Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મેટ્રો પ્રોજેક્ટને લઈ શહેરીજનો પરેશાન, ટ્રાફિકની સમસ્યા ઉકેલવા તંત્ર જાગ્યું

10:52 AM Jan 24, 2024 | Harsh Bhatt

મેટ્રો પ્રોજેક્ટને કારણે લોકોમાં હાલાકી : મેટ્રો પ્રોજેક્ટને લઈ શહેરીજનો પરેશાન છે. ત્યારે બીજી બાજુ ટ્રાફિકની સમસ્યા ઉકેલવા કલેક્ટર તંત્ર જાગ્યું છે. અધિકારીઓ પાસે મેટ્રો પ્રોજેક્ટમાં હાલની પરિ્થિતિને લઈ સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓક દ્વારા રિપોર્ટ માંગવામાં આવ્યો છે આ સાથે જ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુદ્દે પણ ભારે વાહનોના પ્રવેશ અંગે કેટલાક સૂચનો કરી ફેર વિચારણા કરવા અધિકારીઓને તાકીદ કરાઈ છે.

હાલમાં સુરત શહેર જાણે મુંબઈ શહેરની જેમ ટ્રાફિક જામ અને અકસ્માતોને લઈ ઓળખાય રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. બીજી બાજુ શહેરીજનો માટે તૈયાર  થઈ રહેલી સુવિધા એટલે કે મેટ્રોની ચાલતી કામગીરીથી શહેરીજનો ભારે હેરાન થઈ રહ્યા છે. ઠેર ઠેર બેરિકેટને કારણે લોકો એ હાલાકી ભોગવવી પડી રહી હોવાની પણ બૂમ પડી રહી છે. આંખરે શહેરીજનોની ફરિયાદ અને મોટા વાહનોને પડતી તકલીફને ધ્યાને રાખી કલેક્ટરની જિલ્લા સંકલનની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા શહેરીજનોને પડતી તકલીફ અંગે  રજૂઆત કરવામાં આવી

કલેક્ટરમાં યોજાયેલી જિલ્લા સંકલનની બેઠકમાં સુરતના લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા શહેરીજનોને પડતી તકલીફ અંગે  રજૂઆત કરવામાં આવી છે. જેને પગલે જિલ્લા કલેક્ટરે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ફરી એક વાર અધિકારીઓને તાકીદ કરી છે.  તમામને ટીમ બનાવી સુરતના વિવિધ વિસ્તારોમાં સરવે કરી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે માટેનો સર્વે કરી રિપોર્ટ સબમિટ કરવા માટે આદેશ કરાયો છે.

ધારાસભ્ય સંગીતા પાટીલ

સુરત શહેરમાં 9 ઝોનમાં આવેલા વિવિધ જાહેર રસ્તાઓ પર હાલ મેટ્રોની કામગીરીને લઈ બેરિકેટ મુકાયા છે. જો કે મેટ્રોની કામગીરીમાં લાંબો સમય લાગે તેવી પરિસ્થિતિ લાગતા જ્યાં કામ શરૂ થવામાં સમય હોય ત્યાંથી બેરિકેટ હટાવી દેવા ધારાસભ્ય એ રજૂઆત કરતા કલેકટરે અધિકારીઓને સર્વે કરી સમગ્ર પરિસ્થિતિનો રિપોર્ટ કરવા આદેશ કર્યો છે.આ સાથે જ બેરિકેટને કારણે વાહન ચાલકો અટવાતા અકસ્માતની ઘટનામાં વધારો થયો હોવાનું પણ નકારી શકાય એમ નથી જે જોતા  ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે  જિલ્લા કલેકટર દ્વારા શહેર પોલીસને પણ સૂચન કર્યું છે,પોલીસના હાલના જાહેરનામામાં બદલાવ કરવા સૂચન કર્યું છે.

રીંગરોડ, અઠવાલાઈન્સ, ભેંસાણ સહિતના કેટલાક માર્ગો પર ટ્રાફિકની સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી છે.જેનું કારણ છે ભારે વાહનો અને વધતો ટ્રાફિક કારણ કે  શહેરમાં પ્રવેશતા ભારે વાહનોને કારણે ટ્રાફિકની સમસ્યા સાથે અકસ્માતોની ઘટના પણ વધી રહી છે. તદુપરાંત ભારે વાહનો શહેરમાં રસ્તાના કિનારે પણ પાર્ક કરીને પડયાં રહે છે. તેવું પણ જિલ્લા કલેકટરના ધ્યાને આવતા અધિકારી ઓને ટીમ બનાવી વહેલી તકે સર્વે કરી રિપોર્ટ આપવા આદેશ કરાયો છે.

અહેવાલ – રાબીયા સાલેહ 

આ પણ વાંચો — આજે પ્રથમ વખત ગુજરાત વિધાનસભા ગૃહનું સંચાલન કરશે દિકરીઓ