+

અટલ બિહારી વાજપેયી, રાજકુમારી કૌલ અને ભારતીય રાજનીતિની સૌથી મોટી લવ સ્ટોરી

બહુત દિનો બાદ મિલે હૈ દીવાનેકહને સુનને કો બહુત હૈ અફસાને જરા ખુલી હવા મેં સાંસ તો લે લોકબ તક હૈ આઝાદી કૌન જાને....દેશમાં ઇમરજન્સી પૂરી થયા બાદ દિલ્હીના રામલીલા મેદાનની અંદર વિપક્ષી નેતાઓની સભા હતી. એક તો ઠંડી હતી અને ઉપરથી વરસાદની શક્યતા પણ હતી. દરેક નેતા ઇમરજન્સી દરમિયાન તેણે કરેલો સરકારનો વિરોધ અને જેલમાં સહન કરેલી યાતનાઓ વિશે વાત કરી રહ્યા હતા. લોકો કંટાળ્યા હતા પરંતુ આમ છતાં શાà
બહુત દિનો બાદ મિલે હૈ દીવાને
કહને સુનને કો બહુત હૈ અફસાને 
જરા ખુલી હવા મેં સાંસ તો લે લો
કબ તક હૈ આઝાદી કૌન જાને….
દેશમાં ઇમરજન્સી પૂરી થયા બાદ દિલ્હીના રામલીલા મેદાનની અંદર વિપક્ષી નેતાઓની સભા હતી. એક તો ઠંડી હતી અને ઉપરથી વરસાદની શક્યતા પણ હતી. દરેક નેતા ઇમરજન્સી દરમિયાન તેણે કરેલો સરકારનો વિરોધ અને જેલમાં સહન કરેલી યાતનાઓ વિશે વાત કરી રહ્યા હતા. લોકો કંટાળ્યા હતા પરંતુ આમ છતાં શાંતિથી બેઠા હતા અને કોઇકના ભાષણની રાહ જોઇ રહ્યા હતા. થોડીવારમાં મંચ ઉપરથી આ પંક્તિઓ સંભળાઇ. હજુ તો પહેલી પંક્તિ બોલાઇ ત્યાં તો આખું મેદાન તાલીઓના અવાજથી ગુંજી ઉઠ્યું બે ત્રણ મિનિટ સુધી તાલીઓ વાગતી રહી. થોડો અવાજ શાંત થયો કે બીજી પંક્તિ સંભળાઇ અને ફરી પાછી તાલીઓ વાગી.  સ્ટેજ પરથી આ પંક્તિઓ બોલનાર નેતાનું નામ હતું, અટલ બિહારી વાજપેયી.
ભારતીય રાજનીતિના ‘અજાતશત્રુ’ નેતા
‘અટલ બિહારી વાજપેયી’ ભારતીય રાજનીતિનું એ નામ, જે આદર્શ બની ગયું છે. ત્રણ વખત દેશના વડાપ્રધાન બન્યા બાદ પણ જે વ્યક્તિને ભારતીય રાજનીતિમાં અજાતશત્રુ ગણવામાં આવે છે. અટલ બિહારી વાજપેયીના વ્યક્તિત્વના અનેક પાસાંઓ હતા. જેમાનું એક પાસું એટલે પ્રેમ. બહુ ઓછા લોકોને ખબર છે કે અટલ બિહારી વાજપેયી ભારતીય રાજનીતિની સૌથી મોટી લવ સ્ટોરીના નાયક છે. અટલ બિહારી વાજપેયી એવા નેતાઓમાંના એક હતા કે જેમના અંગત સંબધોને કોઇ બંધનો કે મર્યાદાનો છોછ નહોતો.  તેમણે આજીવન અવિવાહિત રહેવાનો નિર્ણય કર્યો હતો અને જીવનપર્યંત તેનું પાલન પણ કર્યુ. તેમણે ભલે લગ્ન નહોતા કર્યા, પરંતુ તેમના જીવનમાં એક મહિલાનું વિશેષ સ્થાન હતું. તેમની સાથે જે મહિલનું નામ આજીવન જોડાયેલું રહ્યું તે છે, રાજકુમારી કૌલ. 
