Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આપણી ઓળખ-હિંદુ??

04:25 PM Dec 06, 2023 | Kanu Jani

સેક્યુલરિઝમના નામે આજે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે હિન્દુત્વની જ્યારે પણ અને જ્યાં પણ ચર્ચા થાય ત્યાં વિરોધનો માહોલ પહેલાં ઊભો થઈ જાય છે

ઈ.સ. ૧૯૯૫માં સર્વોચ્ચ ન્યાયાલયે આપેલાં એક ચુકાદાનાં ભાગ રૂપે મુખ્ય ન્યાયાધિશ શ્રી. પી.બી. ગજેન્દ્રગડકરે કહ્યું હતું કે:

જ્યારે આપણે હિંદુ ધર્મ વિષે વિચારીએ છીએ ત્યારે તેને વ્યાખ્યા આપવી કે તેને પુરતા પ્રમાણમાં વર્ણવો અસંભવ નહીં તો મુશ્કેલ તો થઈ જ પડે છે. દુનિયાનાં અન્ય ધર્મોથી ભિન્ન, હિંદુ ધર્મ કોઈ એકજ પેગંબર હોવાનો દાવો નથી કરતો; કોઈ એકજ ભગવાનને નથી પૂજતો; કોઈ એકજ સિધ્ધાંતનું અનુકરણ નથી કરતો; કોઈ એકજ તત્વજ્ઞાનીક વિભાવનામાં નથી માનતો; કોઈ એકજ જુથની ધાર્મિક રૂઢિઓ અને રિવાજો નથી પાળતો; આમ જોઈતો કોઈપણ પંથના ધર્મની સંકુચિત પરંપરાગત લાક્ષિકતાઓમાં નથી સમાતો. તેનું વ્યાપક વર્ણન માત્ર એક જીવનશૈલી તરીકે કરી શકાય.

હિંદુ ધર્મની માન્યતાઓ, રૂઢિઓ તથા પરંપરાઓમાં રહેલી બહોળી વિવિધતાને કારણે હિંદુત્ત્વને ધાર્મિક, સાંસ્ક્રુતિક કે સામાજીક-રાજનૈતીક મંડળ તરીકે વર્ગીકૃત કરવામાં પણ અસમંજસ છે અને એટલેજ હિંદુને વર્ણવતી જગ માન્ય પરીભાષા પર એકમત મેળવવો કઠીન છે.

એક સર્વજ્ઞ મત એવો છે કે હિંદુ ધર્મમાં આટલી વિવિધતાઓ હોવા છતાં તેઓને સાથે બાંધતો એક સેતુ છે કે જેમાં સમાન ધારણાંઓ (જેમકે ધર્મ, મોક્ષ અને સંસાર), રિવાજો (જેમકે પુજા, ભક્તિ વગેરે) તથા સાંસ્ક્રુતિક પરંપરાઓ સમાયેલા છે. અને એટલે એક હિંદુ એવો વ્યક્તિ હોઈ શકે કે જે

હિંદુ તત્વજ્ઞાનની કોઈ એક શાખા, જેમકે અદ્વૈત, વિશિષ્ટાઅદ્વૈત, દ્વૈત કે દ્વૈતઅદ્વૈતનું અનુકરણ કરતો હોય.

કોઈ એક દેવ કે દેવીને લગતા, જેમકે શૈવ પંથ, વિષ્ણુ પંથ કે શક્તિ પંથનાં રિવાજોનું પાલન કરતો હોય.

કે પછી જે મોક્ષ મેળવવા માટે વિવિધ યોગ વિદ્યામાંથી કોઈ એક, જેમકે ભક્તિને સાધતો હોય.

