Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

CEC- EC નિમણૂકો સંબંધિત બિલને સંસદની મળી મંજૂરી

05:55 PM Dec 21, 2023 | Hiren Dave

લોકસભાએ ગુરુવારે ટૂંકી ચર્ચા બાદ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત બિલ પસાર કર્યું હતું. રાજ્યસભાએ પહેલાથી જ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો (નિમણૂક, સેવાની શરતો અને કાર્યકાળ) બિલ, 2023ને મંજૂરી આપી દીધી છે. આ સાથે બિલને સંસદની મંજૂરી મળી ગઈ છે.

 

રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ બનશે કાયદો

રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ આ બિલ કાયદાનું સ્વરૂપ લેશે. લોકસભામાં બિલ પર ચર્ચા દરમિયાન, કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે વિપક્ષના આરોપોને ફગાવી દીધા હતા કે આ બિલ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત સુપ્રીમ કોર્ટના નિર્ણયને બાયપાસ કરવા માટે લાવવામાં આવ્યું છે.

 

સુપ્રિમ કોર્ટની વિરુદ્ધ નથી: અર્જુન રામ મેઘવાલ

અર્જુનરામ મેઘવાલે કહ્યું કે અમે જે લાવ્યા છીએ તે સુપ્રીમ કોર્ટની વિરુદ્ધ નથી. તેને સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર જ લવાયું છે. આ કલમ 324(2) હેઠળ સૂચિબદ્ધ જોગવાઈઓ મુજબ છે. મેઘવાલે કહ્યું કે સુપ્રીમ કોર્ટે માર્ચમાં ચુકાદો આપ્યો હતો કે જ્યાં સુધી સંસદ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગે કાયદો બનાવે નહીં ત્યાં સુધી વડા પ્રધાનની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિ તેમની પસંદગી કરશે. તેમણે કહ્યું કે 1991માં એક કાયદો બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂકનો કોઈ ઉલ્લેખ નથી.

સીઈસીની નિમણૂક એક્ઝિક્યુટિવની બાબત છે – મેઘવાલ

લોકસભામાં ચર્ચા દરમિયાન એક સભ્યએ પીએમ મોદીને ‘સર્ચ કમિટિ’માં સામેલ ન કરવાની વાત કરી. તેના પર કાયદા મંત્રીએ કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કાર્યપાલિકાની બાબત છે અને આવી સ્થિતિમાં વડાપ્રધાનનું ગેરહાજર રહેવું યોગ્ય નથી. તેમણે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના આરોપોનું ખંડન કર્યું, જેમાં ઓવૈસીએ કહ્યું હતું કે પીએમ મોદી બાબા સાહેબ ભીવ રાવ આંબેડકરમાં વિશ્વાસ નથી કરતા. મેઘવાલે કહ્યું કે આજ સુધી અન્ય કોઈ વડાપ્રધાને આંબેડકરનું પીએમ મોદી જેટલું સન્માન કર્યું નથી.

આ પણ વાંચો -રાહુલ ગાંધીને તેમનું નિવેદન ફરી ભારે પડ્યું, હાઇકોર્ટે આપ્યો આ આદેશ