+

વિમાનની ઉડાન દરમિયાન શખ્સે કર્યું એવું કે, 180 યાત્રીઓના જીવ તાળવે ચોંટ્યા

દક્ષિણ કોરિયામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 19 વર્ષના છોકરાએ ફ્લાઈટ દરમિયાન વિમાનનો ઈમરજન્સી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, જેના પછી પ્લેનની અંદર હંગામો મચી ગયો હતો.…
દક્ષિણ કોરિયામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 19 વર્ષના છોકરાએ ફ્લાઈટ દરમિયાન વિમાનનો ઈમરજન્સી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, જેના પછી પ્લેનની અંદર હંગામો મચી ગયો હતો. બાદમાં આ કિશોરની ધરપકડ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એરપોર્ટ પોલીસની તપાસ બાદ ખબર પડી કે આ 19 વર્ષીય વ્યક્તિ ડ્રગ્સ લે છે અને તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
શું થયું?
19 જૂનના રોજ એક ફ્લાઈટ ફિલિપાઈન્સથી સાઉથ કોરિયાના સિઓલ જઈ રહી હતી. આ દરમિયાન 19 વર્ષીય કોરિયન યુવકે પ્લેનનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા ફ્લાઈટમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. આ વ્યક્તિ ફિલિપાઈન્સના કેબુથી ફ્લાઈટમાં ચઢ્યો હતો. એક કલાક પછી, આ વ્યક્તિએ વિચિત્ર વર્તન કરવાનું શરૂ કર્યું, જેના પછી ક્રૂ મેમ્બર્સ તેને પ્લેનના એક્ઝિટ ડોર પર લઈ ગયા અને તેના પર નજર રાખવા લાગ્યા.
જેજુ એરના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પેસેન્જરે કહ્યું કે, તે ક્યારનો તેની છાતી પર દબાણ કરી રહ્યો હતો અને તે બાદ અચાનક જ તેણે વિમાનનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો.
એરલાઈન્સે શું કહ્યું?
એરલાઈન્સના એક નિવેદન અનુસાર, ‘કર્મચારીએ તરત જ આ વ્યક્તિને નિયંત્રણમાં લાવી દીધો હતો. ફ્લાઇટ દરમિયાન વ્યક્તિને નિયંત્રણમાં રાખવા માટે દોરડા અને ટાઈ વડે બાંધી દેવામાં આવ્યો હતો.
ક્રૂની સતર્કતાને કારણે તે વ્યક્તિ એરક્રાફ્ટનો દરવાજો ખોલી શક્યો નહોતો. જેના કારણે વિમાનમાં સવાર 180 યાત્રીઓમાંથી કોઈને પણ ઈજા પહોંચી નથી. બાદમાં આ વ્યક્તિને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.
Whatsapp share
facebook twitter