ગ્વાલિયરની કોલેજમાં પહેલી મુલાકાત
પ્રસિદ્ધ પત્રકાર સાગરિકા ઘોષ દ્વારા અટલ બિહારી વાજપેયીના જીવન પર એક પુસ્તક લખવામાં આવ્યું છે. હાલમાં પ્રકાશિત થયેલા આ પુસ્તકની અંદર આ વિશે સવિસ્તર વાત કરાઇ છે. ગ્વાલિયરમાં આવેલી મહારાણી લક્ષ્મીબાઇ કોલેજ કે જે તે સમયે વિક્ટોરિયા કોલેજના નામે ઓળખાતી તેમાં બંનેની મુલાકાત થઇ. તે જમાનામાં અટલ બિહારી વાજપેયી અને રાજકુમારી હક્સર, બંનેના વ્યક્તિત્વ પ્રભાવશાળી હતા. રાજકુમારી ઘણાં સુંદર હતાં, તેમાં પણ ખાસ કરીને તેમની આંખો ગજબ હતી. આ એ સમયની વાાત છે કે જ્યારે બહુ ઓછી છોકરીઓ કોલેજ જતી. પહેલી મુલાકાત બાદ વાજપેયી અને રાજકુમારી બંને એકબીજા તરફ આકર્ષિત થયા.
સાગરિકા કહે છે કે, પહેલા વાજપેયીની દોસ્તી રાજકુમારીના ભાઇ ચાંદ હક્સર સાથે થઇ. ત્યારબાદ જ્યારે લગ્નની વાત આવી તો રાજકુમારીના પરિવારે શિંદેની છાવણીમાં રહેતા અને આરએસએસની શાખામાં જતા વાજપેયીને પોતાની દીકરી માાટે લાયક ન સમજ્યા. રાાજકુમારીના લગ્ન દિલ્હીના રામજસ કોલેજમાં દર્શન શાસ્ત્રના અધ્યાપક બ્રજનારાયણ કૌલ સાથે કરી દીધા.
રાજકુમારી કૌલનો સ્વીકાર
કિંગશુક નાગે પણ અટલ બિહારી વાજપેયીના જીવન પર ‘અટલ બિહારી વાજપેયી-ધ મૈન ફોર ઓલ સિઝન’ નામથી પુસ્તક લખ્યું છે. જેમાં તેઓ લખે છે કે ‘યુવાન અટલે લાઇબ્રેરીના એક પુસ્તકમાં રાજકુમારી માટે એક પ્રેમ પત્ર મુક્યો હતો. જો કે તેમને આ પત્રનો જવાબ નહોતો મળ્યો. હકીકતમાં તો રાજકુમારીએ આ પત્રનો જવાબ આપ્યો હતો, પરંતુ તે વાજપેયી સુધી પહોંચ્યો નહોતો.’
રાજકુમારી કૌલએ 80ના દાયકામાં એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં વાજપેયી સાથેના પોતાના સંબંધોનો સ્વીકાર પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમના અને વાજપેયી વચ્ચે પરિપક્વ સંબંધો છે, જેને ઘણા ઓછા લોકો સમજી શકશે. વાજપેયી અને મારે આ સંબંધ વિશે મારા પતિને ક્યારેય સ્પષ્ટતા નથી કરવી પડી. મારા અને મારા પતિના વાજપેયી સાથેનો સંબંધ ઘણો મજબૂત હતો. 
વાજપેયી, રાજકુમારી કૌલ અને તેમના પતિ
રાજકુમારીના લગ્ન થયા બાદ તેઓ જુદાં પડી ગયા. તેવામાં જ્યારે અટલ બિહારી વાજપેયી જ્યારે પહેલી વખત સાસંદ બનીને દિલ્હીમાં આવ્યા તો તેમની મુલાકાતો ફરી શરુ થઇ ગઇ. બાદમાં તો જ્યારે વાજપેયીને સરકાર દ્વારા દિલ્હીમાં મોટું મકાન આપવામાં આવ્યું ત્યારે રાજકુમારી કૌલ તેના પતિ બ્રજનારાયણ કૌલ અને તેમની દીકરીઓ સાથે વાજપેયીના મકાનમાં શિફ્ટ થઇ ગયા. દરેક લોકોને પોતાના અલગ અલગ રુમ આપવામાં આવ્યા. આખી દુનિયા અને તે સમયના અનેક મહત્વના લોકો પણ વાજપેયી અને રાજકુમારી વચ્ચેના આ સંબંધને અનૈતિક ગણતા હતા. જો કે તે બંને માટે તો આ સંબંધ એ દોસ્તીનો આગળનો પડાવ હતો, જેની શરુઆત ગ્વાલિયરની વિક્ટોરિયા કોલેજમાં થઇ હતી.  
