Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 700 જેટલા સ્વૈચ્છિક રક્તદાતાઓએ કર્યું રક્તદાન

05:22 PM Apr 23, 2023 | Vipul Pandya

અમદાવાદ રેડક્રોસ અને ગુરૂકૃપા ફાઉન્ડેશનના સહયોગથી આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. સામાન્ય રીતે થેલેસેમિયાના મેજર બાળકોને બે થી ત્રણ મહિને બ્લડ રિપ્લેસ કરવું પડે છે. આ ઉપરાંત એક્સિડન્ટમાં ઘવાયેલા વ્યક્તિઓ તેમજ હાર્ટ, કિડની અને લિવર ટ્રાન્સપ્લાન્ટ વ્યક્તિઓને પણ બ્લડની જરૂર પડે છે, ત્યારે આજે આ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા લગભગ 700 બોટલ લોહી એકત્રિત કરવામાં આવ્યું હતું. જેમાં 18 વર્ષના પ્રથમ વખત રક્તદાન કરનાર 35 જેટલા યુવાઓ પણ હતા. નિયમ મુજબ 60 વર્ષથી ઉપરની વ્યકિત મેડિકલ કારણોસર રક્તદાન કરી શકતી નથી તેથી આ કેમ્પમાં 5 જેટલાં 55થી 59 વર્ષના 10 વ્યક્તિએ પણ તેમના જીવનનું છેલ્લું રક્તદાન કર્યું હતું. 


3 મિત્રો સાથે કર્યું પ્રથમવાર રક્તદાન  
જીવનમાં પ્રથમવાર રક્તદાન કરનાર સંજના મહેતાએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે –  મેં પહેલીવાર રક્તદાન કર્યું છે. મારી સાથે મારી અન્ય 3 મિત્રોએ પણ રક્ત આપ્યું હતું. ઘણીવાર એક્સિડન્ટમાં કે કોઇ મોટી બીમારી સમયે જ્યારે કોઇને રક્તની જરુર પડે ત્યારે લોહી આસાનીથી મળતું નથી તેથી દરેક વ્યક્તિએ નિયમિતપણે  રક્તદાન કરવું જોઇએ. 

આ કાર્યક્રમ અમદાવાદના અંકુર વિસ્તારમાં આવેલા કામેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયો હતો. ગુરુકૃપા ફાઉન્ડેશન તેમજ રેડક્રોસ સોસાયટી અને કામેશ્વર મહાદેવ ટ્રસ્ટના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.


ગૌસેવા માટે અમારા 300 સભ્યો દ્વારા એક SIP યોજના

ગુરુકૃપા ફાઉન્ડેશનના ફાઉન્ડર ગૌરાંગ મહેતાએ ગુજરાત ફર્સ્ટને કહ્યું કે અમે 7 મિત્રોએ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે આ ગ્રુપ બનાવ્યું હતું. આજે તેમાં 300 જેટલા સભ્યો જોડાયેલાં છે, અને છેલ્લાં 7 વર્ષથી અમે દર વર્ષે આવો મેગા બ્લ્ડ ડોનેશનનો કાર્યક્રમ કરીએ છીએ. સાથે જ પશુસેવા, માનવસેવાના કાર્યો પણ નિયમિત કરીએ છીએ. કોરોના સંક્રમણ કાળમાં વૈશ્વિક સ્તરે લોહીની અછત ઉભી થઇ હતી એવા કપરા સમયમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રેગ્યુલર ડોનરને કોલ કરવામાં આવતા હતા. ડૉક્ટરો અને નર્સો દ્વારા પીપીઈ કીટ પહેરીને આ કાર્ય કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગૌસેવા માટે અમારા 300 સભ્યો દ્વારા એક SIP યોજના ચાલે છે. જેમાં દર મહિને 300 જેટલા સભ્યો 1000 રુપિયા આપે છે. જેમાંથી રાજ્યની ગૌશાળાઓમાં મૂંગા પશુઓ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરાય છે.
 


રક્તદાન પહેલા  તકદારી 
આ વર્ષે પણ તમામ લોકોના સ્વાસ્થ્યની તકેદારી સાથે આ કેમ્પ યોજાયો હતો. સામાન્ય રીતે દર રક્તદાન પહેલા જે તે વ્યક્તિનું ટેમ્પરેચર ચેક કરવામાં આવે છે. તેમજ વ્યકિતનું વજન, હિમોગ્લોબીનની માત્રા અને બ્લડ પ્રેશર પણ ચેક કરવામાં આવે છે. જો વ્યક્તિ ફીટ ન હોય તો તેને રિજેક્ટ પણ કરાય છે. આજે આવી 100 લોકોને રિજેક્ટ પણ કરાયાં હતાં.  રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા તેમને સર્ટિફિક્ટ અને બેગ પણ આપવામાં આવી હતી.