Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

‘અખંડ ભારત’ ની તસવીર પર વિવાદ વધ્યો, જાણો એસ.જયશંકરે શું આપ્યો જવાબ

07:42 PM Jun 08, 2023 | Hardik Shah

નવા સંસદ ભવનને લઈને દેશમાં રાજકીય સંઘર્ષ તો ચાલી રહ્યો છે, પરંતુ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિવાદ શરૂ થઈ ગયો છે. કારણ એ છે કે બાંગ્લાદેશે પણ હવે નવા સંસદ ભવનમાં ‘અખંડ ભારત’ ની તસવીર સામે વાંધો ઉઠાવ્યો છે. જોકે, આ પહેલા પાકિસ્તાન અને નેપાળે પણ આ તસવીરને લઈને વાંધો વ્યક્ત કર્યો છે. નવા સંસદ ભવનમાં લગાવવામાં આવેલી ‘અખંડ ભારત’ની તસવીર પર પાડોશી દેશો દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો પર વિદેશ મંત્રી એસ જયશંકરે વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે ભારતીય સંસદમાં સ્થાપિત અખંડ ભારતની તસવીર અશોકના સામ્રાજ્યની હદ દર્શાવે છે.

પડોશી દેશોની નારાજગી ઓછી કરવા માટે ભારતે શું કહ્યું?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાંગ્લાદેશના વિદેશ રાજ્ય મંત્રી શહરયાર આલમે નવી દિલ્હીમાં તેમના હાઈ કમિશનને આ મામલે સ્પષ્ટતા માંગવાનો નિર્દેશ આપ્યો છે. જોકે, પડોશી દેશોની નારાજગી ઓછી કરવા માટે ભારતે કહ્યું છે કે આ આર્ટવર્ક અશોકના સામ્રાજ્યની હદ દર્શાવે છે. વિદેશ મંત્રી એસ જયશંકરે વધુમાં કહ્યું કે, આ કોઈ રાજકીય મુદ્દો નથી અને નેપાળ જેવા મિત્ર દેશોએ ભારતનો ખુલાસો સમજી લીધો છે, પરંતુ પાકિસ્તાન જેવા દેશ તેને સમજવાની ક્ષમતા ધરાવતા નથી. નેપાળ અને બાંગ્લાદેશ જેવા મૈત્રીપૂર્ણ પાડોશી દેશોમાં ઉઠાવવામાં આવતા મુદ્દા પરના પ્રશ્નના જવાબમાં મંત્રીએ આ વાત કહી હતી. તેના પરના વિવાદ વિશે પૂછવામાં આવતા જયશંકરે કહ્યું, “(વિદેશ મંત્રાલય) પ્રવક્તા (અરિંદમ બાગચી) પહેલેથી જ કહી ચૂક્યા છે કે નકશો અશોક સામ્રાજ્યના વિસ્તરણને દર્શાવે છે.”

નકશા પર બાંગ્લાદેશ, નેપાળ અને પાકિસ્તાને નારાજગી વ્યક્ત કરી

ગયા અઠવાડિયે ભારતની મુલાકાતે આવેલા નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ને પરત ફર્યા બાદ નકશા વિશે પૂછવામાં આવ્યું હતું. બુધવારે, પ્રચંડે નેશનલ એસેમ્બલીમાં જણાવ્યું હતું કે નકશો રાજકીય નથી અને તેણે તાજેતરમાં ખતમ થયેલી ભારતની મુલાકાત દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા, ભારતના વડાપ્રધાન મોદીએ દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. નવા સંસદ ભવનમાં એક તસવીર લગાવવામાં આવ્યું છે, જેને ‘અખંડ ભારત’નો નકશો કહેવામાં આવી રહ્યો છે. આ નકશા પર બાંગ્લાદેશ, નેપાળ અને પાકિસ્તાને નારાજગી વ્યક્ત કરી હતી. પાકિસ્તાને કહ્યું હતું કે ભારતની સંસદમાં આ નકશો જોઈને અમે આશ્ચર્યચકિત છીએ. ભારતનું આ પગલું વિસ્તરણવાદી વિચારસરણી દર્શાવે છે. વળી, બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે નવા સંસદભવનમાં સ્થાપિત આ નકશા અંગે ભારત પાસેથી સ્પષ્ટતા માંગી હતી. ‘અખંડ ભારત’ના નકશામાં લુમ્બિની સાથે ગૌતમ બુદ્ધનું જન્મસ્થળ તક્ષશિલા પણ બતાવવામાં આવ્યું છે. આ વોલ પેઈન્ટીંગમાં પ્રાચીન શહેરોના નામનો પણ ઉલ્લેખ છે. આ નકશામાં પુરુષપુર, સૌવીર અને ઉત્તરપ્રસ્થ પણ દર્શાવવામાં આવ્યા છે. હાલમાં તે પાકિસ્તાનના પેશાવર અને સિંધ અને બલૂચિસ્તાન પ્રાંત છે.

અખંડ ભારતનો ખ્યાલ

‘અખંડ ભારત’ એ એકીકૃત ભારતના ખ્યાલ માટે વપરાતો શબ્દ છે. એવો દાવો કરવામાં આવે છે કે વર્તમાન અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, માલદીવ્સ, મ્યાનમાર, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા એક સમયે ‘અખંડ ભારત’નો ભાગ હતા.

મૌર્યકાળનું અખંડ ભારત

ઈતિહાસકાર દિનેશ ચંદ્ર સરકારનું પુસ્તક ‘Study in the Geography of Ancient and Medieval India’ છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં ‘ભારતવર્ષ’ની સૌથી જૂની સંસ્કૃતિના નિશાન મળી આવ્યા છે. જોકે, પાછળથી અખંડ ભારત અનેક પ્રજાસત્તાકોમાં વિખેરાઈ ગયું હતું.

આ પણ વાંચો – પ્રિયંકા છોડી શકે છે યૂપીના પ્રભારીનું પદ ,MP,રાજસ્થાન અને છત્તીસગઢમાં મળી શકે છે જવાબદારી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