તળાજાના દાઠા ગામે દંપતીએ યુવકની ઠંડા કલેજે હત્યા કરીને તેની લાશ કુવામાં ફેંકી દીધી હોવાનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ ઘટનાને અંજામ આપનાર દંપતીને ઝડપી પાડ્યાં હતા.
તળાજાના દાઠા ગામે ગત શનિવારે ગામના એક ખેડૂતની વાડીના કુવામાંથી કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી હતી. મૃતકના પરિવારે વ્યક્ત કરેલી હત્યાની આશંકાને લઈ દાઠા પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી હતી. જેમાં યુવકની હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે અંજામ આપનાર દંપતીને ઝડપી પાડ્યા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, કોટડા ગામે રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા દાઠા ગામે રહેતા નારશંગ દાનશંગભાઈ ખેરની ગત શનિવારે ગામના એક કૂવામાંથી લાશ મળી આવી હતી. જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી. મૃતકના પરિવારજનોએ આ અંગે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી હતી.
પી.એમ રિપોર્ટના પ્રાથમિક અભિપ્રાય બાદ દાઠા ગામના હઠિસિંહ નામના શખ્સની હાથ ધરાયેલી પુછપરછમાં ચોંકાવનારી વિગત પોલીસને મળી હતી કે દંપતીએ ભેગા મળીને યુવકની હત્યા કરી હતી અને મૃતદેહને કુવામાં ફેકી દીધો હતો.
હત્યાના સચોટ કારણ અંગે હજુ પોલીસ સ્પષ્ટ થઈ શકી નથી. પરંતુ મૃતક યુવક મહિલા સામે નજર બગાડતો હોવાથી તે કારણોસર હત્યા થઇ હોવાની ગામમાં ચર્ચા શરુ થઇ છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.