+

Cyclone: દક્ષિણ ભારતના તટીય વિસ્તારમાં ચક્રવાત માયચોંગનો ખતરો

દક્ષિણ ભારતમાં વધુ એક વખત વાવાઝોડાનો ખતરો મંડરાય રહ્યો છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા ચક્રવાત માયચોંગને કારણે દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે, સાથે જ તમિલનાડુના કેટલાક જિલ્લાઓમાં ચેતવણી પણ આપવામાં…

દક્ષિણ ભારતમાં વધુ એક વખત વાવાઝોડાનો ખતરો મંડરાય રહ્યો છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા ચક્રવાત માયચોંગને કારણે દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે, સાથે જ તમિલનાડુના કેટલાક જિલ્લાઓમાં ચેતવણી પણ આપવામાં આવી છે.

વરસાદની ચેતવણી અંગે સૂચનો અને યોગ્ય નિર્દેશ આપ્યા

ચક્રવાત માયચોંગને લઇ કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા તમિલનાડુ, પુડુચેરી અને કરાઇકલના તટીય વિસ્તારોમાં 3 ડિસેમ્બરે આ ચક્રવાતને કારણે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે અને 4 ડિસેમ્બરે તે વધારે તોફાની રૂપમાં પરિવર્તિત થશે. તમિલનાડુના CM એમ.કે.સ્ટાલિને 12 જિલ્લાના વહીવટી વડાઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. CMએ અધિકારીઓને ભારે વરસાદની ચેતવણી અંગે સૂચનો અને યોગ્ય નિર્દેશ આપ્યા હતા. અને સાથે જ તોફાનની પરિસ્થિતિ માટેની જરૂરી તમામ તૈયારીઓ કરવા જણાવ્યું હતું.

ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ આંધ્રના દરિયાકાંઠે પવન અને વરસાદ વધશે

વિશાખાપટ્ટનમ ચક્રવાત ચેતવણી કેન્દ્રના MD સુનંદા કહે છે, કે નીચા દબાણવાળો વિસ્તાર હવે દક્ષિણ-પૂર્વ અને નજીકના વિસ્તારો પાસે ડિપ્રેશનમાં ફેરવાઈ ગયો છે. આગામી 24 કલાકમાં તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. આગામી 24 કલાકમાં તે ચક્રવાતી તોફાન બની જશે. તે ઝડપથી ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાત મિચોંગ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે અને ઉત્તર તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પહોંચશે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે

3 ડિસેમ્બરથી ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ આંધ્રના દરિયાકાંઠે પવન અને વરસાદ વધશે. વાવાઝોડું આગળ વધતાં જ વરસાદ શરૂ થશે. તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે, જ્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

કયા જિલ્લાઓની કેવી રહેશે પરિસ્થિતિ?

ચેન્નઈ હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, તમિલનાડુના 8 જિલ્લાઓ તિરુવલ્લુર, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ, ચેન્નાઈ, તેનકાસી, થૂથુકુડી, તિરુનેલવેલી અને કન્નિયાકુમારીમાં હળવાથી માધ્યમ વાવાઝોડાની અસર જોવા મળશે. સાથે જ વિલ્લુપુરમ, રાનીપેટ, કુડ્ડાલોર, તંજાવુર, નાગાપટ્ટિનમ, માયલાદુથુરાઈ, તિરુવરુર, રામનાથપુરમ, તિરુપુર, ડિંડીગુલ, પુડુકોટ્ટાઈ, વિરુધુનગર નીલગિરિસ અને રાજ્યના પુચ્ચેરી અને થેરાની જિલ્લાના અલગ-અલગ સ્થળોએ હળવા વાવાઝોડા અને વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

વેપાર સંબંધિત કામ માટે ન જવાની ચેતવણી

ચક્રવાત માયચોંગની સંભાવનાઓને પગલે હવામાન વિભાગે બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વીય ભાગો અને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીના માછીમારોને માછીમારી અથવા કોઈપણ પ્રકારના વેપાર સંબંધિત કામ માટે ન જવાની ચેતવણી જારી કરી છે. સાથે જ પુડુચેરીની શાળાઓમાં સાવચેતીના ભાગરૂપે રજા જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો – શ્રદ્ધા ,સાધના અને સિદ્ધિનો અનુપમ ત્રિકોણ એટલે શેત્રુંજય તીર્થની 99 યાત્રા

Whatsapp share
facebook twitter