Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજ્ય સરકારની સુદ્ઢ કામગીરીનું ઉત્તમ દ્રષ્ટાંત; ગોંડલના જામવાડી ગામે ૧ હેક્ટરમાં નિર્માણ પામેલ “વન કવચ”

09:35 PM Mar 13, 2024 | Harsh Bhatt
વૈશ્વિક પર્યાવરણ બદલાવ એ માનવજાત સામેનો સૌથી મોટો પડકાર છે. આ પડકારને ઝીલવા ગુજરાત સરકાર દ્વારા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે ત્યારે પર્યાવરણના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સાતત્યપૂર્ણ વિકાસ માટે વન અને પર્યાવરણ જતનના ક્ષેત્રે ગુજરાતે હરણફાળ ભરી છે. પર્યાવરણના સંરક્ષણમાં જંગલો મહત્વનો ભાગ ભજવે છે ત્યારે ગુજરાત રાજ્યમાં જંગલના સંરક્ષણ તેમજ હરિયાળા પ્રદેશમાં વધારો કરવા માટે વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ થકી બિન-જંગલની જમીનમાં કરાયેલા વૃક્ષારોપણની સુદ્રઢ કામગીરીના પરિણામે ગુજરાત એક અગ્રણી રાજ્ય બની ગયું છે.

ગુજરાતને એક હરિયાળું રાજ્ય બનાવવાના હેતુથી કરાયું “વન કવચ” નું નિર્માણ 

ગુજરાતનો વન વિસ્તાર વધારવા તથા ગુજરાતને એક હરિયાળું રાજ્ય બનાવવાના હેતુથી જાપાની વનસ્પતિશાસ્ત્રી અકીરા મીયાવાંકીની વનીકરણ પધ્ધતિ અપનાવી ગુજરાત વન વિભાગની “વન કવચ યોજના” અંતર્ગત સઘન વાવેતર કરી રાજયમાં વૃક્ષ આચ્છાદિત વિસ્તારમાં વધારો કરવાની નક્કર કામગીરી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ કરવામાં આવી રહી છે. રાજ્‍ય સરકાર ગ્રામીણ વિસ્‍તારોમાં પડતર અને બિનઉપજાઉ રહેતી જમીનને નવસાધ્‍ય કરવાના કામને અગ્રતા આપી સુદ્ઢ વિકાસની દિશામાં મહત્‍વપૂર્ણ કામગીરી કરી રહી છે જેનું ઉત્તમ દ્રષ્ટાંત એટલે રાજકોટ જિલ્લામાં ગોંડલ તાલુકામાં આવેલાં જામવાડી ગામે નિર્માણ પામેલ “વન કવચ”.

૧ હેકટર જમીનમાં સુંદર અને રમણીય “વન કવચ” તૈયાર કરાયું 

ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની પડતર જમીનમાં હરિયાળી વધારવા તથા હરિત ક્ષેત્રની જાળવણી કરવા માટે ઝડપથી ઘનિષ્ઠ વાવેતરથી નાનું વન નિર્માણ કરવા માટે અમલી “વન કવચ” યોજના હેઠળ રાજકોટ જિલ્લામાં ગોંડલ તાલુકાના જામવાડી ગામે એશિયાટિક કોલેજની પાછળની બાજુએ આવેલી ખરાબાની પડતર જમીનને હરિયાળી બનાવી ૧ હેકટર જમીનમાં સુંદર અને રમણીય “વન કવચ” સામાજિક વનીકરણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

રાજકોટ જિલ્લા નાયબ વન સંરક્ષક તુષાર પટેલના માર્ગદર્શન તળે રાજકોટ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રાજકોટનો વન વિસ્તાર વધારવા માટે સુપેરે પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે, જેના ફળ સ્વરૂપ એવા જામવાડીના હરિયાળા વન કવચ વિશે વિગતવાર માહિતી આપતાં કોટડાસાંગાણી (ગોંડલ) રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી વી. ડી. અંટાળા જણાવે છે કે, ઝડપી વન ઊભા કરવા માટેની સ્તરીય પદ્ધતિ થકી માત્ર આઠ મહિના જેટલા જ ટૂંકા સમયગાળામાં ઉજ્જડ જમીન ઉપર આ વન લહેરાય રહ્યું છે.

૧૦,૦૦૦ થી વધુ વૃક્ષોના ગીચ વાવેતર થકી બંજર જમીન ઉપર હરિયાળી છવાઈ

જામવાડી ગામની બહાર કારખાના વિસ્તારમાં આવેલ ખરાબાની આ જમીનને સૌપ્રથમ સમતલ કરી વાવેતર યોગ્ય બનાવ્યા બાદ તેમાં માટી, કોકોપીટ, છાણીયું ખાતર, વર્મી કમ્પોસ્ટ, લીમડાનું ખાતર વગેરેનાં જુદા જુદા સ્તરીય પદ્ધતિથી માટી ભરી જમીનને સમતોલ પોષણયુકત બનાવવામાં આવી, જેથી છોડની ફળદ્રુપતામાં વધારો થાય.

