+

Chhotaudepur Haat: સુપ્રસિદ્ધ ભંગારીયા હાટની શરૂઆત છોટાઉદેપુર જિલ્લામાં થઈ

Chhotaudepur Haat: છોટાઉદેપુર જિલ્લો મોટા ભાગે આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. હોળીની અગાઉ એક સપ્તાહ પહેલા આ વિસ્તારમાં ભંગોરીયા હાટની શરૂઆત થઈ જતી હોય છે. જેને લઇ આવતીકાલે 18 માર્ચથી…

Chhotaudepur Haat: છોટાઉદેપુર જિલ્લો મોટા ભાગે આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. હોળીની અગાઉ એક સપ્તાહ પહેલા આ વિસ્તારમાં ભંગોરીયા હાટની શરૂઆત થઈ જતી હોય છે. જેને લઇ આવતીકાલે 18 માર્ચથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશના ગુજરાત સરહદી વિસ્તારોમાં ભરાતા ખ્યાતનામ ભંગોરીયા હાટ નો પ્રારંભ થશે.

છોટાઉદેપુર જિલ્લા નાં આદિવાસી સમાજ નાં વાલસિંગભાઇ રાઠવા જણાવે છે કે ભંગોરીયા હાટમાં ખાસ કરીને જુવાનિયાઓ પહેરવા માટે એક જ ડિઝાઈને તૈયાર કરવામાં આવેલા કપડાં ઉપરાંત આદિવાસી યુવતી ઓ એકજ ડિઝાઇનર કપડાં ઉપરાંત પારંપારિક આભૂષણો જેવા કે ચાંદીના હાર, ચાંદીની હાંહડી,ચાંદીના કલ્લાં ( કડીવાળાં અને મૂંડળીયા, એમ બે પ્રકારના) ચાંદીના કડાં, ચાંદીના આંમળીયા, ચાંદીના પાંચીયા, ચાંદીના બાહટીયાં, ચાંદીની હાંકળી(સાંકળી), ચાંદીના કહળા (કંદોરા), કેડ ઝૂડો, ચાંદીના લોળીયા, ચાંદીના વિટલા, ચાંદીની ફાંસી વગેરે ખાસ કરીને ચાંદીના જ આભૂષણો નો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. જ્યારે આદિવાસી યુવાનો ચાંદીના ભોરીયાં, ચાંદીના કડાં ચાંદીના કાંટલા (બટન) ,ચાંદીની કિકરી, કહળો (કંદોરા) વગેરે આભૂષણો થી સજ્જ થઈ ને ભંગોરીયા હાટ ની મજા માણવા ઉમટી પડે છે.

એક જ સરખો પહેરવેશ જે તે ગામની આગવી ઓળખ બને છે

એક જ ડિઝાઇનના પહેરવેશમાં સજ્જ પોતાના ગામ કે પોતાના ફળીયાની એક પ્રકારની એકતા અને વિશેષતા બતાવવાનો પ્રયાસ કરાતો હોય છે. એક જ ડિઝાઇનર કે એક જ રંગના કપડાં પહેરવા માટેનો હેતુ એ પણ રહેલો છે કે ભંગોરીયા હાટની એટલી મોટી ભીડમાં પોતાનો સાથી કે પોતાની સહેલી ક્યાંક અટવાઈ કે ભૂલા ન પડે અને ક્યાંક ભૂલા પડી ગયા હોય ત્યારે સરળતાથી મળી જાય.

