+

પંચમહાલ જિલ્લાના મુખ્ય હાઈવે માર્ગ ઉપર ગેરકાયદેસર બનાવવામાં આવેલા કટ બની રહ્યા છે અકસ્માતના ઝોન

જિલ્લામાંથી પસાર થતા મુખ્ય હાઇવે માર્ગ પર બનાવવમાં આવેલ ડીવાઈડરને તોડી ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા કટને તાત્કાલીક અસર થી બંધ કરી આ કટ બનાવવનાર સામે કડક પગલાં ભરવા સ્થાનિકો દ્વારા…
જિલ્લામાંથી પસાર થતા મુખ્ય હાઇવે માર્ગ પર બનાવવમાં આવેલ ડીવાઈડરને તોડી ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા કટને તાત્કાલીક અસર થી બંધ કરી આ કટ બનાવવનાર સામે કડક પગલાં ભરવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ જિલ્લામાં વધી રહેલા માર્ગ અકસ્માતની ઘટનામાં ઘટાડો કરવા માટે પંચમહાલ જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા હાઈવે માર્ગ પર બનાવવામાં આવેલ કટ ને બંધ કરવા સંબધિત વિભાગને સૂચના આપવામાં આવી છે.

સમગ્ર રાજ્ય માર્ગ અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો

સમગ્ર રાજ્ય માર્ગ અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ માર્ગ અકસ્માતમાં વધારો થતાં અનેક નિર્દોષ મુસાફરો અને વાહન ચાલકોની જિંદગી હોમાઈ રહી છે. ત્યારે અકસ્માતની સંખ્યામાં ઘટાડો કરવા માટે પંચમહાલ પોલીસ હરકતમાં આવી છે. જેમાં ગોધરા શહેરને જોડતા મુખ્ય હાઈવે માર્ગ ઉપર આવેલ હોટલ અને પેટ્રોલ પંપ ધારકોએ ધધાકીય લાભ લેવા માટે હાઈવે રોડપરના ડિવાઈડરને તોડી ગેરકાયદેસર રીતે કટ આપવામાં આવ્યા જેના કારણે નાના મોટા વાહન ચાલકો માર્ગ અકસ્માતના ભોગ બની રહ્યા છે.

હોટલ અને પેટ્રોલ સામે કટ બનાવવામાં આવ્યા છે

સ્થાનિકો દ્વારા જણાવ્યા મુજબ હાઈવે માર્ગ ઉપર આવેલ હોટેલ અને પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા પોતાના હોટલ અને પેટ્રોલ પંપના ધંધામાં વધારો થયા તે માટે તેઓ દ્વારા પેટ્રોલ પંપ અને હોટલ સામે હાઈવે ઉપર બનાવવામાં આવેલ ડિવાઈડરને તોડી કટ આપવામાં આવી રહ્યા છે. ત્યારે આ કટ માંથી હાઈવે ક્રોસ કરતા નાના મોટા વાહન ચાલકો જોખમી રીતે હાઈવે રોડ ક્રોસ કરી હોટલમાં અને પેટ્રોલ પંપ પર જતાં હોય છે ત્યારે અનેક વાર ગમખ્વાર અકસ્માતની ઘટના બનતી હોય છે.
જેમાં કેટલાક વાહન ચાલકોની જિંદગી હોમાઈ ગઈ છે. સ્થાનિકો દ્વારા સંબધિત વિભાગને અનેક વાર રજુઆત પણ કરવામાં આવી રહી છે તેમ છતાં આજ દિનસુધી સંબધિત તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે હવે જે હોટલ અને પેટ્રોલ સામે કટ બનાવવામાં આવ્યા છે તે સંચાલકો સામે માનવવધ હેઠળ ગુન્હો નોંધી તેઓ સામે કડક પગલાં ભરવા લોક માંગ ઉઠવા પામી છે.

હાઈવે પરના ડિવાઈડર તોડીને 20 થી વધૂ ગેરકાયદેસર કટ બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું

ગોધરા – વડોદરા  અને ગોધરા – અમદાવાદ હાઈવે પર આવેલ કેટલીક હોટલ અને પેટ્રોલ પંપની સામે હાઈવે પરના ડિવાઈડર તોડીને 20 થી વધૂ ગેરકાયદેસર કટ બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં વધી રહેલા અકસ્માતની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લામાં વર્ષ 2022 માં કુલ 601 માર્ગ અકસ્માતની ઘટના બની છે જે આ અકસ્માતની ઘટનામાં 909 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અને આ ઇજાગ્રસ્ત લોકોમાંથી 260 ઇજાગ્રસ્ત લોકોના મોત થયા હતાં.
ત્યારે વર્ષ 2023 માં જિલ્લામાં 615 માર્ગ અકસ્માતની ઘટના બની છે. જેમાં 878 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમાંથી 231 ઇજાગ્રસ્ત લોકોની જિંદગી હોમાઈ છે. આમ કરતા 2022 કરતા 2023માં અકસ્માતનું પ્રમાણ ઘટ્યું છે. પરંતુ હાઇવે માર્ગ પરના ડિવાઈડર તોડીને કટ બનાવવામાં આવ્યા છે જે હાલ અકસ્માતના ઝોન બની રહ્યા છે ત્યારે આ કટને બંધ કરવા સાથે કટ બનાવવાનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગને લઈ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સંલગ્ન વિભાગ ની બેઠક કરી હતી અને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સંબધિત વિભાગને આ કટ તાત્કાલિક બંધ કરી દેવા સૂચના આપવામાં આવી છે.
જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સંલગ્ન વિભાગને સૂચનાઓ આપી કટ બંધ કરવા જણાવેલ છે. ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સંબધિત વિભાગને આપવામા આવેલ સૂચનાનું પાલન કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો આ તરફ નેશનલ હાઇવે ટોલ પ્લાઝા દ્વારા પણ ગેરકાયદેસર રીતે બનાવવા આવેલ  કટ તત્કાલિક બંધ કરવા માટે ની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ
Whatsapp share
facebook twitter