાથ તમે પણ આગળ આવવાના જ છો. આજે આ પક્ષમાં દરેક વર્ગ માટે એક સ્થાન છે. પેજ પ્રમુખની વાતને પણ અહીં ધ્યાને લેવાય છે. મત મેળવવા માટે કે ચૂંટણી જીતવા માટેના તમામ પ્રયાસો અહીં તનતોડ મહેનત સાથે થાય છે. આદિવાસી, દલિત, મહિલા, સાધુ-સંત, આમ આદમીથી માંડીને ખાસ આદમી સુધીના મોર્ચાને કારણે જનમાનસમાં કેસરિયો રંગ છવાઈ ગયો છે. ગુજરાતની તો આખી એવી પેઢી છે જેણે બીજા કોઈ પક્ષનું શાસન જ નથી જોયું.  
2014ની સાલનો ભારતીય જનતા પક્ષ અને 2019નો ભારતીય જનતા પક્ષ સાવ જુદો જ છે. 27 વર્ષ પહેલાંનું ગુજરાતમાં ભાજપનું શાસન અને હાલનું શાસન પણ એક જુદી ધરીએ જ જોવાઈ રહ્યું છે. કોંગ્રેસમુક્ત ભારતની વાતો કરતો ભાજપ આજે કોંગ્રેસયુક્ત થઈ રહ્યો છે. જો કે, હવે બીજા પક્ષના લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે એ વિચારધારાને વરીને નથી આવતાં પણ સત્તા અને સ્થાન માટે આવે છે. અગાઉ ચાલ, ચરિત્ર અને  ચહેરાને મહત્ત્વ આપતા પક્ષમાં આજે સત્તા મેળવવા અને જીત હાસલ કરવા સખત પરિશ્ર્મ કરવામાં આવે છે. આક્ષેપો ઘણાં થઈ રહ્યા છે, હિન્દુત્વવાદી વિચારધારા, ધાર્મિક કટ્ટરવાદ, તુષ્ટીકરણથી માંડીને અનેક વિશેષણો ભારતીય જનતા પક્ષ માટે વપરાયા છે. પણ હકીકત એ છે કે, પ્રજા બધું જ જોઈને મત આપે છે. પ્રજા જેને ચાહે એને સત્તા સોંપે છે. નીચલા વર્ગથી માંડીને ઉપલા વર્ગ સુધીના લોકોના દિલમાં એમ જ રાજ નથી થઈ શકતું. એવું પણ કહેવાય છે કે, રાજકારણમાં વેક્યુમ ઉભું થયું અને ભાજપ ઉભરીને આવ્યો. વેક્યુમ ઉભું થયું હોય તો પણ નબળો વ્યક્તિ કોઈ દિવસ પોતાનું પરફોર્મન્સ આપી નથી શકતો. ચૂંટણી હોય કે ન હોય સતત ઝીણું ઝીણું કાંતતો આ પક્ષ હંમેશાં તીણી નજરે જ અવલોકન કરતો રહે છે. ટીકા કરવી બહુ આસાન છે પણ 42 વર્ષની સફર કંઈ એમ જ સફળતા સુધી નથી પહોંચી શકતી. કેસરી રંગે મનમોહક બનવા માટે તનતોડ મહેનત કરી છે. એમ જ કંઈ કોઈ એક ચહેરો દેશની અને પક્ષની ઓળખ નથી બની શકતો.