Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માને મંત્રીઓને વિભાગની ફાળવણી કરી, જાણો કોને શું મળ્યું?

08:16 PM Apr 22, 2023 | Vipul Pandya

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પોતાના મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરી છે. ભગવંત માને પોતના મંત્રી મંડળની અંદર દસ મંત્રીઓનો સમાવેશ કર્યો છે. ભગવંત માને ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખવાનો નિર્ણય કર્યો છે. તો હરપાલ ચીમાને પંજાબના નાણામંત્રી બનાવવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ એવું શિક્ષણ મંત્રાલય ગુરમીત સિંહ મીત હાયરને આપવામાં આવ્યું છે. વિજય સિંઘલાને સ્વાસ્થ્ય મંત્રાલય મળ્યું છે. જ્યારે હરજોત બેન્સ કાયદા અને પર્યટન મંત્રી હશે. 

આ સિવાય ડૉ. બલજીત કૌર સામાજિક સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ મંત્રી હશે, જ્યારે વીજળી મંત્રાલય હરભજન સિંહ ઇટીઓને સોંપવામાં  આવ્યું છે. ખાદ્ય અને પુરવઠા વિભાગની જવાબદારી લાલચંદ પાસે  રહેશે તથા ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજનો વિભાગ કુલદીપ સિંહ ધાલીવાલને આપવામાં આવ્યો છે. તો લાલજીત સિંહ ભુલ્લરને પરિવહન મંત્રાલય જ્યારે બ્રહ્મશંકર ઝિમ્પાને પાણી તેમજ ઇમરજન્સી વિભાગના મંત્રી બનાવાયા છે.
નાનું મંત્રી મંડળ
પંજાબમાં મુખ્યમંત્રી સહિત 18 સભ્યોને કેબિનેટમાં સામેલ કરી શકાય છે. જો કે ભગવંત માને તેમની કેબિનેટમાં માત્ર 10 મંત્રીઓનો સમાવેશ કર્યો છે. હાલ પુરતું પંજાબનું મંત્રી મંડળ નાનું રાખવામાં આવ્યું છે. જો કે ધારાસભ્યો સાથેની બેઠક દરમિયાન આપના વડા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે હજુ વધારે મંત્રીઓ બનાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ભગવંત માને રવિવારે તેમના ધારાસભ્યો સાથે પાર્ટીની બેઠકમાં ભાગ લીધો હતો. તે પહેલા ભગવંત માન રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં 25,000 ખાલી જગ્યાઓ ભરવાની મંજૂરી આપી ચૂક્યા છે. એક વીડિયો સંદેશમાં તેમણે આ વાતની જાહેરાત કરી હતી. પંજાબના મુખ્યમંત્રીએ આ વિશે જાહેરાત કરતા કહ્યું હતું કે, ‘આ વખતે નોકરીઓમાં કોઈ ભેદભાવ નહીં હોય, કોઈ ભલામણ અથવા તો લાંચ નહીં હોય’.
પંજાબમાં વિધાનસભાની સ્થિતિ (કુલ બેઠકો 117)
આમ આદમી પાર્ટી 92
કોંગ્રેસ 18
SAD 3
ભાજપ 2
બસપા 1
અન્ય 1