+

વિદેશ પ્રવાસ પહેલા CM ભૂપેન્દ્ર પટેલ રામનગરી અયોધ્યામાં, રામ લલ્લાના કર્યા દર્શન

રાજ્યના CM ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ઉત્તર પ્રદેશમાં રામજન્મભૂમિ અયોધ્યા ખાતે પહોંચ્યા હતા. તેમણે હનુમાનગઢીમાં હનુમાનજીના દર્શન કર્યા બાદ રામલલ્લાનાં દર્શન કર્યા હતા. મહત્વનું છે કે આગામી જાન્યુઆરી 2024માં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા…

રાજ્યના CM ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ઉત્તર પ્રદેશમાં રામજન્મભૂમિ અયોધ્યા ખાતે પહોંચ્યા હતા. તેમણે હનુમાનગઢીમાં હનુમાનજીના દર્શન કર્યા બાદ રામલલ્લાનાં દર્શન કર્યા હતા. મહત્વનું છે કે આગામી જાન્યુઆરી 2024માં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાવાનો છે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં આયોજીત ભગવાન શ્રી રામચંદ્રજી મદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે અને આ સમારોહમાં પીએમ મોદી પણ જોડાવાના છે.

 

 

મહત્વનું છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળની સાથે હવે જાપાન અને સિંગાપોરના પ્રવાસે જવાના છે. તેના પહેલા તેઓ અયોધ્યા પહોંચ્યા હતા. રામનગરી અયોધ્યામાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સૌથી પહેલા હનુમાનગઢીના દર્શન કર્યા બાદ રામલલ્લાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ રામલલ્લાના ચરણોમાં શીશ ઝૂકાવીને આશીર્વાદ લીધા હતા. રામલલ્લાના દર્શન કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યાં મંદિર નિર્માણ પામી રહ્યું છે ત્યાં પહોંચ્યા હતા અને રામ મંદિરના નિર્માણનું નિરીક્ષણ કર્યું હતું.

 

રામ મંદિર નિર્માણનું નિરીક્ષણ કર્યા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ શાહનવાજપુર માઝામાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગુજરાત ભવનની જમીનનું નિરીક્ષણ કરવા રવાના થયા હતા. નવી અયોધ્યા ટાઉનશીપમાં ગુજરાતને 6,000 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ જમીન ગ્રીન ફિલ્ડ સિટી વિસ્તારમાં છે, જેને નવ્ય અયોધ્યા કહેવામાં આવે છે. લગભગ 18 એકર જમીન પર સ્થિત નવી અયોધ્યામાં ઘણા દેશો સહિત દેશનાં ઘણાં રાજ્યોએ તેમના ગેસ્ટહાઉસ ખોલવામાં રસ દર્શાવ્યો છે. અયોધ્યામાં ગુજરાતી મંદિરો અને ગુજરાતી ધર્મશાળાઓ છે. ગુજરાતમાંથી દર વર્ષે લગભગ 5 લાખ શ્રદ્ધાળુ અયોધ્યા પહોંચે છે. આપને જણાવી દઈએ કે, ગુજરાત ભવનની જમીનનું નિરીક્ષણ કર્યા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ સીધા મુંબઈ જવા રવાના થશે. મુંબઈ એરપોર્ટથી તેઓ જાપાન જવા માટે ઉડાન ભરશે.

 

વડાપ્રધાન મોદીની લીડરશિપમાં જાપાન અને ગુજરાત વચ્ચે ઉદ્યોગ-વ્યાપાર અને વાણિજ્ય સહિતના સાંસ્કૃતિક-આર્થિક સંબંધોનો સેતુ વધુ વિસ્તૃત ફલક પર વિકસિત કરવા અને ગુજરાત ઔદ્યોગિક તથા આર્થિક વિકાસની જે હરણફાળ ભરી રહ્યું છે એના સંદર્ભમાં જાપાનના ઉદ્યોગ-વાણિજ્યક્ષેત્રની ભાગીદારી વ્યાપક બનાવવાના ઉદ્દેશથી આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. જીઆઈડીસીના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગુપ્તાએ મુખ્યમંત્રીના જાપાન પ્રવાસ અંગેની વિસ્તૃત વિગતો આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્યના વિવિધ અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકો પણ આ પ્રવાસમાં સામેલ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ 26 નવેમ્બરના રોજ ટોકિયોમાં વસતા ગુજરાતી સમાજના લોકો સાથેની મુલાકાતથી તેમના જાપાન-સિંગાપોર પ્રવાસની શરૂઆત કરશે.

આ  પણ  વાંચો – મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદ પર આવેલા રંગપુર પોલીસ સ્ટેશનની દર્દભરી દાસ્તાન

 

 

Whatsapp share
facebook twitter