રાજયમાં હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે ભક્તો ગણપતિ દાદાની ભક્તિમાં ડૂબેલા છે. ગણપતિ દાદાની સાથે રિદ્ધિ-સિદ્ધિનો પણ વાસ હોય ત્યારે તેને ગૌરી ગણપતિ કહેવામાં આવે છે. ઘરોમાં વિશેષ શણગાર કરવામાં આવે છે અને ગૌરી ગણપતિને અનેક પ્રકારના ભોગ ચઢાવવામાં આવે છે.વાત કરીએ ગણપતિ વિસર્જનની.તો ગણપતિ વિસર્જન અનંત ચતુર્દશીના દિવસે થાય છે, ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશની સ્થાપનાના 10 દિવસ પછી. આવતા વર્ષે વહેલા આવવાની વિનંતી સાથે લોકો ગણપતિ બાપ્પાને વિદાય આપે છે. બીજી તરફ કેટલાક લોકો દસ દિવસ નહીં, પરંતુ દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ અને આઠ દિવસ ગણપતિ રાખે છે. જેના કારણે ગણપતિ સ્થાપનાના દોઢ દિવસથી શુભ મુહૂર્તમાં ગણપતિ વિસર્જનની પ્રક્રિયા શરૂ થાય છે.
ગણપતિ વિસર્જન પહેલા ગણપતિને એક નવા પાટલા પર બિરાજમાન કરો. ત્યાં તેમની પૂજા કરીને તેમને ચંદન, કંકુ, અક્ષત, પાણી, પાન, સોપારી, દુર્વા, ભોગ વગેરે અર્પિત કરી તેમની આરતી ઉતારો. ત્યારબાદ ધૂપ-દિપ કરો. અને ત્યારબાદ ગણેશજી પાસે હાથ જોડીને પોતાની ભૂલો બદલ ક્ષમા માંગો.સાથે જ જીવનમાં બધું જ સારુ થાય તેવા આશિર્વાદ માંગો. વાજતે-ગાજતે તેમને વિસર્જન માટે લઇ જાવ.આ દરમ્યાન કોઇ ચામડાની વસ્તુ ન પહેરવી.કાળા કપડા ન પહેરવા.કોઇપણ જાતનો નશો ન કરવો. પૂરા ભક્તિભાવથી બીજા વર્ષે જલદી આવવાની પ્રાર્થના સાથે દાદાનું વિસર્જન કરો