ઈ.સ. ૧૯૯૫નો ચુકાદા આપતા પહેલાં સર્વોચ્ચ ન્યાયાલયે “હિંદુ કોને કેહવાય તથા હિંદુ ધર્મની બોહળી લાક્ષણિકતાઓ કઈ કહેવાય” એ પ્રશ્ન ઉપર મનન કરતી વખતે બાળ ગંગાધર તિલકે વર્ણવેલી હિંદુ ધર્મની લાક્ષણિકતાઓ ધ્યાનમાં લીધી હતી કે જેનાં પ્રમાણે: રસ્તા અલગ અલગ હોઈ શકે તે માન્યતાનો સ્વીકાર, અને એ સત્યને સમજવું કે પુજનીય દેવો ધણા છે, તેજ હિંદુ ધર્મનાં વિશિષ્ટ લક્ષણો છે. જો કે પૂજનીય દેવો ઘણા છે અને એક જ છે, ઈશ્વર સાકાર છે અને નિરાકાર છે, ઈશ્વરના પ્રતિક તરીકે મૂર્તિ અને ઈશ્વર સર્વત્ર છે આવી બંને પ્રકારની માન્યતાનો સ્વીકાર થયેલો છે.

અમુક બુધ્ધિજીવીઓએ હિંદુને હિંદુ ધર્મથી અળગો કરી તેને ધર્મ અનુયાયીથી વધુ, એક આગવી ઓળખ આપવાના પ્રયત્નો કર્યા છે કે જેમાં હિંદુ એક રાષ્ટ્રવાદી કે સામાજિક-રાજનૈતિક વર્ગનો સભ્ય હોય. વીર સાવરકરે તેમની વગદાર પત્રીકા – “હિંદુત્વ: હિંદુ કોણ છે” માં ભૌગોલીક એકતા તેમજ સહીયારી સંસ્ક્રુતિ તથા જાતિને હિંદુઓને ઓળખાવતા ગુણો કહ્યા છે; અને એટલે હિંદુ એક એવો વ્યક્તિ છે કે જે “ભારતને પોતાની પિત્રુભુમી તથા પુજ્યભુમી અને પોતાના ધર્મનું જન્મસ્થાન માનતો હોય.” હિંદુત્વના આ પ્રત્યયીકરણે છેલ્લા એક દશકમાં હિંદુ રાષ્ટ્રવાદમાં મુખ્ય ભુમીકા ભજવી છે.

જો કે, જેને આજના સમયમાં લોકો ‘હિંદુ ધર્મ’ એ નામથી ઓળખે છે તે ધર્મના કોઈપણ ધર્મગ્રંથમાં તે મુજબની માન્યતા ધરાવતો વર્ગ હિંદુ તરીકે ઓળખાશે તેવું પ્રતિપાદિત કરવામાં આવ્યું નથી. હિંદુ ધર્મના શાસ્ત્રો તરીકે ઓળખાતા કોઈ પણ ગ્રંથોમાં હિંદુ શબ્દનો ઉલ્લેખ જોવા મળતો નથી જેથી ‘હિંદુ ધર્મ’ જેવો શબ્દ પાછળથી લોકમુખે પ્રચલિત થયો હોવાનું વિદ્વાનો માને છે.

હિન્દુ શબ્દ પર આપણે ત્યાં કહેવાતા સેક્યુલરવાદીઓ દ્વારા વિવાદ થતા આવ્યા છે. ન્યુઝ-ચૅનલો પર ચાલતી વાહિયાત ડિબેટમાં સતત આ મહેસૂસ થાય અને હિન્દુવાદી હોવું એ આતંકવાદી હોવા જેવું હોય એવી ભ્રાંતિ કરાવે. સેક્યુલરિઝમના નામે આજે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે હિન્દુત્વની જ્યારે પણ અને જ્યાં પણ ચર્ચા થાય ત્યાં વિરોધનો માહોલ પહેલાં ઊભો થઈ જાય છે.