સાગરિકા ઘોષે એક મીડિયા હાઉસને જણાવ્યાં પ્રમાણે અટલ બિહારી વાજપેયીના અંગત ગણાતા બલબીર પુંજે તેમને જણાવ્યું હતું કે જ્યારે તેઓ પહેલી વખત વાજપેયીના ઘરે ગયા ત્યારે કૌલ દંપતિને જોઇને તેમને થોડું અજુગતું લાગ્યું હતું. પરંતુ જયારે તેમણે જોયું કે તે બધા માટે તો આ સામાન્ય બાબત હતી, ત્યારે તેમણે પણ આ વિશે વિચારવાનું છોડી દીધું. જ્યારે વાજપેયીના સૌથી નજીકના દોસ્ત અપ્પા ઘટાટે જ્યારે વાજપેયીને પોતાના ઘરે જમવા માટે બોલાવતા ત્યારે વાજપેયી, રાજકુમારી કૌલ અને તેમના પતિ ત્રણે સાથે જતા. વાજપેયી એક અધ્યાપક તરીકે બ્રજનારાયણ કૌલનો ઘણો આદર કરતા હતા. તો સામે પક્ષે બીએન કૌલ પણ વાજપેયીને ઘણા પસંદ કરતા હતા. તેઓ હંમેશાં પૂછતાં કે અટલે ખાધું કે નહીં? તેનું ભાષણ કેવું હતું? ભાષણમાં જોશ હતો કે નહીં?
વાજપેયીના ‘હાઇકમાન્ડ’
પ્રસિદ્ધ પત્રકાર કરણ થાપરે પોતાની આત્મકથા ‘ડેવિલ્સ એડવોકેટ’માં એક રસપ્રદ વાત લખી છે. કરણ થાપરને અટલ બિહારી વાજપેયીનો ઇન્ટરવ્યૂ કરવો હતો, પરંતુ તેમનો કોઇ સંપર્ક થઇ શકતો નહોતો. આ વિશે કરણ થાપર લખે છે કે ‘મેં થાકીને વાજપેયીના રાયસીના રોડવાળા ઘર પર ફોન કર્યો. ઘણા પ્રયત્નો બાદ મિસિસ કૌલ ફોન પર આવ્યા. જ્યારે મેં તેમને મારી સમસ્યા વિશે જણાવ્યું તો તેમણે કહ્યું કે, મને તેમની સાથે વાત કરવા દો. ઇન્ટરવ્યૂ થઇ જશે. પછીના દિવસે વાજપેયી જ્યારે ઇન્ટરવ્યૂ આપવા માટે તૈયાર થયા ત્યારે તેમના પહેલા શબ્દો હતા કે તમે તો હાઇ કમાન્ડ સાથે વાત કરી લીધી. હવે હું તમને કઇ રીતે ના કહી શકું’
વાજપેયીના જીવન પર લખાયેલું વધું એક પુસ્તક ‘હાર નહીં માનુંગા’, જેના લેખક વિજય ત્રિવેદી લખે છે કે બેવડા માપદંડોવાળી રાજનીતિમાં આ લવ સટોરી લગભગ 50 વર્ષ ચાલી. ઉપરાંત તે કોઇથી છૂપી પણ નહોતી. જો કે તેને કંઇ નામ પણ નહોતું મળ્યું. ભારતની રાજનીતિમાં કદાચ આવું પહેલીવાર થયું કે વડાપ્રધાનના સરકારી આવાસમાં એક એવી વ્યક્તિ રહેતી હોય કે જેની પ્રોટોકલમાં કોઇ જગ્યા ના હોય. આમ છતાં તેમની ઉપસ્થિતિ દરેક વ્યક્તિને મંજૂર હોય. વાજપેયી રાજકુમારીને હંમેશાં મિસિસ કૌલ કહીને બોલાવતા હતા. તેમના જમવાથી લઇને દવા સુધીની તમામ વસ્તુઓનું ધ્યાન રાજકુમારી રાખતાં હતાં. આ સિવાય ઘરની તમામ દેખરેખ પણ રાજકુમારી કરતાં. 
