Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Mahashivratri 2024 : શોભાયાત્રા, ભસ્મ આરતી તો ક્યાંક ભાંગનો મહાપ્રસાદ, ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી, જુઓ તસવીરો

03:02 PM Mar 08, 2024 | Vipul Sen

ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં આજે મહાશિવરાત્રિના (Mahashivratri 2024) પર્વની ઉત્સાહભેર ઊજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં આવેલા શિવમંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ક્યાંક દેવાધિદેવને વિશેષ શણગાર તો ક્યાંક મહાઆરતી, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. દ્વારકા, સુરેન્દ્રનગર, નર્મદા, ભરૂચ અને ગોંડલ સહિત વિવિધ જગ્યાઓ પર શિવમંદિરોમાં (Shiv Temple) આજે પાલખીયાત્રા, શોભાયાત્રા, મહાપ્રસાદ, વિશેષ શણગારનું આયોજન કરવામાં આવ્યું છે.

ગોંડલ:

ગોંડલમાં (Gondal) આવેલા શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે મહાશિવરાત્રીની ઉજવણીનું ભવ્ય આયોજન કરાયું છે. અહીં, સવારે 6 વાગ્યે ભસ્મ આરતી, ત્યાર બાદ ભગવાન શિવજીને 575 કિલો ફળનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઊમટી પડ્યા હતા. ફ્રૂટના શણગારમાં તરબૂચ, દ્રાક્ષ, મોસંબી, કેળા, સફરજન, ડ્રેગનફ્રૂટ, જામફળ, પાઈનેપલ, પપૈયા, દાડમ, ટેટી, ચીકૂ, કિવી, સ્ટ્રોબેરી, સંતરા સહિતના વિવિધ ફળથી શણગાર કરવામાં આવ્યો હતો. બપોરે 12 વાગે મહાઆરતી કરાઈ હતી. ત્યારબાદ ભક્તોને ફરાળ, ફ્રૂટ ડિશ અને ભાંગના પ્રસાદનું વિતરણ કરાયું હતું.

દ્વારકા:

મહાશિવરાત્રીના (Mahashivratri 2024) પાવન અવસરે દ્વારકા (Dwarka) જિલ્લાના ખંભાળીયા (Khambhaliya) ખાતે સદીઓ જૂની પરંપરા મુજબ ખામનાથ મહાદેવજીની (Khamanath Mahadev) ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ખંભાળીયામાં 100 વર્ષથી પ્રાચીન ખામનાથ મહાદેવની શિવવરણાંગી નિકાળી હતી, જેમાં ભૂદેવો દ્વારા પરંપરાગત રીતે ધોતી, પિતાંબર પહેરી શાસ્ત્રોચાર સાથે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. રંગમહેલ શાળા પાસેથી 200 કિલો ચાંદીની ભગવાન શંકરજી, માતા પાર્વતી તથા શ્રી ગણેશજીની પ્રતિમાને ચાંદીની પાલખીમાં ખૂબ જ શણગાર કરીને ભૂદેવોએ મંત્રોચ્ચાર સાથે પ્રસ્થાન કરાવી હતી, જે ખંભાળીયાના જુદા જુદા સ્થળોથી પસાર થઈને અંતે ખામનાથ મહાદેવ મંદિરે પૂર્ણ થઈ હતી.

સુરેન્દ્રનગર:

સુરેન્દ્રનગરના (Surendranagar) વઢવાણ 80 ફૂટ રોડ પર આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય (Prajapita Brahmakumari Ishwariya Vishwa Vidyalaya) દ્વારા પણ મહાશિવરાત્રી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં શ્રીશંકર ભગવાનને જીવનની વાસ્તવિકતા દર્શાવતા લખાણ સાથે પત્રો લખવામાં આવ્યા હતા. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા 88 માં શિવજયંતી મહોત્સવ અને મહાશિવરાત્રિ નિમિત્તે બ્રહ્માકુમારી વિદ્યાલયના હર્ષાદીદીના માર્ગદર્શન હેઠળ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનુયાયીઓ અને શિવભકતોએ ભગવાન શિવને સંબોધીને પત્રો લખવામાં આવ્યા હતા. આ પત્રમાં મનુષ્યજીવનની કુટેવ અને વ્યસનોનો ઉલ્લેખ કરી તેને છોડવાનો સંકલ્પ અને જીવનમાં રહેલ દુ:ખ, સમસ્યાઓ, ચિંતાઓ વિશે જણાવી પરમાત્માને સોંપવા સહિતના લખાણો સાથે પત્ર લખીને એક બોક્સમાં નાખવામાં આવ્યા હતા. ઉપરાંત, શિવશંકરની ચૈતન્ય ઝાંખી, મહાદેવ મંદિર દર્શન અને રામ રાજ્ય દર્શન સહિતની કૃતિઓ સાથેનું આઘ્યાત્મિક પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું.

