Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમદાવાદના ડોક્ટર્સે બૃહ્નમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીનો જીવ બચાવ્યો

03:47 AM Apr 24, 2023 | Vipul Pandya

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે ઉપર જીવલેણ અકસ્માતનો ભોગ બનનાર બૃહ્નમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના 40 વર્ષીય વરિષ્ઠ અધિકારીનો અમદાવાદના ડોક્ટર્સની ટીમે બચાવ્યો છે. લગભગ એક મહિના સુધી BMCના અધિકારીના મગજ, છાતી અને ચહેરાની ગંભીર ઇજાઓની સારવાર કરાયા બાદ તાજેતરમાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે.
મુંબઇની રહેવાસી 40 વર્ષીય મહિલા તેમના પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે જઇ રહ્યાં હતાં ત્યારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે ઉપર જીવલેણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં તેમનું વાહન ચાર વખત પલટી ખાઇ ગયું હતું અને કારમાં સવાર તમામ પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયાં હતાં, પરંતુ BMCના વરિષ્ઠ અધિકારીને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
28 ઓક્ટોબરે સૌપ્રથમ પરિવારને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં અને ત્યારબાદ 29 ઓક્ટોબરે વહેલી સવારે અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદ લઇ જવાયા હતાં. BMCના વરિષ્ઠ અધિકારીને મગજ, ચહેરા અને છાતીમાં ગંભીર ઇજાઓ સાથે દાખલ કરાયા હતાં. તેઓ બેભાન હતાં અને શ્વાસ લેવામાં તકલીફ થતાં વેન્ટિલેટર ઉપર રાખીને હાલત સ્થિર કરાઇ હતી.

અપોલો હોસ્પિટલ્સ અમદાવાદના ડોક્ટર્સની ટીમ દ્વારા વધુ તપાસ કરતાં જણાયું હતું કે દર્દી પોલીટ્રોમાથી પીડિત હતાં તથા સેરેબ્રોસ્પાઇનલ ફ્લ્યુઇડ (CSF) લીકને કારણે નાક અને આંખોમાંથી સ્પષ્ટ પ્રવાહી લીક થતું હતું. આ ઉપરાંત દર્દીની ડાબી આંખને પણ નુકશાન થયું હતું, જેમાં દ્રષ્ટિ ગુમાવવાની સંભાવના હતી તેમજ તેમને ચહેરા ઉપર બહુવિધ ઇજાઓ (ફેસિઓમેક્સિલરી) પણ થઇ હતી.
ન્યુરોસર્જન ડો. સોમેશ દેસાઇ અને ટ્રોમા સર્જન ડો. સંજય શાહે હેમરેજ અને સીએસએફ લીક રોકવા માટે 01 નવેમ્બરના રોજ બ્રેઇન સર્જરી કરી હતી, જે બાદ 09 નવેમ્બરના રોજ પ્લાસ્ટિક સર્જન ડો. શ્રીકાંત લગવંકર અને ડો. કમલેશ વાધવાણીએ ફેસિયલ બોમ ફ્રેક્ચર સર્જરી કરી હતી. ત્યારબાદ દર્દીને આઇસીયુમાં રખાયા હતાં. ત્રણ સપ્તાહ સુધી ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. મનોજ સિંઘે વધુ સારવાર અને સુધારા ઉપર દેખરેખ રાખી હતી. 17 નવેમ્બરના રોજ દર્દીનું વેન્ટિલેટર દૂર કરાયું હતું અને 20 નવેમ્બરના રોજ તેમણે ડાબા આંખની દ્રષ્ટિ પણ પુનઃમેળવી હતી. અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદ ખાતે નિષ્ણાંતો તરફથી મળેલી સારવાર અને તબિયતમાં સુધારા બાદ બીએમસીના અધિકારીને 22 નવેમ્બરે રજા અપાઇ હતી.
આ કેસની ગંભીરતા વિશે વાત કરતાં અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદ ખાતે ટ્રોમા સર્જન ડો. સંજય શાહે કહ્યું હતું કે, “ગંભીર જીવલેણ અકસ્માતોમાં બચવાની સંભાવનાઓ ખૂબજ ઓછી હોય છે અને મૂર્છાની સ્થિતિનું જોખમ ખૂબજ ઊંચું રહે છે. પોલીટ્રોમા સાથે કેસમાં સફળ રિકવરીની સંભાવનાઓ પણ ખૂબજ ઓછી હોય છે. જો કે અમદાવાદ ખાતે ડોક્ટર્સની ટીમના સતત પ્રયાસોથી અમે દર્દીના જીવન અને દ્રષ્ટિને બચાવવા સક્ષમ રહ્યાં છીએ.”
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.