+

BJP LIST : ગુજરાતની બાકી બેઠકો માટે ગમે તે ઘડીએ જાહેર થશે યાદી

ગુજરાત ભાજપ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ પાસે બીજી યાદી અંગે મહત્વના સમાચાર આવ્યા છે. આગામી લોકસભા ચૂંટણી અંગે ભાજપ વધુ 11 બેઠકો…

ગુજરાત ભાજપ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ પાસે બીજી યાદી અંગે મહત્વના સમાચાર આવ્યા છે. આગામી લોકસભા ચૂંટણી અંગે ભાજપ વધુ 11 બેઠકો માટે ગમે ત્યારે જાહેર યાદી જાહેર કરી શકે છે. પરંતુ હાલ બાકીની કઈ બેઠક પર કોનું નામ સામે આવશે તે અંગે મહત્વના અપડેટ સામે આવ્યા છે.

અમદાવાદ પૂર્વ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરત, મહેસાણા, વડોદરા, વલસાડ, છોટાઉદેપુર અને સાબરકાંઠા બેઠક માટે મહત્વનું અપડેટ હાલ સામે આવ્યું છે. ચાલો જાણીએ શું છે સમગ્ર સમાચાર..

અમદાવાદ પૂર્વ બેઠક માટે પૂર્વ ગૃહમંત્રી પણ છે મેદાને

સૌ પ્રથમ આપણે અમદાવાદ વિષે વાત કરીએ તો અમદાવાદ પૂર્વ માટે 20 થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી હતી. નોંધનીય છે કે, આ અમદાવાદ પૂર્વ બેઠક માટે 2 પૂર્વ ગૃહમંત્રી પણ મેદાને છે. આ બેઠકમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ગોરધન ઝડફિયાએ બને એ પોતાના સમર્થકોના માધ્યયમથી દાવેદારી નોંધાવી છે. વધુમાં અમદાવાદની આ બેઠક ઉપરથી કામિનીબા રાઠોડ અને નિર્મલાબેન વાધવાણીએ પણ પોતાની દાવેદારી નોંધાવી છે. વધુમાં વાત કરીએ તો આ બેઠકમાં દાવેદારની રેસમાં ભૂષણ ભટ્ટ, અમિત શાહ અને સંજય પટેલ પણ શામેલ છે.

ભાવનગર લોકસભા બેઠક પર હીરા સોલંકી મજબૂત દાવેદાર

ભાવનગર લોકસભા બેઠક પર જોરદાર હલચલ હાલ ચાલી રહેલી છે. ભાવનગર લોકસભા બેઠક પર હીરા સોલંકી મજબૂત દાવેદાર તરીકે હાલ સામે આવી રહ્યા છે. પરંતુ વધુમાં પ્રાપ્ત અહેવાલ અનુસાર અંબરીશ ડેર માટે હીરાભાઈ સોલંકી રાજુલા બેઠક ખાલી કરી શકે છે. આ બેઠક ઉપરથી પુરષોત્તમ સોલંકીના પુત્રી દીપા સોલંકી પણ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. વધુમાં વાત કરીએ તો આ બેઠક ઉપરથી મહેન્દ્રસિંહ સરવૈયા, નિમુબેન બાભણીયા, ભાવનાબેન મકવાણા, ર્તમાન સંસદ ભારતીબેન શિયાળના નામની પણ ચર્ચા થઈ રહી છે.

સુરત લોકસભા બેઠક પર ભાજપમાં 6 જેટલા દાવેદારો

ડાયમંડ સિટી સુરતની લોકસભા બેઠકના હાલ પણ અલગ છે. સુરતની લોકસભા બેઠક પર ભાજપમાં 6 જેટલા દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. આ રેસમાં વર્તમાન સંસદ દર્શનાબેન જરદોશ, હેમાલી બોઘાવાલા, નીતિન ભજીયાવાલા, મુકેશ દલાલ, ધીરુભાઈ ગજેરા, રણજિત ગિલિટવાલા અને પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલ પણ મેદાને આવ્યા છે.

મહેસાણા બેઠક પરથી નીતિન પટેલે દાવેદારી પરત ખેંચી

રાજનીતિના એપિસેન્ટર એવા મહેસાણા બેઠકમાંથી પણ મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે. જેમાં સૌથી મોટા કોઈ સમાચાર કોઈ હોય તો એ છે કે  મહેસાણા બેઠક પરથી નીતિન પટેલે પોતાની દાવેદારી પરત ખેંચી છે. બીજું લિસ્ટ જાહેર થયા પહેલા નીતિન પટેલે પોતાનો નિર્ણય બદલ્યો છે. નીતિન પટેલે પોતાની દાવેદારી પાછી ખેંચી લેતા હવે આ બેઠક ઉપર માહોલ ગરમાયો છે. હવે બેઠક ઉપરથી પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ, પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. વધુમાં ઊંઝા APMCના ચેરમેન દિનેશ પટેલ, જયશ્રીબેન પટેલ, કે.સી.પટેલ, એમ.એસ.પટેલ, જુગલજી લોખંડવાલા, રમણલાલ પટેલ, તૃષા પટેલ પણ આ બેઠક ઉપરથી ભાજપનું પ્રતિનિધિત્વ કરવાની રેસમાં છે.

જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપમાં જોરદાર અસમંજસ

જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપમાં જોરદાર અસમંજસ ચાલી રહી છે. એક જૂથ વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાની ટિકિટ કાપવાના મૂડમાં છે. પરંતુ અહી બાબત એમ છે કે, અતુલ ચગ આપઘાત કેસમાં નામ આવતા રાજેશ ચુડાસમા હવે વિવાદોના વર્તુળમાં ઘેરાયા છે. વધુમાં આ બેઠક ઉપરથી જ્યોતિબેન વાછાણી, ગિરીશ કોટેચાની, નિલેશ ધુલેશિયા, ગીતાબેન માલમ પણ દાવેદારીની રેસમાં છે.

વડોદરાથી રંજનબેન ભટ્ટની ટિકિટ લગભગ નક્કી

વડોદરા, વલસાડ અને છોટાઉદેપુરમાં પણ લોકસભાની ચૂંટણીના કારણે જોરદાર ચર્ચાનો માહોલ જામ્યો છે. વડોદરાથી રંજનબેન ભટ્ટની ટિકિટ લગભગ નક્કી જણાય છે. પરંતુ આ બેઠક ઉપરથી સતિષ નિશાળિયા અને જયાબેન ઠક્કર પણ રેસમાં છે. વધુમાં વડોદરાથી ડો. વિજય શાહના નામની પણ ચર્ચા હાલ ચાલી રહી છે.

વલસાડ લોકસભા બેઠક પર પણ  જોરદાર ખેંચતાણ

દક્ષિણ ગુજરાતના વલસાડ લોકસભા બેઠક પર પણ  જોરદાર ખેંચતાણ ચાલી રહી છે. આ બેઠક ઉપરથી વર્તમાન સંસદ કે સી પટેલ પ્રબળ દાવેદાર તરીકે સામે આવી રહ્યા છે. ત્યારે પૂર્વ મંત્રી જીતુ ચૌધરી, મહેન્દ્ર ચૌધરી, ઉષા પટેલ પણ રેસમાં શામેલ છે. છોટા ઉદેપુર લોકસભા બેઠક પર પણ 2 નામની ચર્ચા થઈ રહી છે. જેમાં વર્તમાન સાંસદ ગીતાબેન રાઠવા અને ઉપેન્દ્ર રાઠવાનું નામ શામેલ છે.

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર મોટા ઉલટફેરના સમાચાર

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર મોટા ઉલટફેરના સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી મોટા સમાચાર આ બેઠક ઉપરથી એ સમાચાર સામે આવી રહ્યા છે કે, કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપરાની ટિકિટ કપાઈ શકે છે. આ બેઠક ઉપરથી શંકર વેગડ, લાલજી મેર, પ્રકાશ કોરડીયાનું નામ ચર્ચામાં ગરમાયું છે.  સુરેન્દ્રનગર બેઠકથી ભાજપ આપી શકે છે સરપ્રાઈઝ.

અમરેલી લોકસભા બેઠકમાં પણ મોટા ઉલટફેરની શક્યતા

અમરેલી લોકસભા બેઠકમાં પણ હવે મોટા ઉલટફેરની શક્યતા છે. આ બેઠક ઉપરથી વર્તમાન સાંસદ નારાયણ કાછડીયાની ટિકિટ કપાઈ શકે છે. ત્યારે આ બેઠક ઉપરથી કૌશિક વેકરિયા, હિરેન હિરપરાના નામની પણ ચર્ચા હાલ ચાલી રહી છે. ત્યારે સાબરકાંઠા બેઠકથી વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડનું નામ સામે આવી રહ્યું છે. પરંતુ, સી.જે.ચાવડાને પણ સાબરકાંઠાથી ચૂંટણીમાં લડાવવામાં આવી શકે છે.

આ પણ વાંચો : ખેડા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થતાં દેવુસિંહ ચૌહાણનું નડિયાદમાં ભવ્ય સ્વાગત

Whatsapp share
facebook twitter