Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Dabhoi: કરણેટ ગામના પૂર્વ સરપંચે પિતાની છત્રછાયા ગુમાવનાર આદિવાસી દીકરીના ધામધૂમથી લગ્ન કરાવ્યા

02:27 PM Apr 19, 2024 | VIMAL PRAJAPATI

Dabhoi: ડભોઈ તાલુકાના નાનકડાં કરણેટ ગામનાં પૂર્વ સરપંચ નીતિન પટેલ દ્વારા નાની ઉંમરે જ પિતાની છત્રછાયા ગુમાવનાર અને કરણેટ ગામની ભાણી સંગીતા વસાવા નામની આદિવાસી સમાજની દીકરીને પોતાની જ દીકરીની જેમ પાલન પોષણ કરી, ઉછેરીને મોટી કરી હતી જેને આજે હિંદુ સમાજનાં રીતરિવાજ પ્રમાણે સારાં ઘરે પરણાવી તેનાં ભાવીને ઉજજવળ બનાવવાનું અને સમાજને પ્રેરણાદાયક માનવતાનું કાર્ય કર્યું હતું. નોંધનીય છે કે, અત્યારે નીતિન પટેલની સમગ્ર પંથકમાં ખૂબ જ પ્રશંસા થવા પામી હતી.

દીકરીએ નાની ઉંમરમાં જ પિતાની છત્રછાયા ગુમાવી હતી

આ દીકરી સંગીતા વસાવા આજે સામાજિક રીતે લગ્ન બંધનમાં બંધાવવા જઇ રહી છે, ત્યારે  ડભોઈ (Dabhoi) તાલુકાના  નાનકડા કરણેટ ગામમાં રહેતાં પૂર્વ સરપંચ નીતિન પટેલની ગામ લોકો પ્રશંસા કરી રહ્યાં છે. કારણ કે, આ દીકરીએ તો નાની ઉંમરમાં જ પોતાનાં પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી અને તે પોતાની માતાની સાથે પોતના મોસાળ એટલે કે, કરણેટ ગામમાં રહેવા લાગી હતી. જયાં તેની માતા ગામનાં પૂર્વ સરપંચ અને પરગજુ એવાં નીતિનભાઈ પટેલને ત્યાં ઘરકામ કરી પોતાનો જીવન ગુજારો કરતાં હતાં. પરંતુ આ દીકરીની ઘગશ અને લાગણીએ તેને નીતિનભાઈ પટેલનાં ઘરનાં કાયમી સભ્ય તરીકે સ્થાન અપાવી દીધું હતું.

નીતિનભાઈના પરિવારે આ દીકરીના સંસ્કાર અને હુન્નરને ઓળખી લીધાં

પૂર્વ સરપંચ નીતિનભાઈ પટેલ વ્યવસાયે ખેડૂત છે અને તેમનાં પત્ની નજીકનાં ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષીકા તરીકે ફરજ બજાવે છે અને તેમના પરિવારમાં સંતાનમાં એક દીકરી છે. સરપંચના પરિવારે આ નાનકડી આદિવાસી દીકરીના સંસ્કાર અને હુન્નરને ઓળખી લીધાં હતાં અને તેનાં પરિવારનાં સભ્ય તરીકે સ્થાન આપી દીધું હતું અને તેને મોટી કરવામાં દીકરીની માતા સાથે જોડાઈ ગયાં હતાં. સમય જતાં આ દીકરીની માતાએ તેમના આદિવાસી સમાજમાં પુનઃ લગ્ન કરી લીધાં હતાં. પરંતુ આ નાનકડી આદિવાસી કન્યાએ પૂર્વ સરપંચના ઘરને પોતાનું મોસાળ માની લીધું હતું અને ત્યાં જ રહેવા લાગી હતી અને નીતિનભાઈ પટેલને પોતાના સગા મામાનું સ્થાન આપી દીધું હતું.

સરપંચનો પરિવાર જયાં જાય ત્યાં આ દીકરીને સાથે જ લઈ જતો

“રામ રાખે તેને, કોણ ચાખે” એમ કુદરતનાં દરબારમાં જયારે એક દરવાજો બંધ થાય છે, ત્યાં દશ દરવાજા ખુલે છે, એ ન્યાયે કરણેટ ગામનાં વતની અને સામાજિક સેવાનાં ભેખધારી નીતિન પટેલના પરિવારે આ બાળકીને સાચવવા, ઉછેર કરવાની કુદરતને સાક્ષી રાખી જવાબદારી લઈ લીધી હતી અને આ પરિવાર જયાં પણ જાય ત્યાં આ દીકરીને પરિવારનાં સભ્ય તરીકે સાથે જ રાખતાં હતા. પરિવાર જયારે બહાર ફરવા જાય તો પણ તેને સાથે લઈને જતા હતા. આમ, આ આદિવાસી સમાજની દીકરી સંગીતા વસાવાને સ્વર્ગ સમાન મોસાળ મળી જતાં તે ભણી ગણીને મોટી થતી જતી હતી.