Chhotaudepur Haat

ભંગોરીયા હાટમાં આદિવાસી ઓ પોતાના પરંપરાગત આદિવાસી પહેરવેશમાં સજ્જ થઇ પોતાની આગવી ઓળખ અને પોતાની બેનમૂન આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતાં હોય છે. અહીંનાં આદિવાસીઓ ભંગોરીયાને ભોંગર્યા હાટ તરીકે પણ ઓળખતા હોય છે. હાટમાં હોળીની ખરીદી ઉપરાંત મોટલા ઢોલ અને વાંહળીઓ ખડખળીસ્યા તેમજ તેમની ઓળખ સમા તીરકાંમઠા અને ધારીયાં-પાળીયાં સાથે ગામેગામથી પ્રાચીન સમયથી ગવાતાં ગીતો ગાતા ગાતા આકર્ષક પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને ઉમટી પડતા હોય છે. જ્યાં એકમેક બની નાચગાન કરી ખુબ આનંદ લૂટતા હોય છે. આમ ભંગોરીયા હાટએ પૂરા વર્ષ દરમ્યાન પોતાના કામમાં વ્યસ્ત બની રહેતા અહીંના આદિવાસી લોકો માટે હળવાશ અનુભવી આનંદ ઉત્સાહ મનાવવા માટેનુ સ્ટેજ છે.

હોળીની ખરીદીનો અવસર બને છે ભંગોરીયા હાટ

ભંગોરીયાએ હોળી અગાઉના સપ્તાહે પારંપરિક રીતે ભરાતો વિશેષ સાપ્તાહિક હાટ જ છે. જેમાં અહીંનાં આદિવાસી ઓ હોળીનાં તહેવાર માટેની જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા ઉમટી પડતાં હોય છે. સાથે આદિવાસી વસ્ત્રો તથા આભૂષણો પહેરીને, આદિવાસી વાજિંત્રો વાંસળી, મોટલા ઢોલ, દદુડી, ખળખળશીયા નાં તાલે મનમુકીને નાચી કુદીને ભંગોરીયા હાટનો આનંદ માણતા હોય છે.

પ્રેમી પંખીડા ને ભાગી જવા માટે નો શ્રેષ્ઠ અવસર ભંગોરીયા હાટ જેવી વાત તથ્ય વિહોણી

નિવૃત્ત સંયુક્ત માહિતી નિયામક ભાવસિંહ રાઠવા જણાવે છે કે, ભંગોરીયા હાટમાં છોકરા છોકરીઓનાં મન મળે અને એક બીજાને ગમતું પાત્ર મળ્યે. છોકરીને ભગાડી જવા સાથે જોડાયેલી વાતો કરનારા અને લખનારા ઓની કોરી કલ્પના અને ભંગોરીયા હાટ તેમજ આદિવાસી સમુદાયને બદનામ કરવા જેવી વાત છે. આદિવાસી સમુદાયમાં છોકરા કે છોકરીનું લગ્નની ઉંમર થતાં માંગુ નાખવાથી લઇને લગ્ન સંબંધ નક્કી કરવા તેમજ પારંપરિક રીત રિવાજો પ્રમાણે છોકરા છોકરીઓને પરણાવવા જેવી ખુબ સામાજિક બંધારણ મુજબની સુંદર સામાજિક અને સાંસ્કૃતિક વ્યવસ્થા છે. ભંગોરીયા હાટ કે હોળી બાદ ભરાતા મેળાઓએ પરંપરાગત વસ્ત્રો અને આભૂષણોથી સજ્જ થઇ છે. પારંપરિક આદિવાસી વાજિંત્રોનાં તાલે મહાલવાની તેમજ એક પ્રાચીન આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા માટેનો એક ભાગ છે.

Chhotaudepur Haat

મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ગુજરાત સરહદી વિસ્તારોમાં વસતા આદિવાસીઓ એક જ સમુદાયના આદિવાસીઓ છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસીઓ ખાસ કરીને રાઠવા આદિવાસીઓ તરીકેની ઓળખ ધરાવે છે. જ્યારે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના આદિવાસીઓ ખાસ કરીને ભિલાલા આદિવાસી તરીકેની ઓળખ ધરાવે છે. આમ મધ્યપ્રદેશ અને ગુજરાત સરહદી ગામોમાં વસતા આદિવાસીઓ એક જ સમુદાયમાંથી આવતા હોય જેથી તેઓની સંસ્કૃતિ પરંપરાઓ રિત-રિવાજ અને રહેણી કરણી ભાષા બોલી પણ સમાન જોવા મળે છે. છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ ગુજરાત સરહદી વિસ્તારોના આદિવાસીઓનો રોટી-બેટીનો વ્યવહાર પણ પ્રાચીન સમયથી ચાલતો આવે છે. ભંગોરીયા હાટમાં મધ્યપ્રદેશના આદિવાસી લોકો ગુજરાતમાં પણ આવતા હોય છે. તેજ પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓની ટુકડીઓ મધ્યપ્રદેશ ના ભંગોરીયા હાટમાં પણ ઉમટી પડતી હોય છે.

