Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મહિલા દ્વારા મહિલાઓ માટે વિકસાવાયેલું દેશનું પહેલું ઓટીટી પ્લેટફોર્મ

04:23 PM Apr 22, 2023 | Vipul Pandya

શું કોઇ મહિલા તેના પુત્રની સાથે બેસીને ઓટીટી પ્લેટફોર્મ માણી શકે ખરી , તો જવાબ હા છે. આજકાલના તમામ ઓટીટી પ્લેટફોર્મ પરિવાર સાથે બેસીને જોઇ શકે તેવા વિષયો વાળો હોતો નથી. ત્યારે અમદાવાદના મહિલા પત્રકાર જીજ્ઞા રાજગોર જોશીએ  આ અનોખો પ્રયોગ કર્યો છે અને એવું ઓટીટી પ્લેટફોર્મ વિકસાવ્યું છે જે તદ્દન ફ્રી છે અને મહિલા તેની રુચી મુજબની કોઇ પણ માહિતી આસાનીથી મેળવી શકે છે. આ ઓટીટી પ્લેટફોર્મનું નામ છે ઝાંસી ઓટીટી. 


મહિલાઓને પ્રેરણા પુરી પાડવાનો ઉદેશ્ય 
અમદાવાદના મહિલા પત્રકાર એન્કર જીજ્ઞા રાજગોર જોશીએ મહિલાઓ માટે ભારતનું પહેલું એવું ઓટીટી પ્લેટફોર્મ વિકસાવ્યું છે જેના દ્વારા મહિલા પોતાની આસપાસની મહિલાઓની પ્રેરણાત્મક સ્ટોરી સહિતની તમામ મુદ્દા અને વિષયો પરની માહિતી મેળવી શકે છે. જીજ્ઞા રાજગોર જોશી કહે છે,  તેઓ 2005માં પત્રકારત્વ સાથે જોડાયા હતા અને સમાચારની દુનિયામાં રચ્યા પચ્યાં રહ્યા પછી પણ તેમને એવું  લાગ્યું કે મહિલાઓને પ્રેરણા પૂરી પાડી શકે અને મહિલાઓને પ્લેટફોર્મ પૂરું પાડી શકે એવો કોઇ મંચ નથી અને તેમાંથી જન્મ થયો ‘ઝાંસી’ ઓટીટીનો. ‘ઝાંસી’ ઓટીટી પ્લેટફોર્મનો વિચાર આવ્યા બાદ તેમણે આ દિશામાં કામ કરવાનું શરુ કરી દીધું અને 2021ના માર્ચ માસમાં તેમણે ‘ઝાંસી’ ઓટીટી પ્લેટફોર્મની જાહેરાત પણ કરી હતી. જો કે ત્યારબાદ કોવિડની સિચ્યુએશન આવતા તેઓ ‘ઝાંસી’ ઓટીટીને મૂર્તિમંત કરી શકયા નહીં પણ તેમણે પોતાનું કામ ચાલું રાખ્યું. આખરે તેમણે ઓકટોબર, 2021માં ‘ઝાંસી’ ઓટીટીને લોંચ કરી ને મહિલાઓને નવું પ્લેટફોર્મ પૂરું પાડયું. 

મહિલાને તમામ વિષયો પર જાણકારી મળી શકે છે
‘ઝાંસી’ ઓટીટી મોબાઇલ એપ્લિકેશન રુપમાં તમામ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અને મહિલાઓ તેને તદ્દન ફ્રી ડાઉનલોડ કરી શકે છે. ‘ઝાંસી’ ઓટીટીમાં મહિલાઓ માટે તમામ વિષયો પર જાણકારી મળી રહે તેવો પ્રયાસ કરાયો છે. લાઇફ સ્ટાઇલ, હેલ્થકેર, ધાર્મીક સહિતના વિષયોની માહિતી ઉપરાંત મોટીવેશનલ સ્ટોરીઝ પણ ‘ઝાંસી’ ઓટીટી પ્લેટફોર્મ પર મળી શકે છે. ‘ઝાંસી’ ઓટીટી એપ્લીકેશન લોંચ થઇ ગઇ છે અને તેમાં હવે વિવિધ સેગમેન્ટમાં મહિલાઓને લગતી તમામ માહિતી અને સ્ટોરીઝ જોવા મળી શકે છે. જીજ્ઞા રાજગોર જોશી કહે છે, હજુ આ પ્રાઇમરી સ્ટેજ છે અને તેમાં આગામી સમયમાં ડોકયુમેન્ટરી અને શોર્ટ ફિલ્મ પણ સામેલ કરાશે. 


