Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

e-Memo ના નામે વાહનચાલકોને ડરાવી રૂપિયા પડાવી લેનાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

05:28 PM Sep 08, 2023 | Hardik Shah

અહેવાલ – પ્રદીપ કચિયા

અમદાવાદ ટ્રાફિક પોલીસના નામે હજારો વાહન ચાલકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઈ મેમો ના નામે વાહનચાલકો ને ડરાવી રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. મહત્વનું છે કે જે હજારો લોકોએ ટ્રાફિક દંડની રકમ આરોપીઓના કહેવાથી ભરી દીધી છે તેમના ઈ ચલણ રદ થશે કે કેમ તે સૌથી ગંભીર પ્રશ્ન છે.

ટ્રાફિક ઈ ચલણ ના નામે લોકોને ડરાવી કોર્ટમાં જવાની ધમકી આપી બનાવટી લિંક મોકલી લાખો રૂપિયા પડાવનાર ઝારખંડના સુધાંશુ ઉર્ફે ચીકુ મિશ્રાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સુધાંશુ એ આ ગુનામાં તેના અન્ય બે આરોપી રાજેશ તથા સપ્તમ કુમાર નંદન સાથે મળી છેલ્લા 8 મહિનાથી આ કૌભાંડ ચલાવતો હતો. જોકે આ આખા કૌભાંડના પડદા પાછળ પલ્ટન દાસ નામનો એક મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. જે મૂળ ઝારખંડનો છે. અને પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. મહત્વનું છે. કે રાજેશ નામના આરોપીએ કૌભાંડ કેવી રીતે કરવું તે શીખવ્યું હતું. જોકે લિંક કેવી રીતે બનાવવી, યુપીઆઈડી કેવી રીતે મોકલવા. તથા સીમકાર્ડ અને અલગ અલગ જરૂરિયાતો પલ્ટન દાસ પૂરી પાડતો હતો. જેના તેને 20 ટકા રૂપિયા મળતા હતા.

આરોપીઓની મોર્ડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો અમદાવાદ ટ્રાફિક વિભાગની વેબસાઈટ ખોલી કોઈપણ વાહનનો નંબર નાખી, તેમાં ઇ ચલણ છે કે કેમ, તે ચેક કરતા હતા. બાદમાં જો કોઈ ઈ ચલણ બાકી હોય તેવા વાહનોની માહિતી, રોયલ સુંદરમ ઇન્સ્યોરન્સ કંપનીના વેબસાઈટ પર જઈ તે વાહનની ચેચીસ તથા એન્જિન નંબર મેળવી લેતા હતા. જે બાદ એમ પરિવહન વેબસાઈટ પરથી વાહન માલિક નો મોબાઇલ નંબર મેળવી બાકી રહેલા દંડ મામલે ધમકાવતા અને બનાવટી લિંક મોકલી ઈ ચલણ ભરાવી દંડની રકમ પોતે મેળવી લેતા હતા. આ આખું કૌભાંડ રાજેશ નામના આરોપીએ લોકોને શીખવ્યું હતું. કારણ કે તે કલકત્તામાં ઈ મેમોના દંડ ભરવાનું ગેરકાયદેસર કામ કરતો હતો. જેથી આ રીત અન્ય આરોપીઓને શીખવી હતી.

ગુજરાતમાંથી અંદાજિત દસ લાખથી વધુ ની રકમ આરોપીઓ છેલ્લા આઠ મહિનામાં મેળવી ચૂક્યા છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, ટ્રાફિક પોલીસના નામે દંડ ભરનાર વાહન ચાલકોને તે ચલણના દંડ માંથી મુક્તિ મળશે કે કેમ, સાથે જ આ ગુનાના અન્ય ત્રણ આરોપી ઝડપાયા બાદ શું નવી હકીકત સામે આવે છે. તે જોવું મહત્વનું છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.