Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

દેવગૌડાનો પૌત્ર ખુલ્લો પત્ર, મારી ધીરજનો બાંધ તુટે તે પહેલા પ્રજ્વલ પરત ફરે, નહીં તો…

07:00 PM May 23, 2024 | KRUTARTH JOSHI

નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન અને જેડીએસ સુપ્રીમો HD દેવગોડાએ ગુરૂવારે પોતાના જ પ્રપૌત્ર પ્રજ્વલ રેવન્નાની ઝાટકણી કાઢી હતી. તેમણે વોર્નિંગ આપતા જણાવ્યું કે, તેઓ ભારત પરત ફરે અને જે પણ કાયદેસરની કાર્યવાહી છે તેનો સામનો કરે. દેવગોડાએ આ અંગેનો પત્ર X પર ટ્વીટ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, 18 તારીખે હું પુજા કરવા માટે જઇ રહ્યો હતો ત્યારે જ આ અંગે મીડિયા સાથે ચર્ચા કરી હતી. અમને ઘટનાના આઘાતમાંથી બહાર આવતા લાંબો સમય લાગ્યો. જે પ્રકારની ઘટના બની તેના કારણે મારો પરિવાર, મારા સહકર્મચારી, મિત્રો અને પાર્ટીવર્કર્સને ભારે નુકસાન પહોંચ્યું છે.

કાયદાકીય રીતે જે સજા થતી હોય તે થવી જ જોઇએ

દેવગોડાએ કહ્યું કે, હું પહેલા જ કહી ચુક્યો છું કે, કાયદાકીય રીતે જે પણ સજા છે તે તેને થવી જ જોઇએ. મારા પુત્ર અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામી પણ આ જ વાત સ્કેન્ડલ બહાર આવ્યું તે દિવસથી આ વાત કહી ચુક્યા છે. મારા તથા મારા પરિવાર વિરુદ્ધ જે પ્રકારના પ્રોપેગેન્ડા ચલાવાઇ રહ્યા છીએ તેનાથી પણ અમે માહિતગાર છીએ. હું તે લોકોને કાંઇ પણ કહેવા નથી માંગતો. હું તેમના અંગે કોઇ ટિપ્પણી પણ કરવા નથી માંગતો. હું જ્યા સુધી સત્ય બહાર નથી આવી જતું ત્યાં સુધી કંઇ પણ કરવા માંગતો નથી.

પ્રજ્વલ ભારત પરત ફરીને કાયદાનો સામનો કરે

પોતાના પત્રમાં દેવેગૌડાએ પોતાના પ્રપૌત્રને જણાવ્યું છે કે, તે તાત્કાલીક ભારતમાં પરત ફરે અને જે પણ કાયદેસર કાર્યવાહી છે તેનો સામનો કરે. દેવેગૌડાએ કહ્યું કે, મે કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેને ભારત પરત ફરવા જણાવ્યું છે તેનાથી વિશેષ મારા હાથમાં કાંઇ પણ નથી. પોલીસ જે પણ કાયદેસર કાર્યવાહી કરવા માંગે છે તે કરે. આ કોઇ અપીલ નથી પરંતુ પ્રજ્વલને મારી ચેતવણી છે. જો તે મારી ચેતવણીથી નહીં માને તો તેને મારા રોષનો ભોગ બનવું પડશે. આ મારા એકલાનો નહીં પરંતુ સમગ્ર પરિવારનો રોષ હશે.

તપાસમાં અમારો પરિવાર કોઇ પ્રકારે પ્રભાવિત નહી કરીએ

આ ઉપરાંત સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું કે, આ સમગ્ર તપાસ પ્રક્રિયામાં પણ હું કે મારો પરિવાર સીધી કે આડકતરી રીતે કોઇ પણ પ્રકારે અમારા પાવરનો દુરૂપયોગ નહીં કરીએ. જે પ્રકારે કુદરતી જસ્ટિસ થશે તે જ કરવામાં આવશે. જો મારા કે મારા પરિવારના કારણે કોઇને સહન કરવાનું આવ્યું છે તો તેમણે તે ભોગવવું જ પડશે. આ અગાઉ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પ્રજ્વલ રેવન્નાનો ડિપ્લોમેટિક પાસપોર્ટ તત્કાલ અસરથી રદ્દ કરવા અને તેને ભારત પરત લાવવા માટેની પણ ભલામણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રજ્વલ રેવન્ના અનેક મહિલાઓના શારીરિક શોષણ કર્યા હોવાના દાવાનો સામનો કરી રહ્યો છે. આ અંગેની અનેક વીડિયો ક્લિપ પણ વાયરલ થઇ રહી છે. પ્રજ્વલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઇ છે જેમાં બળાત્કાર, શારીરિક શોષણ, મહિલાઓના વિનય ભંગ સહિતની અનેક ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કરાયો છે.