Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IND vs SA: કેપ્ટન સૂર્યાની તોફાની બેટિંગ, કુલદીપ યાદવની ઘાતક બોલિંગ સામે SAની ટીમ ઢેર, સીરિઝ 1-1થી ડ્રો

10:41 AM Dec 15, 2023 | Vipul Sen

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની ટી20 સીરિઝની અંતિમ મેચ ગઈકાલે જોહાનિસબર્ગના ન્યૂ વાન્ડરર્સ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને 106 રનના વિશાળ અંતરથી હરાવીને સીરિઝને 1-1થી બરાબર કરી હતી.

સીરિઝની પહેલી મેચ વરસાદના કારણે રદ થઈ હતી, જ્યારે બીજી મેચમાં સાઉથ આફ્રિકાનો વિજય થયો હતો. ટીમ ઇન્ડિયાને સીરિઝમાં હારથી બચવા માટે ગઈકાલની અંતિમ મેચ જીતવી ખૂબ જ જરૂરી હતી. અંતિમ ટી20 મેચમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે તોફાની બેટિંગ કરી 56 બોલમાં સદી ફટકારી હતી. જ્યારે ભારતીય બોલર કુલદીપ યાદવે ઘાતક બોલિંગ કરી 2.5 ઓવરમાં માત્ર 17 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. આ મેચમાં ટૉસ જીતીને સાઉથ આફ્રિકાએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને શુભમન ગિલ (8) અને તિલક વર્મા (0) જલ્દી પેવેલિયન ભેગા થયા હતા.

યશસ્વીએ અડધી સદી, કેપ્ટન સૂર્યાએ સદી ફટકારી

ત્યાર બાદ ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન સૂર્ય કુમાર યાદવ વચ્ચે શાનદાર ભાગેદારી થઈ હતી. યથસ્વી જયસ્વાલે અડધી સદી ફડકારી હતી, તેણે 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 41 બોલમાં 60 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન સૂર્યાએ તોફાની બેટિંગ કરીને માત્ર 56 બોલમાં સદી ફટકારી હતી. સૂર્યાએ તેની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યા 100 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ રિંકુ સિંહે 14, જિતેશ શર્મા 4, રવિન્દ્ર જાડેજા 4, અર્શદીપ સિંહ 0* અને સિરાજ 2* રન બનાવ્યા હતા. આ ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા.

કુલદીપ યાદવ સામે SA બેટ્સમેન ઢેર થયા

સાઉથ આફ્રિકા માટે મહારાજાએ 2, વિલિયમ્સ 2, શમ્સી અને નંદ્રે બર્ગર 1-1 વિકેટ લીધી હતી. ભારતીય બોલિંગની વાત કરી કુલદીપ યાદવે તેના જન્મદિવસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 2.5 ઓવરમાં માત્ર 17 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. આ 5 વિકેટની મદદથી ભારતીય ટીમ યજમાન ટીમને 95 રન સુધી રોકવામાં કામયાબ રહી હતી. રવિન્દ્ર જાડેજા એ પણ 3 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે મુકેશ કુમાર અને અર્શદીપ સિંહે 1-1 વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકા માટે સૌથી વધુ રન ડેવિડ મિલર (35) અને એઇડન માર્કરામએ (25) બનાવ્યા હતા.

આ પણ વાંચો – IPL 2024: કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ શ્રેયસ ઐયરને મળી, નીતિશ રાણાને મળી આ જવાબદારી…