Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Asia Cup : ભારત અને પાકિસ્તાનની આગામી મેચમાં વરસાદ પડશે તો શું ? ફેન્સને મળ્યા આ Good News

03:10 PM Sep 08, 2023 | Hardik Shah

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચને લઇને બંને દેશોના લોકો ખૂબ જ ઉત્સાહિત રહેતા હોય છે. એશિયા કપ 2023ની સુપર-4 મેચમાં રવિવારે 10 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે ટકરાશે. આ પહેલા ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે ધોવાઈ જતા ફેન્સ નિરાશ થઇ ગયા હતા. વરસાદ પડવાની સંભાવનાઓ આવનારી ભારત-પાકિસ્તાનની મેચમાં પણ છે જેને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને મેચમાં એક રિઝર્વ ડે ઉમેરવામાં આવ્યો છે. હવે ભારત અને પાકિસ્તાનની મેચ માટે રિઝર્વ ડે રહેશે.

ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ પડશે તો પણ ફેન્સ નહીં થાય નારાજ

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ વરસાદના કારણે ધોવાઈ ગયા બાદ હવે આવનારી 10 સપ્ટેમ્બરે યોજાનારી આ બંને વચ્ચેની મેચ પહેલા દર્શકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. કોલંબોમાં ભારે વરસાદની મોસમને ધ્યાનમાં રાખીને એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ACC એ 10 સપ્ટેમ્બરે યોજાનારી આ મોટી મેચ માટે અનામત દિવસ (Reserve Day) રાખવાનો નિર્ણય કર્યો છે. માત્ર આ બે દેશોના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ક્રિકેટ ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની રાહ જોઈ રહ્યા હોય ત્યારે તેમની ભાવનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણયો લેવામાં આવ્યો હોય તેવું સુત્રો જણાવી રહ્યા છે. આ સિવાય જો અન્ય કોઈ મેચ વરસાદને કારણે પ્રભાવિત થશે તો તેને રદ કરવામાં આવશે. જણાવી દઇએ કે, 10 સપ્ટેમ્બરે પણ વરસાદ પડે તેવી પૂરી સંભાવનાઓ છે. ભારત અને પાકિસ્તાનની મેચ સિવાય એશિયા કપ 2023ની ફાઈનલ માટે માત્ર એક રિઝર્વ ડે હશે.

Reserve Day ના નિયમો શું છે?

કોલંબોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે, આવી સ્થિતિમાં 10 સપ્ટેમ્બરે રમાનારી મેચ પર સસ્પેન્સ છે, તેથી જ આ મેચમાં રિઝર્વ ડે ઉમેરવામાં આવ્યો છે. જો 10 સપ્ટેમ્બરે રમત અધવચ્ચે બંધ કરવામાં આવે છે, તો 11 સપ્ટેમ્બરના રોજ, જ્યાંથી મેચ અટકાવવામાં આવી હતી ત્યાંથી ફરીથી રમત શરૂ થશે. જે ક્રિકેટ ચાહકોએ મેચની ટિકિટ ખરીદી છે તેમને ટિકિટ સુરક્ષિત રાખવા માટે કહેવામાં આવ્યું છે જેથી તેઓ બીજા દિવસે પણ મેચનો આનંદ માણી શકે. એશિયા કપ 2023ના સુપર 4 રાઉન્ડમાં 10મી સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાનની મેચ એકમાત્ર એવી મેચ છે જેને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવી છે.

ફાઈનલ મેચ માટે જ હતો રિઝર્વ ડે

અગાઉ 17 સપ્ટેમ્બરે રમાનારી ફાઇનલ મેચ માટે જ રિઝર્વ ડે રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે ભારત-પાકિસ્તાન મેચ માટે પણ તેની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે 2 સપ્ટેમ્બરે આ એશિયા કપમાં બંને ટીમો પ્રથમ વખત આમને સામને આવી હતી, ત્યારે પલ્લેકેલેમાં વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી હતી. તે જ સ્થળે નેપાળ સામેની ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં વરસાદ થયો હતો, પરંતુ તે દિવસે વરસાદ ચાલુ રહ્યો ન હતો, જેના કારણે ભારતીય ટીમને સુપર 4 માટે ક્વોલિફાય થવા માટે 23 ઓવરમાં લક્ષ્યનો પીછો કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

PCB એ કર્યો વિરોધ

આવતા અઠવાડિયે કોલંબોમાં વરસાદની આગાહી સાથે, ટૂર્નામેન્ટના સત્તાવાર યજમાન PCBએ કોલંબોની મેચો હમ્બનટોટામાં શિફ્ટ કરવાની તૈયારી કરી હતી, પરંતુ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ તમામ સ્ટેક હોલ્ડર્સને એક મેઇલ મોકલ્યો હતો. તે પછી જાણવા મળ્યું કે મેચો અન્ય કોઈ જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે નહીં, પરંતુ કોલંબોમાં જ રમાશે. બાદમાં PCB એ પણ આ નિર્ણય સ્વીકારવો પડ્યો હતો. જોકે, તેમણે વિરોધ દર્શાવતો ACC પ્રમુખ જય શાહને પત્ર પાઠવ્યો છે.

ભારતીય ટીમે ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી હતી

10 સપ્ટેમ્બરે રમાનારી મેચ માટે ભારત અને પાકિસ્તાનની ટીમો કોલંબો પહોંચી ગઈ છે. વરસાદના કારણે ભારતીય ટીમને ગુરુવારે કોલંબોના ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવી પડી હતી. કોલંબોમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે. હવામાન ડોટ કોમના જણાવ્યા અનુસાર, 9 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર વચ્ચે કોલંબોમાં વરસાદની 80 ટકા શક્યતા છે, તેથી જો સુપર-4ની મેચો વરસાદથી ધોવાઈ જવાની શક્યતા છે.

ટીમ ઈન્ડિયા માટે Good News

એશિયા કપમાં પાકિસ્તાન સામે પ્રથમ મેચ રમ્યા બાદ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પોતાના પહેલા બાળકના જન્મ માટે ઘરે પરત ફર્યો હતો. જેના કારણે તેને નેપાળ સામેની મેચ ચૂકી જવી પડી હતી. પરંતુ હવે સારા સમાચાર એ છે કે બુમરાહ સુપર-4 માટે શ્રીલંકા પરત ફર્યો છે અને તે પાકિસ્તાન સહિત તમામ મેચો માટે ઉપલબ્ધ રહેશે. આ સિવાય ભારતીય વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલ પણ ફિટનેસ ટેસ્ટ પાસ કરીને ટીમમાં સામેલ થયો છે.

આ પણ વાંચો – World Cup 2023 : India vs Pakistan મેચની એક ટિકિટ વેચાઈ રહી છે 57 લાખ રૂપિયામાં

આ પણ વાંચો – Super-4 ની પહેલી મેચમાં પાકિસ્તાનની બાંગ્લાદેશ વિરુદ્ધ આસાન જીત, એશિયા કપમાં તોડ્યો આ રેકોર્ડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.