રાજકુમારીના નિધન સાથે ભારતીય રાજનીતિની સૌથી મોટી લવ સ્ટોરીનો અંત
2014ના વર્ષમાં જ્યારે રાજકુમારી કૌલનું 86 વર્ષની ઉંમરે નિધન થયું તત્યારે મીડિયામાં જે અહેવાલો પ્રસિદ્ધ થયા હતા તેમાં એવું કહેવાયું કે તેઓ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના પરિવારના સભ્ય હતા. રાજકુમારી કૌલના નિધન બાદ સોનિયા ગાંધી ગુપચૂપ રીતે વાજપેયીના ઘરે પહોંચ્યા હતા અને શોક વ્યક્ત કર્યો હતો. આ સિવાય રાજકુમારી કૌલના અંતિમ સંસ્કારમાં લાલકૃષ્ણ અડવાાણી, અમિત શાહ, સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી જેવા નેતાઓ પણ હાજર રહ્યા હતા. જો કે પોતાની બીમારીના કારણે અટલ બિહારી વાજપેયી તેમના અંતિમ સંસ્કારમાં સામેલ નહોતા થઇ શક્યા. 
કિંગશુક નાગે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ‘રાજકુમારી કૌલના અવસાનની સાથે જ ભારતીય ભારતીય રાજનીતિની સૌથી મોટી લવ સ્ટોરી હંમેશાં માટે સમાપ્ત થઇ. કેટલાય દશકો સુધી ચાલેલી આ લવ સ્ટોરી વિશે અનેક લોકો અજાણ છે.’
‘હું કુંવારો છું, બ્રહ્મચારી નથી’
એક કાર્યક્રમ દરમિયાન અટલ બિહારી વાજપેયીએ સ્વીકાર પણ કર્યો હતો કે ‘હું કુંવારો છું, બ્રહ્મચારી નથી.’ તેઓ અવિવાહિત રહેવાના પોતાાના નિર્ણય પર અડગ હતા પરંતુ તેમના અંગત જીવનમાં ઘણી મહિલાઓ તેમની નજીક હતી. જેમાં પ્રખ્યાત કથક નૃત્યાંગના ઉમા શર્મા પણ સામેલ છે. જ્યારે સાગરિકા ઘોષે ઉમા શર્મા સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે ‘વાજપેયીને મારું નૃત્ય પસંદ હતું. તેઓ અવાર નવાર મારા કાર્યક્રમોમાં આવતા હતા. અમારા બંને વચ્ચે ઘણી મજાક-મસ્તી ચાલતી રહેતી. એક વખત જ્યારે મેં હરિવંશરાય બચ્ચનની કવિતા મધુશાલા અને ગોપાલદાસ નીરજની કવિતા પર નૃત્ય કર્યુ ત્યારે વાજપેયીએ મને કહ્યું- ‘ઉમાજી, અમારા પર પણ કૃપા કરો.’ પછી મેં તેમની કવિતા ‘મૃત્યુ સે ઠન ગયી’ પર ડાન્સ કર્યો’
‘પદ્મ ભૂષણ અમારી પાસેથી અને વાતો બીજા સાથે?’
‘2001માં ઉમા શર્માને પદ્મ ભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા. સમારોહ બાદ થયેલી ચાય પાર્ટીમાં તેઓ ઘણા સમય સુધી સોનિયા ગાંધી સાથે વતો કરતા રહ્યા. જ્યારે તેઓ વાજપેયી પાસે ગયા ત્યારે તેમણે ઉમા શર્માને કહ્યું કે ઉમાજી અમારી પાસેથી પદ્મ ભૂષણ લો છો અને વાતો બીજા સાથે કરો છો. ’
પત્રકાર વિનોદ મહેતાએ તેમની આત્મકથા ‘લખનઉ બોય’માં લખ્યું છે કે, ‘હું અંગત રીતે મોટાભાગના રાજકારણીઓને પસંદ નથી કરતો, પરંતુ વાજપેયી એ લોકોમાંના એક હતા જેમને હું પસંદ કરતો હતો. આ બાબતે હું પ્રસિદ્ધ ન્યાયશાસ્ત્રી ફલી નરીમન સાથે સહમત છું. તેઓ વાજપેયી વિશે કહેતા કે ‘Despite His Inconsistencies I Like the Old Man’
Whatsapp share
facebook twitter