Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સોશિયલ મીડિયાથી ચેતી જજો, લોભામણી સ્કીમ આપી નોકરીના નામે 600 મહિલાઓ સાથે છેતરપીંડી

11:01 AM May 27, 2023 | Dhruv Parmar

અહેવાલ : નથુ રામદા, જામનગર

સોશિયલ મીડિયાના ફેસબુક સહિતના પ્લેટફોર્મ પર ઘર બેઠા તગડી કમાણી કરી આપતી નોકરી-સ્કીમના નામે 600 ઉપરાંત મહિલાઓ સાથે છેતરપીંડી કરનાર શખ્સને જામનગર સાયબર ક્રાઈમ પોલીસે પકડી પાડ્યો છે. છ માસમાં આ શખ્સે મહિલાઓને લાલચ આપી પ્રતિ મહિલા દીઠ રૂપિયા 500 ઉઘરાવી આર્થિક છેતરપીંડી આચરી છે.

મહત્વનું છે કે, રાજયભરના જીલ્લાઓમાં 600થી વધુ મહિલાઓ સાથે છેતરપીંડી કરનાર આરોપીને જામનગરની સાયબર ટીમ પકડવામાં સફળ રહી છે. લઘુ ઉદ્યોગ અને કુટિર ઉદ્યોગમાં ઘરે બેઠા કામ કરી મહિને રૂા. 25 હજારથી 30 હજાર મળશે તેમ જણાવી લાલચ આપી જિલ્લા દીઠ મહિલાઓનું ગૃપ બનાવી તેઓને સિવણ, ધુપ-અગરબતી, સાબુ બનાવવાનું, બ્યુટીપાર્લરની તાલીમ આપવાની વગેરે લાલચ આપી સંસ્થામાં જોડાવવા માટે વ્યકિતની મેમ્બર શીપના નામે રૂ. 500 રજીસ્ટેશન ફી લઇ જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી તથા રાજકોટ જિલ્લાના કુલ 11 ગૃપ બનાવી 600થી વધારે મહિલાઓને જોડી રૂ. 3,11,500થી વધારે ઓનલાઇન ટ્રાન્સફર કરાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. જેની ફરીયાદ મળતા આરોપીને શોધીને પકડી પાડેલ છે એમ જામનગર ડીવાયએસપી મહેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું.

ફેસબુકમાં આપેલી જાહેરાતના આધારે છેતરપીંડી કરનાર આરોપી મનસુખ જનકાટની ધરપકડ કરવામાં આવી છે. ટેકનીકલ ટીમની મદદથી આરોપીને દબોચી લેવાયો છે. આરોપી છેલ્લા ધણા સમયથી રાજયના રાજપીપળા, બરોડા, રાજકોટ, ગીર-સોમનાથ જુનાગઢ, વેરાવળ સહીતના વિસ્તારોમાં નાસતો ફરતો હતો. આરોપી દ્રારા ફેસબુકમાં ઘરબેઠા કામ કરીને સારા પગારની લાલચ આપવામાં આવતી હતી. અને રજીસ્ટ્રેશનના નામે રૂપિયા 500 ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને પૈસા પડાવતો હોવાની વિગતો સામે આવી છે.

આ પણ વાંચો : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો રવિવારનો કાર્યક્રમ આવ્યો સામે, જાણો ક્યાં ક્યાં જશે બાબા