વૃક્ષોના વાવેતર વિષે તેઓએ ઉમેર્યું હતું કે, જમીનમાં પાણી અને ભેજનો સંગ્રહ વધારવા વન કવચ હેઠળ ઉચ્ચ સ્તરીય, મધ્ય સ્તરીય અને નિમ્ન સ્તરીય એમ ત્રણ સ્તરમાં ૧૧ જેટલા છોડ/શ્રુપ, ૫૧ જેટલા વૃક્ષોની પ્રજાતિના ૧૦,૦૦૦ થી વધુ વૃક્ષોના ગીચ વાવેતર થકી બંજર જમીન ઉપર હરિયાળી છવાઈ ગઈ છે. જેમાં સમાવિષ્ટ અરડૂસી, લીમડો, કરંજ, પાનફૂટી જેવા આયુર્વેદિક વૃક્ષો, પક્ષીઓના ખોરાક માટે દાડમ, ફાલસા, બદામ, શેતુર, ચીકુ, સીતાફળ જેવા ફળાઉ વૃક્ષો, પતંગિયાઓ-ભમરાઓના ગુંજન માટે જાસુદ,કરેણ, પારીજાત, ચંપો સહીતના અનેકવિધ ફૂલોના છોડ, છાયાના વૃક્ષો સહીત સુશોભનના વૃક્ષો જુદા-જુદા પક્ષીઓનું આશ્રય સ્થાન બની ગયા છે.

વૃક્ષો એકબીજાની નજીક વાવવામાં આવ્યા હોવાથી વૃક્ષોના મુળ જમીનને પકડી રાખે

વધુમાં જણાવ્યું હતું કે, આ વૃક્ષો એકબીજાની નજીક વાવવામાં આવ્યા હોવાથી વૃક્ષોના મુળ જમીનને પકડી રાખે છે અને પરસ્પર આંતર સ્પર્ધાના કારણે વનસ્પતિ અને છોડ ઝડપથી વિકાસ પામે છે. બે વર્ષ જેટલા સમયગાળામાં આ વનના પરિપકવ છોડનો આપબળે વિકાસ થવા લાગશે. આ પદ્ધતિથી તૈયાર કરેલા વનો સામાન્ય વનો કરતાં ૩૦ ગણાં ગાઢ અને ૧૦ ગણા ઝડપથી વિકાસ પામે છે. આ વન આજુબાજુમાં આવેલા કારખાનાથી થતા પ્રદૂષણને અટકાવી, હવા શુદ્ધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. વન કવચ માટે એવો વિસ્તાર પસંદ કરવામાં આવે છે ,જે જમીનમાં કોઈ પ્રકારનો ઘન કે પ્રવાહી કચરો કે નકામા ઝાડી-ઝાંખરા ન હોય, આઠથી દસ કલાક સીધો સૂર્યપ્રકાશ મળી રહેતો હોય. આ પ્રકારે તૈયાર થયેલા વન વરસાદ ખેંચી લાવે છે, જમીનનું ધોવાણ થતું અટકાવે છે. સીધા સૂર્યપ્રકાશથી પણ બચાવે છે.

મનુષ્યના અસ્તિત્વને ટકાવી રાખવા માટે પર્યાવરણના અસ્તિત્વને ટકાવવું ખુબ જરૂરી

આમ, મનુષ્યના અસ્તિત્વને ટકાવી રાખવા માટે પર્યાવરણના અસ્તિત્વને ટકાવવું ખુબ જરૂરી છે. વિકાસની સાથે પર્યાવરણના જતન માટે વનોનું રક્ષણ અને સંવર્ધન જરૂરી છે ત્યારે લોકોમાં વન અને ‘પ્રકૃતિ’ પ્રત્યે જાગૃતિ લાવવા વનોના વિકાસ, સંરક્ષણ, સંવર્ધન અને વળતર વનીકરણની કામગીરી માટે CAMPA ફંડ સહિત વિવિધ કામો માટે રૂ. ૯૫૦ કરોડ તથા વન વિસ્તારની બહારના વિસ્તારોમાં સામાજીક વનીકરણને વેગવંતુ બનાવવા માટે રૂ.૫૫૦ કરોડ અને વન વિસ્તાર વિકાસ અને ઇકો-રિસ્ટોરેશન કાર્યક્રમ હેઠળ રૂ. ૧૮૫ કરોડની જોગવાઇનો સમાવેશ થાય છે.

રાજ્‍યના વન વિભાગે સામાજીક વનીકરણ કાર્યક્રમ હેઠળ બિનજંગલની જમીનમાં વૃક્ષ-ઉછેરની પ્રવૃત્તિને વેગવંતી બનાવી રાજ્‍યને હરિયાળુ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ માંડયા છે. કલાયમેટ ચેન્જની અસર સામે આખું વિશ્વ ચિંતિત છે ત્યારે રાજ્ય સરકાર વન સંરક્ષણ માટે જૈવિક વિવિધતાથી સમૃદ્ધ ગાઢ વનો તેમજ વન વિસ્તારના બાહ્ય વિસ્તારમાં પણ વૃક્ષાવરણમાં વધારો કરવા કાર્યશીલ છે. વૈશ્વિક પર્યાવરણ બદલાવ એ માનવજાત સામેનો સૌથી મોટો પડકાર છે ત્યારે ક્ષેત્રીય અને સામાજિક વનીકરણને વિશેષ મહત્વ આપી રાજ્યભરમાં “વન કવચ” પદ્ધતિથી તૈયાર થયેલા વન રાજ્યનું ગ્રીન કવર વધારવા માટે મહત્વના સાબિત થઈ રહ્યા છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી