Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

BMCની ચૂંટણી પહેલા મુંબઇમાં વસતા ગુજરાતીઓને સાથે લેવા ભાજપ સક્રિય

06:59 AM Apr 29, 2023 | Vipul Pandya

દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઇ નગરીમાં મોટાપ્રમાણમાં ગુજરાતીઓ વસે છે. આમ પણ ગુજરાતીઓ માટે મુંબઇ એ બીજા ઘર સમાન છે. એવા કેટલાય ગુજરાતીઓ છે કે જેઓ અત્યારે મુંબઇમાં વિવિધ ક્ષેત્રમાં આગળ પડતા છે. જેમાં વેપાર-ધંધો સૌથી મોખરે આવે છે. ત્યારે જ્યારે પણ મુંબઇ કે મહારાષ્ટ્રના રાજકારણ અથવા તો ચૂંટણીના વાત આવે ત્યારે ગુજરાતીઓની અવગણના કરવી શક્ય નથી. ગુજરાતીઓને સાથે રાખવા માટે તમામ પક્ષો મહેનત કરતા હોય છે.
મુંબઇ ભાજપના ગુજરાતી સેલનું સંપર્ક અભિયાન
તેવામાં અત્યારે મુંબઇમાં બીએમસી (બૃહદ મુંબઇ મહાનગરપાલિકા)ની ચૂંટણીનો ધમધમાટ શરુ થઇ ગયો છે. જેના ભગરુપે ભાજપે મુંબઇમાં વસતા ગુજરાતીઓને પોતાની સાથે લેવાના પ્રયાસો શરુ કરી દીધા છે. આ કડીમાં મુંબઇ ભાજપ દ્વારા સંપર્ક અભિયાન શરુ કરવામાં આવ્યું છે. મુંબઇ ભાજપના ગુજરાતી સેલ દ્વારા ઝવેરી બજાર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાપડના વેપારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. ગુજરાતી વેપારીઓ સાથેના આ કાર્યક્રમની અંદર કોલાબા વિસ્તારના ધારાસભ્ય રાહુલ નાર્વેકર પણ હાજર રહ્યા હતા. તેમણે કાપડના વેપારીઓને મુંઝવતા પ્રશ્નો વિશે ચર્ચા કરી હતી.
મૂળજી જેઠા કાપડ માર્કેટના રિડેવલપમેન્ટ અંગે ચર્ચા
આ કાર્યક્રમની અંદર 187 વર્ષ જુના મૂળજી જેઠા કાપડ માર્કેટના રિડેવલપમેન્ટ અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ એ જ માર્કેટ છે જ્યાંથી આપણા ધીરુભાઇ અંબાણીએ પોતાની સફરની શરુઆત કરી હતી. આ સિવાય આગામી દિવસોમાં મુંબઇ ભાજપના ગુજરાતી સેલ દ્વારા શહેરના અન્ય વિસ્તારોમાં પણ ગુજરાતીઓ સાથેના સંપર્ક અભિયાનના ભાગરુપે બેઠકો કરવામાં આવશે.