નર્મદા:

નર્મદા (Narmada) જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા દેવમોગરા (Devmogra) ખાતે મહાશિવરાત્રિ નિમિત્તે ભગવાન શિવ નહીં પણ શિવશક્તિની પૂજા કરવામાં આવે છે. અહીં, પાંડોરી માતાનાં (Pandori Mata) 5 દિવસ ચાલનારા મેળામાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મઘ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી લાખો આદિવાસી સમુદાયના શ્રદ્ધાળુઓ આવે છે અને બાઘા પૂરી કરે છે. અંદાજે 12થી 48 કલાક લાઇનમા ઊભા રહીને પણ માતાના દર્શન કરે છે. નૈવેઘમાં લોકો નવા વાંસમાંથી બનાવેલી ટોપલીમાં નવું ઊગેલું અનાજ સહિત જે માન્યતા માની હોય તે લઇને પરંપરાગત પૂજન કરે છે. પાંડુરી માતાજી દેવમોગરા માતાજી તરીકે પણ પૂજાય છે.

ભરૂચ :

ભરૂચ (Bharuch) જિલ્લામાં ઝાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી જ મહાશિવરાત્રી પર્વને લઈ શિવભક્તો મોટી સંખ્યામાં ઊમટ્યા હતા. શિવજીની પૂજા-અર્ચના અને દૂધનો અભિષેક કરવા સાથે શિવજીના આર્શીવાદ મેળવ્યા હતા. ભરૂચના પાંચબત્તી નજીક જિલ્લા પંચાયતની બાજુમાં આચારજી વિસ્તારમાં રામેશ્વર મહાદેવ મંદિર (Rameshwar Mahadev temple) આવેલું છે, અહીં શિવરાત્રિ નિમિત્તે વિશેષ શણગાર, સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) દ્વારા શિવજીની આરતી અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભાજપ અગ્રણી રાજેશ ચૌહાણ સહિતના અગ્રણીઓએ પણ મહાશિવરાત્રીએ હજારો લિટર ભાંગની પ્રસાદી તૈયાર કરી ભકતોને વિતરણ કરી હતી.

ભરૂચ જિલ્લાના ખત્રીવાડના નર્મદા નદીના કાંઠે (Narmada river) આવેલા ગંગનાથ મહાદેવ મંદિરમાં પણ વિશેષ આયોજન કરાયું હતું. મહાશિવરાત્રી નિમિત્તે સવારના સમયે જ ઘીના શિવજી તૈયાર કરવામાં આવ્યા હતા. પૂજા અર્ચના કરવા માટે સવારથી જ ભક્તોનું માનવ મહેરામણપણ ઊમટ્યું હતું. દાંડિયા બજાર તરફ જવાનાં માર્ગ પર કોટેશ્વર મહાદેવ મંદિરમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનો આયોજન કરાયું હતું. ભરૂચની તપોભૂમિ એવી દશાશ્વમેઘ ઘાટનાં નર્મદા કિનારે કુંભ ગ્રૂપ દ્વારા શિવ ઉત્સવ, ભાંગની પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ભરૂચમાં ભીડભંજન હનુમાન મંદિર, શક્તિનાથ વિસ્તારમાં શિવ મંદિર અને નવી વસાહત વિસ્તારમાં આવેલ શિવમંદિરમાં મહાઆરતી, મહાપ્રસાદી, જળાભિષેક અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અહેવાલ: દિનેશ મકવાણા, ભરૂચ

અહેવાલ: વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

 

આ પણ વાંચો – Mahashivratri : વહેલી સવારથી સોમનાથ મંદિરે મોટી સંખ્યામાં શિવભક્તો ઊમટ્યા, 42 કલાક ખુલ્લું રહેશે મંદિર

આ પણ વાંચો – Bhavnath Mela : ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં ભક્તોનું ઘોડાપુર

આ પણ વાંચો – Bhavnath Mela : 20 કિલો વજનની 10 હજાર રુદ્રાક્ષની માળા પહેરેલા આ ભભૂતધારી સંત આકર્ષણનું કેન્દ્ર બન્યા