એક સીધું ગણિત છે, જ્યાં જે કમ્યુનિટી વધારે પ્રમાણમાં હોય ત્યાં એ કમ્યુનિટીનું વર્ચસ વધારે હોય. આ સહજ છે અને કોઈ પણ દેશ, કોઈ પણ શહેર અને કોઈ પણ માહોલમાં આ બાબત લાગુ પડે. જૈન સોસાયટીમાં કાંદા-બટાટા લઈને લારીવાળો પણ આવતો નહીં હોય અને પંજાબીઓનું પ્રમાણ જ્યાં વધારે હોય ત્યાં બે-ચાર જૈનોની લાગણી પર ધ્યાન ન આપવામાં આવે અને ઈંડાં કે એવી ચીજવસ્તુઓ આસાનીથી વેચાતી હોય જે સમજી શકાય. આ સામાન્ય વાત સ્વીકારવા આજે બધા તૈયાર છે, પણ વાત જ્યારે હિન્દુત્વની આવીને ઊભી રહે ત્યારે અનેક લોકોને તકલીફ થવા માંડે છે. આપણું રાષ્ટ્ર છે એ હિન્દુ રાષ્ટ્ર છે અને  આ માન્યતામાં કોઈ ખરાબી નથી, પણ હા, હિન્દુ રાષ્ટ્રમાં હોવાની વાતથી જો કોઈને શરમ આવતી હોય કે હિન્દુ રાષ્ટ્રના વિધાનથી કોઈને તકલીફ પડતી હોય તો એ વાત ચોક્કસ શરમજનક કહેવાય.

જોવા જઈએ તો હિન્દુત્વની વ્યાખ્યા ક્યાંય ધર્મ સાથે જોડાયેલી નથી. હિન્દુત્વની વાત રાષ્ટ્રીયતા સાથે જોડાયેલી છે અને એને એ જ રીતે સ્વીકારવી જોઈએ. હિન્દુસ્તાનમાં રહેતો દરેક નાગરિક પહેલાં હિન્દુ જ ગણાવો જોઈએ અને એ જ રીતે તેણે જીવવું જોઈએ. રાષ્ટ્રીયતાનો મુદ્દો અને ધર્મનો મુદ્દો એક કરવાની આવશ્યકતા નથી અને એ એક કરવો પણ ન જોઈએ. ધર્મ એ અંગત માનસિકતા હોઈ શકે, પણ રાષ્ટ્રીય પ્રેમ અને રાષ્ટ્રીય ધર્મ હંમેશાં એક જ હોવા જોઈએ.

રાષ્ટ્રીયતાને ક્યારેય અવગણવી ન જોઈએ. રાષ્ટ્રવાદને આપણે વધુ પ્રબળ બનાવવાની જરૂર હોય એવું હંમેશાં લાગ્યું છે. રાષ્ટ્રવાદથી રાષ્ટ્ર પ્રત્યેના પ્રેમભાવમાં વધારો થાય છે, પણ એના કરતાં વધારે મહત્ત્વનું એ છે કે રાષ્ટ્રવાદથી રાષ્ટ્રવિરોધી કૃત્ય પર લગામ લાગી શકે છે. રાષ્ટ્રવિરોધી કૃત્ય સરકારી અધિકારીઓ પકડી શકે કે એના દ્વારા જાહેર થાય એના કરતાં વધુ મહત્ત્વનું એ છે કે નાગરિક જ પોતાની ફરજ સમજે અને આ ફરજ એ જ સમયે સમજી શકાય છે જે સમયે રાષ્ટ્રીયતાનું મૂલ્ય સમજાય. અન્યથા જેને સેક્યુલરિઝમનો ઘાઘરો પહેરી રાખવો હોય તેનું આ દેશમાં કોઈ કામ નથી. તે પ્રેમપૂર્વક વિદાય લે . હિન્દુસ્તાનમાં રહીને તમારે હિન્દુત્વની વાત જ કરવાની હોય અને અમેરિકામાં રહીને તમારે અમેરિકન બનીને જ રહેવાનું હોય. જો ન રહો તો એ તમને ત્યાંથી પણ હાંકી કાઢે, સીધી વાત છે.

આ પણ વાંચો-અદ્ભુત બિનસાંપ્રદાયિકતા