લોંચ થતાં જ મહિલાઓનો ભારે પ્રતિસાદ 
‘ઝાંસી’ ઓટીટી લોંચ થયાના પાંચ મહિનામાં જ મહિલાઓનો ભારે પ્રતિસાદ મળ્યો છે. ખાસ કરીને નવા જ પ્રકારના વિષયો અને યુનિક કોન્સેપ્ટ તથા સહેલાઇથી તે ઉપલબ્ધ હોવાથી મહિલાઓનો પ્રતિસાદ સારો મળ્યો છે. પાંચ માસમાં 2500 ડાઉનલોડ થઇ ચુકયા છે, જેમાં 1200 એક્ટીવ યુઝર્સ છે અને તે રોજે રોજ ‘ઝાંસી’ ઓટીટી એપ્લીકેશનનો પ્રયોગ કરી રહ્યા છે.  તમામ ઓટીટી પ્લેટફોર્મ સબસ્ક્રાઇબ કરવા પડે છે પણ ‘ઝાંસી’ ઓટીટી એપ્લીકેશનને તદ્દન ફ્રી ડાઉનલોડ કરી શકાય છે. ‘ઝાંસી’ એપ્લીકેશન આઇઓએસ અને એન્ડ્રોઇડમાં ઉપલબ્ધ છે અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. 

મહિલાઓની સેફ્ટીનું પણ ધ્યાન રખાયુ
એપ્લીકેશનમાં મહિલાઓની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમાં મહિલાઓની સેફ્ટીનું ફીચર પણ ઉમેરાયું છે જેમાં એપ્લીકેશન ડાઉનલોડ કર્યા બાદ મહિલાના નજકના પરિવારજનનો ફોન નંબર એડ કરવામાં આવે છે અને મહિલા જયારે મુશ્કેલીમાં હોય ત્યારે એપ્લીકેશન દ્વારા તુરત જ તેના સ્વજનને લોકેશન સાથે જાણ કરવામાં આવે છે. જીજ્ઞા રાજગોર જોશી કહે છે કે, તેમની સોશિયલ મિડીયા ટીમમાં હાલ 20 વ્યક્તિ કામ કરી રહ્યા છે અને તે પૈકી 10 વિવિધ શહેરો અને જીલ્લામાં કામ કરી રહ્યા છે. ખાસ કરીને ભવિષ્યમાં વધુ ડોકયુમેન્ટરી ફિલ્મ અને શોર્ટ ફિલ્મ તૈયાર કરવાની તેમને યોજના છે.  આ એપ્લીકેશનમાં મહિલા પોતાના પુત્રની સાથે બેસીને સ્ટોરી નિહાળી શકે છે. 


ભારતનું પહેલું મહિલાઓનું ઓટીટી પ્લેટફોર્મ 
જીજ્ઞા રાજગોર જોશીને ગર્વ છે કે તેમણે મહિલાઓ માટે દેશનું પ્રથમ ઓટીટી પ્લેટફોર્મ વિકસાવ્યું છે. ઉલ્લેખનીય છે કે અભિનેત્રી અનુષ્કા શર્માએ તાજેતરમાં જ મહિલા ઓટીટી પ્લેટફોર્મ લોંચ કરવાની જાહેરાત કરી હતી પણ ઝાંસી ઓટીટી પ્લેટફોર્મ છેલ્લા પાંચ માસથી મહિલાઓ માટે ઉપલબ્ધ છે.  એપ્લીકેશનમાં મહિલાઓને તમામ વિષયો પરની માહિતી અને પારિવારીક મનોરંજન મળી શકે છે. મહિલાઓ તેમના મનપસંદ સમયમાં એપ્લીકેશનનો ઉપયોગ કરી અન્ય મહિલાઓનો સંઘર્ષ તથા મોટીવેટ થઇ શકે તેવી માહિતી જાણી શકે છે. 

એનજીઓ વિકસાવવાની નેમ
જીજ્ઞા રાજગોર જોશીનું આયોજન છે કે તેમને ‘ઝાંસી’ ઓટીટી એપ્લીકેશનને માત્ર ઓટીટી પ્લેટફોર્મ ના રાખીને  એનજીઓ જેવું પ્લેટફોર્મ વિકસાવવું છે અને આ માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલાઓ પોતાના જેવી અન્ય મહિલાઓની પ્રેરણાત્મક માહિતી ઝાંસી ઓટીટી પ્લેટફોર્મ પર ત્વરીત મેળવી શકે છે.