Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

લોકડાઉનમાં ક્રિએટીવિટીએ ચૈતાલી જોગીને બનાવી બિઝનેસ વુમન

07:24 PM Apr 25, 2023 | Vipul Pandya

તમને મળતા ફાજલ સમયનો તમે કેવો ઉપયોગ કરો છો એ બહુ મહત્ત્વનું છે. કલાને વરેલી વ્યક્તિને ફાલતુ જેવી વસ્તુમાં ફેબ્યુલસ કૃતિ નજરે પડે છે. સાચી વાત એ છે કે, કળાને કોઇ સીમાડાં નથી નડતાં. કોરોનાની મહામારી સમયના લોકડાઉનમાં ઘણા લોકોએ પોતાના સમયનો સદુપયોગ કર્યો. કોઈએ કવિતાઓ લખી, કોઈએ નવલકથા લખી, કોઈએ નવી નવી રેસિપી અજમાવી તો કોઈએ પેઈન્ટિંગ ચીતર્યા. આખું વિશ્વ લડાઈ લડી રહ્યું હતું ત્યારે મનને ડાઈવર્ટ કરવા માટે ક્રિએટીવ લોકોએ પોતાની આવડત અને કળાને જીવંત કરી. લોકડાઉના સમયમાં એક સ્લોગન બહુ ચાલ્યું હતું, If you can’t go outside, go inside. ક્રિએટીવ માણસ માટે કોઈ કળાનું સર્જન એ એની આત્મા સાથેની જાત્રા હોય છે. આવી જ વાત મૂળ અમરેલીની અને હાલ અમદાવાદમાં સ્થાયી થયેલી યુવતીની છે. એનું નામ ચૈતાલી જોગી. એ દિલને સ્પર્શી જાય એવી કવિતાઓ લખે, રંગબેરંગી પારાં જોઈને સુંદર મજાની માળા બનાવે, દોરાને ગૂંથીને લટકણિયા બનાવે, છૂટી છવાઈ વસ્તુઓને જોઈને એ સુંદર મજાનું શો પીસ બનાવી નાખે. તેણે આ સમયમાં આર્ટ ક્રાફ્ટને લગતું સ્ટાર્ટ-અપ ગ્રે- કોર્નર સ્ટાર્ટ કર્યું. 

ચૈતાલી જોગીએ પોતાના શોખ અને કલા પ્રેમ વિશે વાત કરતાં ગુજરાત ફર્સ્ટને કહે છે કે, કોરોના લોકડાઉન દરમિયાન લોકો મજબૂરીવશ પોતાના ઘરમાં પૂરાઇ રહ્યાં હતા. આ સમયે હું ફાઇન આર્ટસમાં અભ્યાસ કરતી હતી. કોલેજ પણ બંધ હતી મારી પાસે સારો એવો ફાજલ સમય હતો. કલા પ્રેમના કારણે મારી પાસે ઘરમાં જ અનેક દોરા, ટીકડી, મોતી સહિત અનેક ભરત ગૂંથણનું મટિરિયલ હતુ. તેથી મે મારા શોખને વ્યવસાયમાં અજમાવવાનું નક્કી કર્યુ. અને આજની આધુનિક આર્ટ વર્ક અને જૂની ભાતીગળ આર્ટના કેટલાક નમૂના બનાવીને તેને મારા સોશિયલ મીડિયા પેજ પર મૂક્યાં જે મિત્રો અને નજીકના સંબંધીઓને ખૂબ જ પસંદ પડ્યાં. મિત્રો, પરિવારજનોના રિસ્પોન્સે મારામાં ઉત્સાહનો વધારો કર્યો અને મારા આ સ્ટાર્ટ અપનો જન્મ થયો. ત્યાર બાદ મેં  ઘણાં નવી ડિઝાઇન્સ, યુનિક ડિઝાઇન તૈયાર કરી. ખાસ કરીને સોશિયલ મીડિયા હાલમાં જાહેરાતનું યોગ્ય માધ્યમ છે 
 
ચૈતાલી જોગીના પીકોક ફેધર્સ ડ્રીમ કેચર્સની યુનિક ડિઝાઇન કરી છે. તેમાંથી તેમણે ફેધર નેકપીસ, કીચેઇન, અને ઇયરીંગ બનાવ્યાં આ સાથે જ યુનિક નેક પીસ, અને ઇયર રીંગમાં ટ્રેડિશનલ સાથે રુદ્રાક્ષ, ઘૂઘરી, મોતીની જ્વેલરી પણ ડિઝાઇન કરી છે. 

મલ્ટી ટેલેન્ટેડ ચૈતાલી જોગીને આર્ટ ક્રાફ્ટ, જ્વેલરી મેકીંગની  સાથે જ પેઇન્ટીંગ અને કવિતા લખવાનો પણ શોખ છે. ઘણાં મુશાયરામાં પણ તે પર્ફોમન્સ આપે છે. સાથે જ ગ્રાફિક ડિઝાઇનર તરીકે જોબ કરે છે. તેમના પરિવારમાં તે એક માત્ર આર્ટ સાથે સંકળાયેલા છે. તેમના પિતાનો ફરસાણનો બિઝનેસ છે. જ્યારે માતા હોમ મેકર છે. પરિવારમાં તેમના આર્ટ અને કલ્ચરના લગાવથી તેમણે આ ફિલ્ડ પસંદ કર્યું અને પોતાના શોખને હાલમાં તેઓ બિઝનેસમાં કન્વર્ટ કરી રહ્યાં છે. 

ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતાં તેમણે વધુમાં કહ્યું કે, અત્યારે હું ડિઝાઇનીંગમાં ઘણા નવા ફિલ્ડ સર્ચ કરું છું. જેમાં મડ આર્ટ, મોતી કામ, અલગ અલગ  ભરતકામ પર રિસર્ચ પણ કરું છું. હાલમાં ઘણી એવી આર્ટ -ક્રાફ્ટ છે જે પરંપરાગત છે અને યોગ્ય સપોર્ટ ન મળવાને કારણે જે કળા વિલુપ્ત થવા જઇ રહી છે આવા આર્ટ ફોર્મ માટે તેમજ આવા કલાકારોના વારસાને જાળવી રાખવા માટે હાલમાં મેં એક રિસર્ચ વર્ક તૈયાર કર્યું છે. જેમાં તેની હિસ્ટ્રીથી લઇને તે તમામ આર્ટ વિશે હું જાણકારી એકઠી કરી તેનું ડોક્યુમેન્ટેશન પર પણ કામ કરી રહી છું.
 ગ્રે- કોર્નરમાં હાલમાં તો  કલા વારસો જીવંત રાખવાનો જ મારો ઉદેશ્ય છે.  હાલમાં આ સ્ટાર્ટ અપને વધુ લોકો સુધી પહોંચાડવા અને ખરેખર કલાને જાળવનારા લોકો સુધી પહોંચવા અને અન્ય કલાકારો સાથે જોડાવવા અમદાવાદ હાટ ખાતે આર્ટીસન કાર્ડ માટે એપ્યલાય કર્યું  છે જેથી મારી કલા વધુ લોકો સુધી પહોંચી શકે.