+

ગેનીબેન ઠાકોરનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન, લગ્નમાં DJ પર સંપૂર્ણ પ્રતિબંધની કરી ટકોર

ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું અવાર-નવાર વિવાદોમાં નામ સાંભળવા મળતું રહે છે, ત્યારે હવે વધુ એકવાર તેમણે સમાજને ટકોર કરતું એક વિવાદાસ્પદ નિવેદન આપી સૌ કોઇને ચોંકાવી દીધા…

ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું અવાર-નવાર વિવાદોમાં નામ સાંભળવા મળતું રહે છે, ત્યારે હવે વધુ એકવાર તેમણે સમાજને ટકોર કરતું એક વિવાદાસ્પદ નિવેદન આપી સૌ કોઇને ચોંકાવી દીધા છે. જણાવી દઇએ કે, બનાસકાંઠાના ઠાકોર સમાજમાં થતા લગ્ન પ્રસંગમાં DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની સમાજના અગ્રણીઓને અપીલ સાથે ટકોર પણ કરી હતી. તેમણે વડીલોને ટકોર કરતા લગ્ન પ્રસંગમાં DJ ની જીદ કરતા નવયુવાનોને સમજાવવાની વાત પર ભાર આપ્યું હતું.

ગેનીબેન ઠાકોરે DJ પર પ્રતિબંધ મુકવાની કરી ટકોર

કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર હર હંમેશ પોતાના નિવેદનને લઇને ચર્ચામાં બની રહેતા હોય છે. વળી ઘણીવાર તેઓ એવા નિવેદન આપતા સાંભળવા મળી જાય છે જે સાંભળી સૌ કોઇ ચોંકી જતા હોય છે. ત્યારે તાજેતરમાં પણ તેમણે કઇંક આવું જ નિવેદન આપ્યું છે. તેમણે લગ્નમાં DJ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તેમજ કહ્યું છે કે, DJ વગર લગ્નના ફેરા ફરવાની ના પાડતી દીકરીઓને ઘરે લાવવાનું શું કામ છે? આવી જીદ કરતી દીકરીઓને તેમના મા-બાપે સમજાવવાની જરૂર છે. બનાસકાંઠા વાવના ધારાસભ્ય ગેનીબેનનો આ સમગ્ર નિવેદન આપતો  વીડિયો હાલમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં DJ પર પ્રતિબંધ મુકવાની ટકોર કરતો વીડિયો વાયરલ થયો છે. તેમણે ભાભરના ઈંદરવા ગામે યોજાયેલા કાર્યક્રમમાં ટકોર કરી હતી. જેમાં DJ વિના લગ્ન ન કરનારા યુગલો સામે નારાજગી વ્યક્ત કરી છે.

કુવારી દીકરીઓને મોબાઈલ ન આપવાની કરી હતી તરફેણ

ગેનીબેન ઠાકોરે વધુમાં કહ્યું કે, DJ ના કારણે લગ્ન પ્રસંગમાં ઘણીવાર મતભેદ ઊભા થાય છે. જેને લઈને હવે DJ વગર લગ્નના ફેરા ફરવાની ના પાડનારાઓને સમજાવવાના હોય. સમાજના દીકરા-દીકરીઓ DJ વિના લગ્ન નથી કરતા તો હવે સમાજે પણ લગ્નમા DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જોઇએ. DJ હવે સામાજિક દૂષણ છે એવો સંદેશ પોતાના હાલના આ નવા નિવેદનથી ગેનીબેન આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે પણ ગેનીબેન કુંવારી દીકરીઓને મોબાઈલ ન આપવાની વાતની તરફેણ કરી છે. જ્યારે બીજી તરફ તેઓ સ્વરક્ષા માટે મહિલાઓને હથિયાર રાખવાની મંજૂરી આપવાની પણ વાત કરે છે.

બંદૂકવાળો ફોટો થયો હતો વાયરલ

ઉલ્લેખનીય છે કે ઠાકોર સમાજે ઘડેલા તેમના સમાજના બંધારણ મુજબ કુંવારી દીકરીઓને મોબાઈલ આપવો ન જોઈએ અને તેનું સમર્થન ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ કર્યું છે. ગેનીબેને દીકરીઓને મોબાઈલ ન આપવા અંગે જણાવ્યુ કે મોબાઈલ વપરાશના કારણે સમાજમાં મોટી બદીઓ આવી છે. જેથી સમાજ-સુધારણા માટે માતા-પિતાએ તેમની કુંવારી દીકરીઓ પર મોબાઈલ પ્રતિબંધનું પાલનું કરાવવું જોઈએ. તટેલું જ નહીં થોડા દિવસો પહેલા ગેનીબેન ઠાકોરનો બંદૂકવાળો ફોટો વાયરલ થયો હતો. તેઓ એક પ્રસંગમાં ગયા હતા ત્યારે તે સમયની તેમની તસવીર હોવાનું કહેવાઈ રહ્યું છે. હાલ તેમનો ફોટો ઘણો ચર્ચાનો મુદ્દો બન્યો છે. આ ફોટો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ પણ આવવાની શરુ થઈ ગઈ છે. ગેનીબેન ઠાકોરએ આ મુદ્દે ગન સાથેનો ફોટો વાયરલ થયો તે મામલે તેમણે વાત પણ કરી છે.

આ પણ વાંચો – માત્ર 8 હજાર રૂપિયા ઉધાર લઈને કરી હતી શરૂઆત, આજે 3 હજાર કરોડનું બનાવ્યુ સામ્રાજ્ય, જુઓ તસવીરો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter