Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ATM ચેમ્બરમાં મદદના બહાને કાર્ડ બદલી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો, એક દિવસમાં 3 લોકોને બનાવ્યા શિકાર

05:45 PM Apr 22, 2023 | Vipul Pandya

જો તમે ATM મશીનમાં પૈસા ઉપાડવા જાઓ છો અને પૈસા કાઢવામાં કોઈ મદદ કરવાનું કહે તો ચેતી જજો. કારણ કે સોલા પોલીસે એક એવા આરોપીની ધરપકડ કરી  છે જે ATM ચેમ્બરમાં જઈ લોકોની નજર ચૂકવી ATM કાર્ડ પડાવી પૈસા પડાવતો હતો. આરોપીએ 15 થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. સાથે જ આરોપી પાસેથી અલગ અલગ વ્યક્તિનાં નામના ATM કાર્ડ પણ મળી આવ્યા છે. 

આ ગુનામાં નાગજી રબારી નામનાં ઈસમની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ અત્યાર સુધીમાં અમદાવાદ શહેરનાં સોલા, નારણપુરા, ઈસનપુર, ઓઢવ સહિતના અલગ અલગ વિસ્તારોમાં ATM કાર્ડ બદલી લોકોના રૂપિયા પડાવ્યા હોવાની કબૂલાત કરી છે. ફરી એકવાર સોલા વિસ્તારમાં ચોરી કરવા જતાં વોચમાં રહેલી પોલીસે ATM સેન્ટરનો દરવાજો બંધ કરી લોકોની મદદથી ઝડપી પાડયો છે.
આરોપી નાગજી રબારી લાંબા સમય સુધી ATM ની બહાર શિકારની શોધમાં રહેતો હતો. જ્યારે કોઈ અભણ અથવા ઉંમરલાયક વ્યક્તિ ATM માં આવે ત્યારે મદદ કરવાના બહાને ATM નો પાસવર્ડ જાણી લેતો હતો અને કાર્ડ બદલી ઠગાઈ કરતો હતો. આરોપી AMTS બસનો કંડકટર હોવાનું જણાવી તેને ઉતાવળ હોવાનું બહાનું બતાવી કાર્ડ લઈને ફરાર થઈ જતો હતો. પોલીસે આરોપીને ઝડપી  આ રીતે કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે અને તેની સામે અગાઉ કોઈ ફરિયાદ થઈ છે કે કેમ તેને લઈને તપાસ હાથ ધરી હતી. 
નાગજી રબારીની ધરપકડ કર્યા બાદ પૂછપરછમાં સામે આવ્યું છે કે અગાઉ આરોપી ૩૦ જેટલા ગુનામાં ઝડપાયો હતો. જેમાં કડીમાં ATM મશીનમાંથી ચોરી કરી હોવાની હકીકત સામે આવી છે. આરોપી નાગજી રબારીની સાથે તેનો બીજો સાથીદાર છે કે કેમ? તે મામલે પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે જેમાં વધુ ખુલાસા સામે આવી શકે છે.