Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જેમના કારણે રાહુલ ગાંધીએ બંગલો ખાલી કર્યો તે પૂર્ણેશ મોદીએ હજું પણ મંત્રીનો બંગલો ખાલી કર્યો નથી, કોંગ્રેસનો આક્ષેપ 

03:08 PM Apr 26, 2023 | Vipul Pandya
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી સરનેઇમ કેસ બાદ અદાલતે 2 વર્ષની સજા ફરમાવી હતી અને ત્યારબાદ રાહુલ ગાંધીએ લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હતું. સાંસદ ના રહેતા લોકસભા સચિવાલયે રાહુલને સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ આપતાં 24 એપ્રીલે રાહુલ ગાંધીએ બંગલો ખાલી પણ કરી દીધો હતો. જો કે જેમના કારણે રાહુલને બંગલો ખાલી કરવો પડ્યો તે ભાજપના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ હજું પણ પોતાનો સરકારી બંગલો ખાલી કર્યો નથી તેવો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે.
રાહુલ ગાંધીના વડવાઓએ ઐતિહાસિક “આનંદભવન” બંગલો દેશને સમર્પિત કરેલો છે
કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે કહ્યું કે  એકતરફ રાહુલ ગાંધીના વડવાઓએ ઐતિહાસિક “આનંદભવન” બંગલો દેશને સમર્પિત કરેલો છે જ્યારે ગુજરાતમાં પૂર્વ મંત્રીઓએ સરકારી બંગલા ખાલી નથી કર્યા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે જણાવ્યું હતું કે કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા થકી સેવા યજ્ઞ કરેલો હતો અને પ્રજાનું જે પ્રમાણે અભૂતપૂર્વ સમર્થન મળ્યું હતું યાત્રા બાદ  સંસદની અંદર પણ અદાણીજી અને મોદીજીના સંબંધો બાબતે પ્રશ્ન કરી રહ્યા હતા અને તેનો જવાબ આપવા માટે અસક્ષમ એવી ભારતીય જનતા પાર્ટીએ જ્યારે તેમને સાંસદ પદેથી નિષ્કાસિત કર્યા અને તુરંત જ તેઓ ૧૯ વર્ષથી જે બંગલામાં રહેતા હતા તે ખાલી કરવાની નોટિસ આપી. રાહુલ ગાંધીએ લાગણીશીલ હોવા છતાં હસ્તે મોઢે એમ કહીને બંગલા ની ચાવી અધિકારીઓને સોંપી દીધી કે આ “ઘર જોડે મારી યાદો જોડાયેલી છે આ ઘર મને ભારતની જનતાએ ૧૯ વર્ષ સુધી રહેવા આપ્યુ હતું અને હું જનતાને આજે તે પાછું સોંપી રહ્યો છું. આ એજ રાહુલ ગાંધી છે કે જેમના પૂર્વજ જવાલાલ નહેરુએ પોતાનો આનંદ ભવન બંગલો આઝાદીની લડાઈ માટે સમર્પિત કર્યો હતો. આજે રાહુલ ગાંધી પાસે દેશમાં પોતાનું એક પણ ઘર નથી પરંતુ ભારતના દેશવાસીઓ પોતાના ઘર રાહુલજીને આપવા માટે તત્પર છે. રાહુલજીએ ઈમાનદારી અને નૈતિકતાની સાચી દિશા પ્રસ્થાપિત કરી છે.
રાહુલ ગાંધી ઉપર કેસ કરનાર  ભાજપના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ હજી પણ  પોતાનો બંગલો ખાલી કર્યો નથી
તેમણે કહ્યું કે આજે ભારત દેશની અંદર અને ગુજરાતમાં જે પ્રમાણે તાનાશાહી સરકાર ચાલી રહી છે અને પ્રજાના પૈસે ઉત્સવ અને તાઇફા કરી રહી છે તેનું જીવતું જાગતું ઉદાહરણ એ ગુજરાતના મંત્રીઓના ગાંધીનગર સ્થિત રહેલા બંગલા છે. રાહુલ ગાંધી ઉપર કેસ કરનાર  ભાજપના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ હજી પણ  પોતાનો મંત્રીઓના નિવાસ સ્થાન સ્થિત પોતાનો મળેલો ગાંધીનગરમાં ગવર્નર હાઉસ સામે મોકાનો સરકારી બંગલો ખાલી નથી કર્યો. એજ પ્રમાણે પૂર્વ મંત્રી જીતુ ચૌધરી, કિરીટસિંહ રાણા, વિનું મોરડીયા એ પણ બંગલા ખાલી કર્યા નથી
મંત્રીઓના નામની હજું તકતીઓ પણ છે
હેમાંગ રાવલે કહ્યું કે ભૂતકાળમાં મુખ્યમંત્રીઓ પોતાના માટે એક નંબરનો બંગલો વાપરતા હતા પરંતુ મૃદુ ગણાતા ભુપેન્દ્રભાઈ પટેલ મક્કમતાથી બંગલા નંબર ૨૪,૨૫,૨૬,૨૭,૨૮નો ઉપયોગ લોકસેવા માટે કરી રહ્યા છે. પૂર્ણેશ મોદી અને જીતુભાઇ ચૌધરીના નામની તકતીઓ પણ અત્યારે તેઓએ બંગલા ખાલી નથીં કર્યા તેની ચાડી ખાઈ રહી છે.
નવા મંત્રીઓને સર્કિટ હાઉસમાં રહેવું પડે છે
તેમણે વધુ આરોપ લગાવતા કહ્યું કે  ભૂતકાળમાં વિજય રૂપાણી સરકારને હાંકી કઢાયા પછી પણ સરકારના પૂર્વ મંત્રીઓએ નીતિન પટેલ, ભપેન્દ્ર ચુડાસમા, સૌરભ પટેલ, ઈશ્વર પરમાર, ગણપત વસાવા, જયેશ રાદડીયા, પ્રદિપ જાડેજા, જયદ્રથ પરમાર, પરસોતમ સોલંકી,  ઈશ્વર પટેલ,  વાસણ આહીર, વિભાવરીબેન દવે, રમણલાલ પાટકર, ધર્મેન્દ્ર જાડેજા અને કુંવરજી બાવળિયાના બંગલા પાછા આપ્યા ન હતા. હાલના મંત્રીઓ જે છે તેમને બંગલો ના મળતા સર્કિટ હાઉસમાં રહેવા મજબૂર થવું પડે છે.
બંગલા ખાલી કરાવવા માગ
પ્રદેશ કોંગ્રેસે સરકાર સમક્ષ માગ કરી હતી કે જેટલા પણ મંત્રીઓ પૂર્વ છે અને નૈતિકતાથી તેમણે પોતાના બંગલા ખાલી નથી કર્યા, તેમના મકાન ખાલી કરાવવાની નોટિસ આપીને કાયદાકીય રીતે બંગલા ખાલી કરાવીને જનતાના રૂપિયાનો ખોટો વ્યય થતો  અટકાવીને કાયદેસરના પગલાં લઈને જનતાને મૃદુતા સાથે મક્કમતાનો વિશ્વાસ આપે.