+

પુત્રીના પ્રેમીનું અપહરણ કરી માર્યો ઢોર માર, સારવાર મળે એ પહેલાજ થયું મોત

અહેવાલઃ હરેશ ભાલિયા, જેતપુર  રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિરપુર ખાતે રહેતા મોબાઈલના ધંધાર્થી કોળી યુવાનને તાલુકા પંચાયતના ઉપપ્રમુખની પુત્રી સાથે પ્રેમ સંબંધ હોય અને બન્ને…

અહેવાલઃ હરેશ ભાલિયા, જેતપુર 

રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિરપુર ખાતે રહેતા મોબાઈલના ધંધાર્થી કોળી યુવાનને તાલુકા પંચાયતના ઉપપ્રમુખની પુત્રી સાથે પ્રેમ સંબંધ હોય અને બન્ને ફોનમાં વાતચીત કરતાં હોય જેની જાણ યુવતીના પિતાને થઈ જતાં ગઈકાલે પોતાના સાગરીતોની મદદથી તેમણે કોળી યુવાનનું કારમાં અપહરણ કરી થોરાળા ગામે વાડીમાં લઈ જઈ બેરહેમીથી માર માર્યો હતો.. જે બાદ સારવાર મળે તે પહેલાજ યુવકનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે પૂર્વયોજીત કાવતરું રચી યુવાનનું અપહરણ કરી હત્યા કરવા અંગેનો ગુનો નોંધી સાત શખ્સોની ધરપકડ કરી લીધી છે.

આ ઘટના અંગેની જાણવા મળતી સિલસીલાબંધ વિગતો મુજબ, વિરપુર બસ સ્ટેશન પાસે રહેતા અને મેઈન બજારમાં કૈલાસ પાન નામની દુકાન ધરાવતાં ઉમેશ નટુભાઈ બારૈયા (ઉ.૪૯)એ વિરપુર પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદમાં આરોપી તરીકે જેતપુર. તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પતિ રાજેશ નારણભાઈ બારૈયા, તેના સાગરીત નિતીન રમેશભાઈ મકવાણા, ઉમેશ ખોડાભાઈ ગોહિલ, ચંદ્રેશ ઉર્ફે ટીનો, લલિતભાઈ કંડોલીયા, ગજાનન ઉર્ફે ગજરાજ ખોડાભાઈ ગોહેલ, મયુર ઉર્ફે મેયલો પરષોતમભાઈ મેર, અલ્ટેજ ખાન સુજાત ખાન પઠાણ, વિક્રમ ઉર્ફે વિકી વિરજીભાઈ મેર અને લલિત દિનેશભાઈ રૂદ્રાત્રાનું નામ આપ્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગઈકાલે સાંજે ઉમેશ સરકારી કવાર્ટર પાસે બેઠો હતો ત્યારે ભાજપના આગેવાન રાજેશ નારણભાઈ બારૈયા સહિતના શખ્શો ફોર વ્હીલ કાર અને બાઈકમાં ધસી આવી હિતેશનું બળજબરીથી અપહરણ કરી ગયા હતાં.આ બનાવની જાણ મોટાબાપુ કેશવભાઈ બારૈયાને થતાં પરિવારજનો દ્વારા હિતેશની શોધખોળ શરૂ કરી હતી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જ્યારે ફોન કરતાં હિતેશનો કોઈ ફોન ઉપાડતું ન હતું. જ્યારે ઘટના સ્થળે પુછપરછ કરતાં કારમાં આવેલા રાજેશ બારૈયા સહિતના નવ શખ્સો દ્વારા હિતેશનું અપહરણ કરી ગયાની માહિતી મળી હતી. ત્યારબાદ રાત્રીના હિતેશનો ફોન રિસીવ થયો હતો અને રાજુ બારૈયા એ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, હિતેશ બે કલાકમાં મળી જશે, ઉપાધી કરતાં નહીં આજે મારી માનતા પુરી થઈ જશે તેમ કહી તેણે ફોન કાપી નાખ્યો હતો.

બાદમાં મોડીરાત્રીનાં હિતેશના મોબાઈલમાંથી મોટાબાપુ કેશવભાઈ બારૈયાના મોબાઈલમાં વોટસએપ્સ કોલ આવ્યો હતો અને રાજુ બારૈયાએ વોટસએપ કોલમાં વાતચીત કરતાં જણાવ્યું હતું કે હિતેન ઉર્ફે હિતેશને મારી પાળ વાડીએ આવી ને લઈ જાવ તેમ કહેતા ફરિયાદી અને તેના પરિવારજનો રાજુ બારૈયાની વાડીએ દોડી ગયા હતાં. રાજુ બારૈયાની વાડીએ હિતેન ઉર્ફે હિતેશ લોહી લોહાણ હાલતમાં અટીકા ગાડી પાસે બેઠો હતો તેના બન્ને હાથ અને પગ ભાંગી નાખ્યા હતાં. આ અંગે પુછપરછ કરતાં હિતેનનું અપહરણ કર્યા બાદ થોરાળા ગામે નિતીન મકવાણાની વાડીએ લઈ જઈ બેરહેમીથી તમામ શખ્સોએ ધોકા, પાઈપ વડે માર માર્યો હતો અને હાથ પગ ભાંગી નાખ્યા હતાં. બાદમાં હિતેનને રાજુ બારૈયાની વાડીએ લઈ આવ્યા હતાં. જ્યાં તેના પરિવારજનોને સોંપી દીધો હતો. આ વખતે રાજુ બારૈયાએ એવી ધમકી આપી હતી કે તમારે હિતેનને વિરપુરમાં રહેવા દેવાનો નથી. દવાખાનેથી સાજો થઈ જાય પછી જો તમારો ભાઈ મને વિરપુરમાં જોવા મળશે તો હું તેને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. બાદમાં હિતેન ઉર્ફે હિતેશને ૧૦૮ મારફત સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જતાં હતાં ત્યારે રસ્તામાં જ તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની વિરપુર પોલીસને જાણ કરતાં પીએસઆઈ એમ.જે.પરમાર સહિતનો સ્ટાફ હોસ્પિટલ પર દોડી જઈ ઉમેશભાઈ નટુભાઈ બારૈયાની ફરિયાદ પરથી પૂર્વ યોજીત કાવતરું રચી અપહરણ અને હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે આ બનાવ અંગે વિશેષ તપાસ હાથ ધરી છે.

Whatsapp share
facebook twitter