Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજ્યમાં કમોસમી ભારે વરસાદના કારણે વીજળી પડવાથી 14 લોકોના જીવ ગુમાવ્યા , અનેક નિર્દોષ પશુઓનો મોત

09:50 PM Nov 26, 2023 | Hiren Dave

રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે આજે સવારથી જ અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ વચ્ચે અનેક જગ્યાએ વીજળી વેરણ બનીને ત્રાટકી હતી. જેથી 14 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત વીજળી પડવાથી અનેક પશુઓના પણ મોત થયાં હતા. તેમજ વીજળી પડવાથી કેટલીક જગ્યાએ આગ પણ લાગી છે.

મહેસાણાના કડી, અમરેલીના જાફરાબાદ, બોટાદના બરવાળા તેમજ ભરૂચ અને સુરેન્દ્રનગરમાં તેમજ સાબરકાંઠાના ઈડર, તાપી, દાબોદ અને વિરમગામમાં પણ વીજળી પડવાથી મોત થયાના સમાચાર સામે આવ્યાં છે. બીજી બાજુ ભારે પવનના કારણે મહેસાણામાં ઝાડ નીચે દબાઈ જતાં એક રીક્ષા ચાલકનું મોત થયું છે.મહેસાણા જિલ્લામાં પણ વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કડી પંથકમાં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. આ વચ્ચે કડી તાલુકાના શિયાપુરા ગામે વીજળી પડતા એક યુવકનું કરુણ મોત થયું હતું. શિયાપુરા ગામે રહેતા ઠાકોર સંજય વિષ્ણુજી કે જેઓ પોતાના ખેતરમાં ખેતી કામ કરી રહ્યા હતા,

ત્યારે અચાનક વીજળી તેમના ઉપર પડી હતી. જેથી આજુબાજુના લોકો દોડી આવ્યાં હતા અને તેઓને કડીની ભાગ્યદય હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યા તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા.મહેસાણાના વિજાપુર તાલુકાના દેવડા ગામે રહેતા 29 વર્ષીય જીતેન્દ્ર રાજેશભાઈ પરમાર પોતાની રીક્ષા લઈ કુકરવાડાથી ત્રણ મુસાફરોને બેસાડી પોતાના ગામ જઈ રહ્યા હતા, એ દરમિયાન સોખડા ગામે પહોંચતા ભારે પવન અને વરસાદને કારણે રોડ પર પસાર થઈ રહેલી રીક્ષા પર એકાએક વૃક્ષ પડ્યું હતું. જેથી વૃક્ષની નીચે દબાઈ જતાં રીક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. યુવકને વિજાપુર સરકારી હોસ્પિટલમાં પી.એમ માટે ખસેડવામાં આવ્યો હતો.

અમરેલી જિલ્લામાં પણ સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વચ્ચે જાફરાબાદના રોહિસા ગામમાં 16 વર્ષીય કિશોર પર વીજળી પડી હતી. કિશોર વાડી વિસ્તારમાં વરસાદથી પાક પલળી ન જાય તે માટે તાલપત્રી ઢાંકતો હતો. ત્યારે તેના પર વીજળી પડી હતી. જેથી તેને જાફરાબાદની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, કિશોરનું મોત થયું હતું.ભરૂચના હાંસોટમાં રહેતા આદિવાસી ગરીબ પરિવારના 55 વર્ષીય ભૂરી બેન માછીમારીનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય આજે સવારે આલિયાબેટ ખાતે માછીમારી કરવા માટે એમનાં પુત્રના પુત્ર 14 વર્ષીય આકાશ કુમાર રાઠોડ સાથે ચાલતાં જઈ રહ્યા હતા.

 

ત્યારે અચાનક વીજળી પડતાં બંનેનાં ઘટના સ્થળે મોત નિપજ્યા હતાં. બીજા લોકો માછીમારી કરીને આવી રહેલા હોય તેમણે ખાનગી વાહનની મદદથી બંનેના મૃતદેહ ઘરે લાવતાં મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. હાંસોટ પોલીસને ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનોને મળી બનાવ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.સુરેન્દ્રનગરના ભાણેજડા ગામે વીજળી પડવાથી એક યુવાનનું મોત થયું હતું. કુલદીપભાઈ ભાંભળા નામના યુવકનું સ્થળ પર જ મોત થયું હતું. આજે વહેલી સવારે 9:15 કલાકે પોતાના પશુઓ લઈને ભાણેજડા ગામની સીમમાં પશુ ચરાવવા જતા ત્રણ ભેંસ અને એક ગાયની સાથે યુવાનનું પણ મૃત્યુ થયું હતું.

 

આ  પણ  વાંચો-ગુજરાતના વિકાસમાં જાપાનની મહત્વપૂર્ણ ભૂમિકા