Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

બાબર આઝમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, સચિન કે વિરાટ પણ ન કરી શક્યા તે કરી બતાવ્યું

04:00 PM Apr 23, 2023 | Vipul Pandya

ક્રિકેટ જગતમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમનું નામ છેલ્લા ઘણા વર્ષોમાં ખૂબ જ ચર્ચામાં આવ્યું છે. વિરાટ કોહલી બાદ જો ક્રિકેટરની રેકોર્ડબ્રેકને લઇને ચર્ચા થતી હોય તો તે બાબર આઝમ જ છે. તાજેતરમાં પાકિસ્તાની ટીમ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે સીરીઝ રમી રહી છે. ત્યારે આ સીરીઝની બીજી મેચ શુક્રવારે રમાઇ જેમા બાબર આઝમે એ રેકોર્ડ બનાવ્યો છે જે સચિન કે કોહલી પણ બનાવી શક્યા નથી. 
જ્યારે પણ ક્રિકેટમાં રેકોર્ડની વાત કરવામાં આવે ત્યારે સચીન તેડુંલકરનું નામ સૌથી પહેલું લેવાતું હોય છે. જોકે, તાજેતરમાં કોહલી સિવાય એક અન્ય ખેલાડી છે કે જે સતત રેકોર્ડબ્રેક કરવામાં અગ્રેસર બન્યો છે. આ કોઇ અન્ય ખેલાડી નહીં પણ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ છે. શુક્રવારે રમાયેલી પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝની બીજી વનડે મેચમાં પાકિસ્તાને જીત મેળવી છે. ટીમે વેસ્ટ ઈન્ડિઝને 120 રને હરાવીને ODI સીરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. આ બીજી વનડે મેચમાં ફરી એકવાર પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે શાનદાર બેટિંગ કરી હતી. આ મેચમાં બાબરે 93 બોલમાં 77 રન બનાવ્યા હતા. બાબરે પોતાની 77 રનની ઇનિંગમાં 6 ચોક્કા ફટકાર્યા હતા. જોકે, આ મેચમાં બાબર તેની સદી ચૂકી ગયો હતો. તેમ છતા તેણે એક ખાસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત 9 ઇનિંગ્સમાં 50થી વધુ રન બનાવનાર બાબર આઝમ દુનિયાનો એક માત્ર બેટ્સમેન બની ગયો છે. આ રેકોર્ડ ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેડુંલકર કે વિરાટ કોહલી પણ બનાવી શક્યા નથી. 

આ રેકોર્ડ બનાવીને બાબર આઝમે સાબિત કર્યુ છે કે, તે આવનારા સમયમાં આવા ઘણા રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પહેલા કોઈ બેટ્સમેને આવું કર્યું નથી. બાબરે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની બીજી ટેસ્ટ દરમિયાન 196 રન બનાવીને તેની શરૂઆત કરી હતી. આ પછી ત્રીજી અને છેલ્લી ટેસ્ટમાં તેણે 66 અને 55 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ પાકિસ્તાનના કેપ્ટને ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની શ્રેણીમાં અનુક્રમે 57, 117 અને 105 રન બનાવ્યા હતા. તેણે એકમાત્ર T20 ઇન્ટરનેશનલ મેચમાં 66 રનની જોરદાર ઇનિંગ પણ રમી હતી. બાબરે હવે વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણીની પ્રથમ મેચમાં 103 રન બનાવ્યા હતા, ત્યારબાદ બીજી ODIમાં 77 રન બનાવવામાં સફળ રહ્યો હતો. આ રીતે તેણે છેલ્લી 9 આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં અડધી સદી અથવા સદી ફટકારી છે. જો બીજી વન-ડેની વાત કરીએ તો, પાકિસ્તાને 50 ઓવરમાં આઠ વિકેટે 275 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે 155 રન બનાવ્યા હતા. પાકિસ્તાને આ મેચ 120 રને જીતી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામે પાકિસ્તાનની આ સતત 10મી વનડે શ્રેણી જીત છે. બંને ટીમો વચ્ચે ત્રીજી અને અંતિમ વનડે 12 જૂને મુલ્તાનમાં જ રમાશે. જોકે, આ મેચમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ 50+ સ્કોર કરી શકે છે કે નહીં તે હવે જોવું રહ્યું.