સમયે કરવટ બદલી અને આ દીકરી ગામની સરપંચ બની

નીતિનભાઈ પટેલ તો ગામનાં સરપંચ રહી ચૂક્યાં હતાં. પરંતુ સમયે કરવટ બદલી અને ગામની પંચાયતની ચૂંટણી આવી પહોચી અને તેમાં પણ પાછલી ટર્મમાં આદિવાસી બેઠક આવતાં રાજકારણ જેના લોહીમાં છે એવા નીતિન પટેલે સંગીતાને ગામની સરપંચની ચૂંટણી લડાવી હતી અને સંગીતા વસાવા ચૂંટણી જીતી ગઈ અને સરપંચ પદે બિરાજી હતી. તેને કરણેટ ગામનો વિકાસ કોઈ પણ વિવાદ વગર સુંદર વહીવટ સાથે કરી બતાવ્યો હતો. તેને ગામ લોકોની પ્રશંસા પણ મેળવી લીધી હતી. આ પાંચ વર્ષનો ગાળો કરણેટ ગામમાં યાદગાર બની રહયો હતો. સમય બધાનો સરખો રહેતો નથી એમ નીતિન પટેલનાં જીવનમાં પણ ઉતાર ચઢાવ આવતાં રહયાં પણ તે અડગ રહયાં અને એક સમયે ગંભીર બીમારીએ નીતિન પટેલને ધેરી લીધાં હતાં, તેવા સમયે પણ સંગીતા વસાવા પાલક કુટુંબની સાથે રહી હતી. આજે સમાજમાં વર્ગવિગ્રહ જેવી સ્થિતિ છે. કોઈ કોઈની સામે જોવા રાજી નથી એવા સમયે નીતિન પટેલે માનવતાનું ઉત્તમ ઉદાહરણ બતાવ્યું છે. સમાજમાં ઉંચનીચના ભેદભાવ જોવા મળે છે એવા કપરાં સમયમાં નીતિન પટેલે સંગીતાને મા-બાપની કમીનો એહસાસ થવા દીધો ન હતો.

હિંદુ લગ્ન વિધિ સાથે રંગેચંગે યોજાયાં લગ્ન

આજે Dabhoi ના કરણેટ ગામની પૂર્વ સરપંચ સંગીતા વસાવાના લગ્ન નીતિનભાઈ પટેલનાં પરિવારે પોતાની સગી દિકરીને પરણાવતા હોય એટલા જ ઉત્સાહ અને ઉમંગથી રંગેચંગે યોજયાં હતાં, જે સમગ્ર ગામ માટે યાદગાર ક્ષણ બની રહી હતી. પૂર્વ સરપંચ નીતિનભાઈ પટેલનાં પરિવારે મોસાળુ, ગ્રહશાંતિ, કન્યાદાન સહિતની ધાર્મિક વિધિ સાથે યોજયા હતાં અને આ રૂડો પ્રસંગ ગામ લોકો અને સમાજ માટે પ્રેરણાદાયક બની રહયો હતો. ગામ લોકોએ નીતિનભાઈ પટેલની સેવા અને લાગણીને બિરદાવી હતી. બાકી રાજકારણીઓ સમય વિતે પછી ઓળખતા પણ નથી. ત્યારે આજે સંગીતા વસાવા સમાજિક બંધનમાં બંધાઈ નવી જિંદગીની શરૂઆત કરવા જઈ રહી છે, ત્યારે સંગીતા વસાવા અને પાલકપિતા સમાન નીતિન પટેલના પરિવારનાં ગામ લોકો વખાણ કરી રહયા છે. સમાજમાં આવા બનાવો બહુ ઓછા જોવા મળતા હોય છે એટલે સમગ્ર પંથકમાં આ બનાવની મોટી નોંધ લેવામાં આવી હતી. નોંધનીય છે કે, Dabhoi માં આવેલા આ ગામના પૂર્વ સરપંચે ખુબ જ સારી કામ કર્યું છે.

અહેવાલઃ પીન્ટુ પટેલ, ડભોઇ (વડોદરા)

આ પણ વાંચો: VADODARA : ત્રસ્ત વેપારીઓની સામુહિક આત્મવિલોપનની ચિમકી, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો: Amit Shah: ફોર્મ ભર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર ‘400 સીટ સાથે ત્રીજી વખત ચૂંટણી જીતીશું’

આ પણ વાંચો: VADODARA : 22.45 લાખ લોકો સુધી મતદાન જાગૃતિનો સંદેશો પહોંચાડવાનો અનોખો પ્રયાસ