Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારને ઝટકો, નવાબ મલિક અને અનિલ દેશમુખ રાજ્યસભા ચૂંટણીમાં મતદાન નહીં કરી શકે

07:17 PM Apr 22, 2023 | Vipul Pandya

મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકારને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. જેલમાં બંધ મંત્રી નવાબ મલિક અને ભૂતપૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખને રાજ્યસભા ચૂંટણીના મતદાન માટે જામીન આપવાની અરજીને ફગાવી દીધી છે. એટલે કે હવે  નવાબ મલિક અને અનિલ દેશમુખ રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરી શકે.
રાજયસભા ચૂંટણીમાં મતદાન માટે જામીન માગ્યા
નવાબ મલિક અને અનિલ દેશમુખે આવતીકાલે યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવાની પરવાનગી માટે કોર્ટમાં અરજી કરી હતી. મહારાષ્ટ્રના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા નવાબ મલિક ફેબ્રુઆરીથી જેલમાં છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમના પર મની લોન્ડરિંગનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેવી જ રીતે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પણ જેલમાં છે. તેના પર પણ મની લોન્ડરિંગનો પણ આરોપ છે. બંનેએ શુક્રવારે યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે જામીનની માંગણી કરી હતી.
મલિક તરફથી શું દલીલ કરાઇ?
નવાબ મલિકે કોર્ટને કહ્યું કે તેઓ ચૂંટાયેલા ધારાસભ્ય છે અને રાજ્યસભામાં પ્રતિનિધિ પસંદ કરવામાં તેમના મતવિસ્તારના રહેવાસીઓનું પ્રતિનિધિત્વ કરવા માટે તેઓ ફરજથી બંધાયેલા છે. તેથી તેમને મત આપવા દેવો જોઈએ. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં આવતીકાલે રાજ્યસભાની 6 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. લગભગ બે દાયકા બાદ રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી યોજાઈ રહી છે. સામાન્ય રીતે અહીં છેલ્લા બે દાયકાથી બિનહરીફ ઉમેદવારો ચૂંટાતા હોય છે, પરંતુ આ વખતે બેઠક કરતાં વધુ ઉમેદવારો ઊભા રહેવાને કારણે ચૂંટણી યોજવી પડી છે.
રાજ્યસભાના ઉમેદવાર
શિવસેનાએ અહીંથી બે ઉમેદવારો- સંજય રાઉત અને સંજય પવારને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપે ત્રણ ઉમેદવારો ઉભા રાખ્યા છે. કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ, અનિલ બોંડે અને ધનંજય મહાડિક. આ સિવાય એનસીપીએ પ્રભુ પટેલ અને કોંગ્રેસે ઈમરાન પ્રતાપગઢીને ઉમેદવાર બનાવ્યા છે.
પક્ષની સ્થિતિ શું છે
મહારાષ્ટ્રમાં 6 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. એક સીટ માટે 42 વોટની જરૂર છે. સત્તાધારી મહારાષ્ટ્ર વિકાસ આઘાડી ગઠબંધન પાસે 151 મત છે. આ રીતે તે સરળતાથી ત્રણ બેઠકો જીતી શકે છે, પરંતુ ચોથી બેઠક પર ઉમેદવારને જીતાડવા માટે તેને 15 વધુ મતોની જરૂર પડશે. નાના પક્ષોને વિશ્વાસમાં લઈને શિવસેનાએ પણ ચોથો ઉમેદવાર ઉતાર્યો છે. બીજી તરફ ભાજપ પાસે 106 ધારાસભ્યો છે. જેથી સરળતાથી બે બેઠકો જીતી શકે છે, પરંતુ ત્રીજા ઉમેદવારને જીતવા માટે તેને 22 વધારાના મતોની જરૂર પડશે. જો કે તેણે પણ નાના પક્ષોની મદદથી પોતાનો ત્રીજો ઉમેદવાર પણ ઉતાર્યો છે.