Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભરૂચમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ, આગમાં દાઝી જવાથી 6 કર્મચારીઓના મોત

06:06 PM Apr 22, 2023 | Vipul Pandya

રાજ્યના ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. 
ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં વર્ષ 2022ની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટના રવિવારે મધરાતે દહેજમાં ઘટી છે. દહેજ ફેઝ 3 માં આવેલી ઓમ ઓર્ગેનિક કંપનીમાં ડીસ્ટીલેશન સ્પેન્ટ સોલ્વન્ટ રીકવર કરતી વેળા પ્રચંડ ધડાકા સાથે વિકરાળ આગ ફાટી નીકળતા 6 કામદારોના મૃત્યુ થયા છે. ભરૂચ જિલ્લામાં આકરી ગરમી વચ્ચે ઉનાળો જિલ્લાવાસીઓ સાથે ઔદ્યોગિક વસાહતોમાં આવેલી કંપનીમાં કામ કરતા કામદારો માટે પણ જોખમી પુરવાર થતો હોય છે. આકરી ગરમીમાં ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટનું પ્રમાણ જોખમી કેમિકલ્સના લીધે વધી જાય છે. વર્ષ 2022ની મોટી ઔદ્યોગિક હોનારત દહેજ ઔદ્યોગિક વસાહતમાં સર્જાઈ છે. રવિવારે મોડી રાત્રે ભરૂચના દહેજમાં આવેલી ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી, તે દરમિયાન જ બ્લાસ્ટ થતા આગ લાગી હતી.
આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બનાવને પગેલે ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યો હતો. જોકે, આગ એટલી વિકરાળ હતી કે, 6 લોકોના દાઝી જવાથી મોત નિપજ્યાં છે. જ્યારે એક કામદારનો હજી સુધી કોઇ પત્તો ન મળતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે દુઃખની લાગણી જોવા મળી છે. આગ એટલી વિકરાળ હતી કે, કંપનીમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઇ ગયો છે. ઘટનાને પગલે હેલ્થ વિભાગ તેમજ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ કંપનીમાં ફાયર સેફ્ટીને લઇને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 
ઓમ ઓર્ગેનિક દહેજ ફેઝ 3 માં આવેલા પ્લાન્ટનું દોઢ વર્ષ પહેલાં જ વિસ્તરણ થયું હતું. જેમાં 74 જેટલા કામદારો ફરજ બજાવે છે. કંપની સેન્ટથીક ઓર્ગેનિક કેમિકલ્સથી API અને ઇન્ટરમીડિયેટ બનાવે છે. જેમાં ડીસ્ટીલેશન સ્પેન્ટ સોલ્વન્ટનો મૂળ ઉપયોગ રહેલો છે. મહિને 500 મેટ્રીક ટન સ્પેન્ટ સોલ્વન્ટ રીકવર કરવામાં આવે છે. રવિવારે મધરાતે પણ સોલ્વન્ટ સ્પેન્ટ રીકવર કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે પ્રચંડ ધડાકા સાથે વિકરાળ આગ ફાટી નીકળતા મેજર ફાયરનો કોલ અપાતા દહેજ સહિતની આસપાસની જીઆઇડીસીના ફાયર ફાઈટરોના સાયરનો ગુંજી ઉઠવા સાથે અફરરફરી મચી ગઇ હતી. ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, GPCB, ફેકટરી ઇન્સ્પેકટર અને પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. 
મેજર બ્લાસ્ટ સાથે ફાયરથી આસપાસની કંપનીઓને પણ તેની તીવ્રતા અનુભવાઇ હતી. અને આગની વિકરાળ જ્વાળાઓ દહેજમાં દૂર દૂર સુધી આકાશમાં દેખાઈ હતી. રોજીરોટી માટે વતનથી કિલોમીટર દૂર આવનારા આ કામદારો જોખમી સોલ્વન્ટ વચ્ચે ફરજ બજાવતા હતા. ડીસ્ટીલેશન સ્પેન્ટ સોલ્વન્ટની પ્રક્રિયા દરમિયાન સર્જાયેલી હોનારતમાં આ 6 કામદારોને પોતાનો જીવ બચાવવા ક્ષણ ભરનો સમય પણ મળ્યો ન હતો. મધરાતની ઘટનામાં સોમવારે સવારે આગ અને ધડાકામાં બળીને ખાખ થઈ ગયેલા પ્લાન્ટમાંથી એક બાદ એક હતભાગી કામદારોના મૃતદેહ બળી ગયેલી હાલતમાં મળી આવ્યા હતા. જેઓને ભરૂચ સિવિલમાં ખસેડાયા હતા. દહેજ પોલીસે ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ઘટનાની જાણ વાયુ વેગે પ્રસરતા કામદારોના સ્વજનો ફફડતા હૈયે ભરૂચ સિવિલ પર પહોંચ્યા હતા. જ્યારે અન્ય પ્રાંતના કેટલાક કામદારોના પરિજનો વતન રહેતા હોય હજી તેઓ આવી શક્યા નથી.