આવતીકાલે 18 માર્ચથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશના ગુજરાત સરહદી વિસ્તારોમાં ભરાતા ખ્યાતનામ ભંગોરીયા હાટ નીચે પ્રમાણે છે

  • સોમવાર- છોટાઉદેપુર જિલ્લાના કવાંટ, મધ્યપ્રદેશના અલીરાજપુર,ભાભરા,બડાગુડા
  • મંગળવાર- સાગટાળા, મધ્યપ્રદેશના વખતગઢ, આંબુઆ
  • બુધવાર- છોટાઉદેપુરનાં રંગપુર, મધ્યપ્રદેશના ચાંદપુર,બરઝર, ખટ્ટાલી,બોરી
  • ગુરુવાર- છોટાઉદેપુરનાં દેવહાટ,ભીખાપુરા, મધ્યપ્રદેશના ફૂનમાલ, સોઢવા,જોબટ
  • શુક્રવાર-છોટાઉદેપુરનાં ઝોઝ, મધ્યપ્રદેશના કઠ્ઠીવાડા, વાલપુર, ઉદયગઢ
  • શનિવાર- છોટાઉદેપુર, મધ્યપ્રદેશના નાનપુર, ઉમરાલી
  • રવિવાર- છોટાઉદેપુરનાં પાનવડ મધ્યપ્રદેશના છકતલા,સોરવા,આમખૂટ,ઝિરણ,કનવાડા,કુલવટ

અહીં આદિવાસીઓ હાટમાં ખરીદી ઉપરાંત ખેતી કામમાં વ્યસ્તતામાંથી હળવાશ અનુભવી એકબીજાની ખબર અંતર પુછતા જોવા મળતા હોય છે. છોટાઉદેપુર અને ગુજરાત સરહદી મધ્યપ્રદેશ વિસ્તારોનાં આદિવાસીઓ એક જ સમુદાયના આદિવાસી ગણાય છે. પરંતુ છોટાઉદેપુરમાં વસતા આદિવાસીઓ રાઠવા આદિવાસી તરીકે ઓળખાય છે. જ્યારે ગુજરાત સરહદી મધ્યપ્રદેશ વિસ્તારોનાં આદિવાસીઓ ભીલાલા. આમ છોટાઉદેપુર જિલ્લામાં તેમજ ગુજરાત સરહદી મધ્યપ્રદેશ રાજ્યના સરહદી વિસ્તારોમાં હોળી અગાઉ અહીંના આદિવાસીઓ પોતાની અનોખી અને અતિ પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરા ઓ ઉજાગર કરતા હોય છે. આમ પરંપરાગત રીતે યોજાતા ભંગોરીયા હાટ નુ આ વિસ્તારના આદિવાસી ઓ માં અનેરુ મહત્વ રહેલું છે.

અહેવાલ તૌફિક શૈખ

આ પણ વાંચો: Mansukh Vasava : ‘ચૈતર વસાવાથી કોઈ ફેર પાડવાનો નથી…’ સાંસદ મનસુખ વસાવાના આકરા પ્રહાર!

આ પણ વાંચો: Palanpur Temple: પાલનપુરમાં વિશ્વ ઉમિયાધામનું મહાસંમેલન, 10,000થી વધુનું માનવ મહેરામણ ઉમટ્યું

આ પણ વાંચો: Radhanpur Congress : લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનાં ગઢમાં મોટું ગાબડું!

Whatsapp share
facebook twitter