Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આસિફ અલી અને ફરીદ અહેમદને ICCએ ફટકાર્યો એવો દંડ કે ક્યારે નહીં ભૂલી શકે

06:37 PM Apr 22, 2023 | Vipul Pandya

એશિયા કપ 2022 હવે તેના અંતિમ તબક્કે પહોંચી ગયુ છે. પાકિસ્તાન અફઘાનિસ્તાનને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરી ચુક્યું છે. પરંતુ આ જીત પાકિસ્તાનના એક ખેલાડીને ખૂબ મોંઘી પડી છે. જેનું નામ આસિફ અલી છે. જોકે, આસિફ અલી ઉપરાંત અફઘાન બોલર ફરીદ અહેમદને પણ આ મેચ મોંઘી પડી છે. મળી રહેલી માહિતી અનુસાર, આ બન્ને ખેલાડીઓને મેદાનમાં ગેરવર્તણૂક કરવા બદલ ICCએ દંડ ફટકાર્યો છે. 
પાકિસ્તાનના આસિફ અલી અને અફઘાનિસ્તાનના બોલર ફરીદ અહેમદને એશિયા કપ સુપર ફોર સ્ટેજની મેચ દરમિયાન મેદાન પર ગેરવર્તણૂક કરવા બદલ મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. બંનેને ICC કોડ ઓફ કન્ડક્ટના લેવલ 1ના અપરાધો માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ICCના નિવેદન અનુસાર, અલીએ આઈસીસી આચાર સંહિતાની કલમ 2.6નું ઉલ્લંઘન કર્યું છે, જે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન અશ્લીલ, અપમાનજનક અથવા અપમાનજનક હાવભાવથી સંબંધિત છે.

ICCએ ફરીદ અહેમદને કલમ 2.1.12ના ભંગ માટે દોષિત ઠેરવ્યો હતો, જે ખેલાડી, સપોર્ટ સ્ટાફ, અમ્પાયર, મેચ રેફરી અથવા કોઈપણ વ્યક્તિ સાથે અયોગ્ય શારીરિક સંપર્ક સાથે સંબંધિત છે. જણાવી દઈએ કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન મેચ દરમિયાન ઘણો હંગામો થયો હતો. ગ્રાઉન્ડની અંદર ઝઘડો થયો, મેચ બાદ બંને દેશના સમર્થકો સામસામે આવી ગયા અને એકબીજા પર ખુરશીઓ ફેંકવા લાગ્યા હતા.
આ સિવાય આ બંને ખેલાડીઓના રેકોર્ડમાં એક ડીમેરિટ પોઈન્ટ પણ જોડાયો છે. જોકે, આ બંને ખેલાડીઓએ છેલ્લા 24 મહિનામાં કોઈ ગેરવ્યાજબી કૃત્ય કર્યું નથી. જણાવી દઈએ કે, એક વખત કોઈ ખેલાડીને ડીમેરિટ પોઈન્ટ આપવામાં આવે તો તે 24 મહિના સુધી રેકોર્ડમાં રહે છે. ICCના નિયમો અનુસાર, જો કોઈ ક્રિકેટરને બે વર્ષના સમયગાળામાં ચાર ડીમેરિટ પોઈન્ટ મળે છે, તો તેને એક સસ્પેન્શન પોઈન્ટની સમકક્ષ ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં ખેલાડી પર પ્રતિબંધ લાગી શકે છે. જો બે પોઈન્ટ હોય તો કોઈ ખેલાડી પર એક ટેસ્ટ અથવા ODI અથવા બે T20 મેચનો પ્રતિબંધ લગાવી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, 7 સપ્ટેમ્બરે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં પાકિસ્તાનની ટીમ બીજી ઇનિંગવમાં બેટિંગ કરી રહી હતી અને મેચ ખૂબ જ રોમાંચક વળાંક પર હતી. દરમિયાન, 19મી ઓવરમાં અફઘાન બોલર ફરીદ અહેમદે પાકિસ્તાની બેટિંગ કરનાર આસિફ અલીને આઉટ કર્યો હતો. ત્યારબાદ ફરીદ આવ્યો અને આસિફ સાથે અયોગ્ય શારીરિક વર્તણૂક કરી. આ પછી, આસિફ અલીએ પણ પ્રતિક્રિયા આપી, તેને બેટથી મારવાનો ઈશારો કર્યો. જોકે, આ દરિમયાન અન્ય ખેલાડીઓ અને અમ્પાયરે આ લડાઇ વચ્ચે આવી બન્ને છુટા કર્યા હતા. 
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા રમીઝ રાજાએ શારજાહમાં એશિયા કપની રોમાંચક મેચ બાદ ઝઘડા માટે અફઘાનિસ્તાનના ક્રિકેટ ચાહકોને જવાબદાર ઠેરવતા કહ્યું કે આ જેન્ટલમેનની રમતમાં તોફાનીઓ માટે કોઈ સ્થાન નથી. સુપર ફોર સ્ટેજની મેચમાં પાકિસ્તાનની એક વિકેટથી જીત બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ચાહકો એકબીજા સામે ખુરશીઓથી મારામારી કરતા જોવા મળ્યા હતા.